માથ્થી ૨૩:૧-૩૯
૨૩ પછી, ટોળાં અને પોતાના શિષ્યો સાથે વાત કરતા ઈસુએ કહ્યું:
૨ “શાસ્ત્રીઓ અને ફરોશીઓ પોતે મુસાની જગ્યાએ બેસી ગયા છે.
૩ તેથી, તેઓ તમને જે કંઈ કહે છે એ બધું કરો અને પાળો, પણ તેઓનાં જેવાં કામ ન કરો, કેમ કે તેઓ કહે છે પણ એમ કરતા નથી.
૪ તેઓના નિયમો ભારે બોજા જેવા છે, જેને તેઓ લોકોના ખભા પર નાખે છે. પરંતુ, તેઓ પોતે એ બોજો ઊંચકવા એક આંગળી પણ અડાડવા તૈયાર નથી.
૫ તેઓ જે કંઈ કરે છે એ માણસોને દેખાડવા કરે છે, કેમ કે રક્ષણ મેળવવા તેઓ શાસ્ત્રવચનો લખેલી જે ડબ્બીઓ* પહેરે છે, એ મોટી કરાવે છે અને તેઓનાં કપડાંની ઝાલર પહોળી કરાવે છે.
૬ તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યા અને સભાસ્થાનોમાં આગળની* બેઠકો ગમે છે;
૭ લોકો બજારોમાં સલામો ભરે અને ગુરુજી* કહે, એવું તેઓને ગમે છે.
૮ પરંતુ તમે, તમે પોતાને ગુરુ* ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે અને તમે બધા ભાઈઓ છો.
૯ વધુમાં, પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’* ન કહો, કેમ કે તમારા પિતા એક છે, જે સ્વર્ગમાં છે.
૧૦ વળી, પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.
૧૧ પરંતુ, તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય.
૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.
૧૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો; તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે દાખલ થવા દેતા નથી.
૧૪ *—
૧૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે એક માણસને યહુદી બનાવવા* તમે દરિયો અને ધરતી ખૂંદી વળો છો અને જ્યારે તે બને છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો ગેહેન્નાને* લાયક બનાવો છો.
૧૬ “ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ! તમે કહો છો કે, ‘જો કોઈ મંદિરના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી; પણ, જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’
૧૭ મૂર્ખાઓ અને આંધળાઓ! ખરું જોતાં કયું વધારે મહત્ત્વનું છે, સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર?
૧૮ વળી, ‘જો કોઈ વેદીના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી; પણ, જો કોઈ એના પરની ભેટના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’
૧૯ ઓ આંધળાઓ! ખરું જોતાં, શું વધારે મહત્ત્વનું છે, ભેટ કે ભેટને પવિત્ર કરનાર વેદી?
૨૦ એ માટે જે કોઈ વેદીના સમ ખાય છે, તે એના અને એના પરની બધી વસ્તુઓના સમ ખાય છે;
૨૧ અને જે કોઈ મંદિરના સમ ખાય છે, તે એના અને એમાં રહેનારના સમ ખાય છે;
૨૨ જે કોઈ સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના અને એના પર બેસનારના સમ ખાય છે.
૨૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કારણ કે તમે ફૂદીના, સુવા અને જીરાંનો દસમો ભાગ તો આપો છો, પણ તમે ન્યાય, દયા અને વિશ્વાસુપણા જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતોનો અનાદર કરો છો. પહેલી બાબતો પાળવી જરૂરી હતી, તોપણ પછીની વાતો પડતી મૂકવાની ન હતી.
૨૪ આંધળા દોરનારાઓ, તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટ ગળી જાઓ છો!
૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી એ લોભ* અને અતિશય ભોગવિલાસથી ભરેલા છે.
૨૬ ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.
૨૭ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કારણ કે તમે ધોળેલી કબર જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદરથી તો મરેલા માણસોનાં હાડકાંથી અને દરેક પ્રકારની અશુદ્ધતાથી ભરપૂર છે.
૨૮ એ રીતે, તમે પણ બહારથી તો લોકોને સત્યતાથી ચાલનાર દેખાઓ છો, પણ અંદરથી તમે ઢોંગ અને દુષ્ટતાથી ભરપૂર છો.
૨૯ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને નેક લોકોની કબરોને શણગારો છો;
૩૦ તમે કહો છો, ‘જો અમે અમારા બાપદાદાના દિવસોમાં હોત, તો પ્રબોધકોના ખૂનમાં અમે તેઓના ભાગીદાર બન્યા ન હોત.’
૩૧ એ માટે, તમે પોતે તમારી વિરુદ્ધ સાક્ષી પૂરો છો કે તમે પ્રબોધકોનું ખૂન કરનારાઓના દીકરા છો.
૩૨ તો પછી, તમારા બાપદાદાએ જે કામોની શરૂઆત કરી હતી એ પૂરાં કરો.
૩૩ “ઓ સર્પો, ઝેરી સાપોનાં સંતાનો, તમે ગેહેન્નાની* સજામાંથી કેવી રીતે છટકી શકશો?
૩૪ એ કારણે જુઓ, હું તમારી પાસે પ્રબોધકો અને સમજદાર માણસો અને ઉપદેશકોને મોકલું છું. એમાંના અમુકને તમે મારી નાખશો અને અમુકને શૂળીએ ચડાવશો, એમાંના અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને અમુકને શહેરેશહેર સતાવણી કરશો;
૩૫ જેથી, પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે એ તમારા પર આવે, નેક હાબેલના લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહી સુધી. ઝખાર્યાને તમે પવિત્ર સ્થાન અને વેદી વચ્ચે મારી નાખ્યા હતા.
૩૬ હું તમને સાચે જ કહું છું કે એ બધું આ પેઢી પર આવી પડશે.
૩૭ “યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર; જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પરંતુ, તમે એવું ચાહ્યું નહિ.
૩૮ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.*
૩૯ કારણ કે હું તમને કહું છું કે હવેથી જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના* નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે!’ ત્યાં સુધી ચોક્કસ તમે મને જોશો નહિ.”
ફૂટનોટ
^ એક નાની ડબ્બી જેમાં નિયમશાસ્ત્રના ચાર ભાગ મૂકવામાં આવતા. યહુદી પુરુષો એને પોતાના કપાળ અને ડાબા હાથ પર રક્ષણ મેળવવા પહેરતા.
^ અથવા, “સૌથી સારી.”
^ હિબ્રૂમાં, રાબ્બી.
^ હિબ્રૂમાં, રાબ્બી.
^ ઈસુ અહીં પુરુષોને લાગુ પડતા ધાર્મિક ખિતાબ, “પિતા” વિશે ઉલ્લેખ કરતા હતા, જેમ કે અંગ્રેજીમાં “ફાધર.”
^ અથવા, “ધર્મ બદલાવવા.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “લૂંટ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા કદાચ, “તમારા માટે ઉજ્જડ કર્યું છે.”
^ શબ્દસૂચિ જુઓ.