માથ્થી ૨૧:૧-૪૬
૨૧ તેઓ યરૂશાલેમ નજીક આવ્યા અને જૈતૂનના પહાડ પર બેથફગે નજીક પહોંચ્યા. પછી, ઈસુએ બે શિષ્યોને મોકલ્યા
૨ અને તેઓને કહ્યું: “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ અને એમાં જતાં જ તમને એક ગધેડું અને એનું બચ્ચું બાંધેલાં મળી આવશે. તેઓને છોડીને મારી પાસે લઈ આવો.
૩ જો કોઈ તમને કંઈ પણ કહે, તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે.’ એ સાંભળીને તે તેઓને તરત જ મોકલી આપશે.”
૪ આ ખરેખર એ માટે બન્યું, જેથી પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય:
૫ “સિયોનની દીકરીને* જણાવો, ‘જો! તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર સ્વભાવનો છે અને ગધેડા પર, હા, ખોલકા પર, ગધેડાના બચ્ચા પર બેસીને આવે છે.’”
૬ એટલે, શિષ્યો ગયા અને ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી એમ જ કર્યું.
૭ તેઓ ગધેડું અને એના બચ્ચાને લાવ્યા; અને તેઓના પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.
૮ ટોળામાંના મોટા ભાગના લોકોએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં, જ્યારે કે બીજાઓ ઝાડની ડાળીઓ કાપીને રસ્તા પર પાથરવા લાગ્યા.
૯ વધુમાં, તેમની આગળ જતા અને તેમની પાછળ આવતા લોકો પોકારી રહ્યા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો. યહોવાના* નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે! હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે, તેમનું તારણ હો!”
૧૦ જ્યારે તેમણે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો, ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ કે, “આ કોણ છે?”
૧૧ ટોળાંના લોકો વારંવાર કહેતા હતા: “આ તો ગાલીલના નાઝરેથના પ્રબોધક ઈસુ છે!”
૧૨ ઈસુ મંદિરમાં ગયા અને મંદિરમાં વેચનારા તથા ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા; તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતરો વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.
૧૩ અને તેમણે તેઓને કહ્યું: “એમ લખેલું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ પણ તમે એને લુટારાઓનું કોતર બનાવી રહ્યા છો.”
૧૪ વળી, આંધળા અને લંગડા લોકો ઈસુ પાસે મંદિરમાં આવ્યા અને તેમણે તેઓને સાજા કર્યા.
૧૫ તેમણે કરેલા ચમત્કારો જ્યારે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ જોયા અને જોયું કે મંદિરમાં છોકરાઓ પોકારતા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો!” ત્યારે તેઓ ગુસ્સે થયા.
૧૬ અને તેઓએ તેમને કહ્યું: “તેઓ જે કહે છે એ તું સાંભળે છે?” ઈસુએ તેઓને કહ્યું: “હા, શું તમે આવું કદી નથી વાંચ્યું કે, ‘તેં બાળકો અને ધાવણાઓનાં મોંએ સ્તુતિ કરાવી છે’?”
૧૭ પછી, તેઓને ત્યાં જ રહેવા દઈને તે શહેર બહાર બેથનિયા ગામ ગયા અને ત્યાં રાત પસાર કરી.
૧૮ વહેલી સવારે શહેરમાં પાછા જતી વખતે ઈસુને ભૂખ લાગી.
૧૯ રસ્તાની બાજુએ અંજીરનું એક ઝાડ તેમણે જોયું અને તે એની નજીક ગયા, પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ; અને તેમણે એ ઝાડને કહ્યું: “હવેથી તારા પર કદીયે કોઈ ફળ ન આવે.” તરત જ, અંજીરનું ઝાડ સુકાઈ ગયું.
૨૦ શિષ્યોએ આ જોયું ત્યારે તેઓ નવાઈ પામ્યા અને કહ્યું: “અંજીરનું ઝાડ કેમ અચાનક સુકાઈ ગયું?”
૨૧ તેઓને જવાબ આપતા ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમારામાં શ્રદ્ધા હોય અને શંકા ન કરો, તો મેં અંજીરના ઝાડને જે કર્યું એ જ નહિ, પણ તમે આ પહાડને કહો કે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો, એમ પણ થશે.
૨૨ તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં જે કંઈ માંગો, એ તમને મળશે.”
૨૩ ઈસુ મંદિરમાં ગયા અને તે શીખવતા હતા ત્યારે, મુખ્ય યાજકો તથા લોકોના વડીલો તેમની પાસે આવ્યા અને પૂછ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”
૨૪ જવાબમાં ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને એક વાત પૂછીશ. જો તમે મને જવાબ આપો, તો હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું:
૨૫ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ કોના તરફથી હતું? ઈશ્વર તરફથી* કે માણસો તરફથી?” પરંતુ, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી,’ તો તે આપણને કહેશે, ‘તો પછી તમે કેમ તેનું કહેવું માન્યું નહિ?’
૨૬ પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આપણને ટોળાનો ડર છે, કેમ કે તેઓ બધા યોહાનને પ્રબોધક માને છે.”
૨૭ એટલે, તેઓએ ઈસુને જવાબ આપ્યો: “અમને ખબર નથી.” તેથી, તેમણે તેઓને કહ્યું, “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.
૨૮ “તમને શું લાગે છે? એક માણસને બે દીકરાઓ હતા. પહેલાની પાસે જઈને તેણે કહ્યું, ‘બેટા, આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
૨૯ તેણે જવાબમાં કહ્યું, ‘હું નહિ જાઉં,’ પણ પછીથી તેને પસ્તાવો થયો અને તે ગયો.
૩૦ બીજાની પાસે જઈને પિતાએ એવું જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ‘હું જઈશ પિતાજી,’ પણ તે ન ગયો.
૩૧ આ બેમાંથી કોણે પોતાના પિતાની મરજી પ્રમાણે કર્યું?” તેઓએ કહ્યું, “પહેલાએ.” ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જાય છે.
૩૨ કેમ કે યોહાન ખરો માર્ગ બતાવવા તમારી પાસે આવ્યો, પણ તમે તેનું માન્યું નહિ. જોકે, કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓએ તેનું માન્યું અને તમે આ જોયા પછી પણ પસ્તાવો કર્યો નહિ અને તમે તેનું માન્યું નહિ.
૩૩ “બીજું એક ઉદાહરણ સાંભળો: એક માણસ જમીનદાર હતો, જેણે દ્રાક્ષાવાડી કરી અને એની ફરતે વાડ ઊભી કરી; એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ચોકી કરવા બુરજ બાંધ્યો અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.
૩૪ જ્યારે ફળની મોસમ આવી ત્યારે માલિકે પોતાના ભાગનાં ફળ લેવા પોતાના ચાકરોને ખેડૂતો પાસે મોકલ્યા.
૩૫ જોકે, ખેડૂતોએ તેના ચાકરોને પકડ્યા અને એકને તેઓએ માર્યો, બીજાને તેઓએ મારી નાખ્યો, બીજા એકને તેઓએ પથ્થરો મારીને મારી નાખ્યો.
૩૬ ફરીથી, તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરો મોકલ્યા, પણ તેઓએ એ ચાકરો સાથે એવું જ કર્યું.
૩૭ આખરે, તેણે આમ વિચારીને પોતાના દીકરાને મોકલ્યો: ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’
૩૮ દીકરાને જોઈને ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે. ચાલો, એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ!’
૩૯ એટલે, તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેને મારી નાખ્યો.
૪૦ તેથી, જ્યારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે પેલા ખેડૂતોનું શું કરશે?”
૪૧ તેઓએ તેમને કહ્યું: “તેઓ દુષ્ટ હોવાથી, તે તેઓ પર ભયંકર વિનાશ લાવશે અને દ્રાક્ષાવાડી એવા ખેડૂતોને ભાગે આપશે, જેઓ તેને યોગ્ય સમયે એનાં ફળ આપે.”
૪૨ ઈસુએ તેઓને કહ્યું: “શાસ્ત્રવચનો કહે છે, ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે. યહોવા* તરફથી આવું બન્યું છે અને એ અમારી નજરે અજાયબ છે’ શું તમે કદી એ નથી વાંચ્યું?
૪૩ એ માટે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે અને જે પ્રજા રાજ્યને યોગ્ય ફળ આપે છે એને એ રાજ્ય આપવામાં આવશે.
૪૪ તેમ જ, આ પથ્થર પર જે માણસ પડશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને જેના પર એ પથ્થર પડશે, તેનો ભૂક્કો કરી નાખશે.”
૪૫ જ્યારે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમનાં ઉદાહરણો સાંભળ્યાં, ત્યારે તેઓ સમજી ગયા કે તે તેઓની જ વાત કરી રહ્યા હતા.
૪૬ ખરું કે તેઓ ઈસુને પકડવા માંગતા હતા, પણ તેઓ ટોળાંથી ગભરાતા હતા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.
ફૂટનોટ
^ આ સિયોન પહાડ પર આવેલા યરૂશાલેમ શહેરને અથવા એમાં રહેતા લોકોને ચીંધતું હોય શકે.
^ શબ્દસૂચિ જુઓ.
^ મૂળ અર્થ, “સ્વર્ગ.”
^ શબ્દસૂચિ જુઓ.