માથ્થી ૨૪:૧-૫૧

  • ખ્રિસ્તની હાજરીની નિશાની (૧-૫૧)

    • યુદ્ધો, દુકાળો, ધરતીકંપો ()

    • ખુશખબરનો પ્રચાર થશે (૧૪)

    • મહાન વિપત્તિ (૨૧, ૨૨)

    • માણસના દીકરાની નિશાની (૩૦)

    • અંજીરનું ઝાડ (૩૨-૩૪)

    • નુહના દિવસની જેમ (૩૭-૩૯)

    • જાગતા રહો (૪૨-૪૪)

    • વિશ્વાસુ ચાકર અને દુષ્ટ ચાકર (૪૫-૫૧)

૨૪  હવે, ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે, તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા. ૨  તેમણે જવાબમાં તેઓને કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.” ૩  ઈસુ જૈતૂન પહાડ પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “અમને જણાવો કે એ બનાવો ક્યારે બનશે અને તમારી હાજરીની* તથા દુનિયાના* અંતના સમયની નિશાની શું હશે?” ૪  ઈસુએ જવાબમાં તેઓને કહ્યું કે, “જોજો, કોઈ તમને ભમાવે નહિ, ૫  કારણ કે ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે. ૬  તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. જોજો, તમે ચોંકી ન જતા; કેમ કે આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે. ૭  “કારણ કે એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે. ૮  આ બધું તો પ્રસૂતિની પીડાની જેમ દુઃખોની શરૂઆત જ છે. ૯  “પછી લોકો તમારી સતાવણી કરશે અને તમને મારી નાખશે અને મારા નામને લીધે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે. ૧૦  વળી, ઘણા ઠોકર ખાશે, એકબીજાને દગો આપશે અને એકબીજાને ધિક્કારશે. ૧૧  ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણા લોકોને ખોટા માર્ગે દોરશે; ૧૨  દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. ૧૩  પરંતુ, જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે. ૧૪  રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે. ૧૫  “તેથી, પ્રબોધક દાનીયેલના જણાવ્યા પ્રમાણે, વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને તમે જ્યારે પવિત્ર જગ્યાએ ઊભેલી જુઓ (વાચકે સમજવા ધ્યાન આપવું), ૧૬  ત્યારે જેઓ યહુદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. ૧૭  જે માણસ ધાબા પર હોય તેણે ઊતરીને ઘરમાં સામાન લેવા જવું નહિ; ૧૮  અને જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૯  એ દિવસો ગર્ભવતી અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૨૦  પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે; ૨૧  કેમ કે એ સમયે એવી મહાન વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી; ના, ફરી કદી થશે પણ નહિ. ૨૨  હકીકતમાં, જો એ દિવસો ઓછા કરવામાં નહિ આવે તો કોઈનો બચાવ નહિ થાય; પણ ઈશ્વરથી પસંદ થયેલા લોકોને કારણે એ દિવસો ઓછા કરવામાં આવશે. ૨૩  “વળી, જો કોઈ તમને કહે કે, ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’ અથવા ‘ત્યાં છે,’ તો એ માનતા નહિ. ૨૪  કારણ કે જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે અને લોકોને ભમાવવા, અરે શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાને પણ ભમાવવા મોટી મોટી નિશાનીઓ અને કરામતો કરશે. ૨૫  જુઓ! મેં તમને પહેલેથી ચેતવી દીધા છે. ૨૬  એ માટે જો લોકો તમને કહે કે, ‘જુઓ! તે વેરાન પ્રદેશમાં છે,’ તો જતા નહિ; ‘જુઓ! તે અંદરના ઓરડામાં છે,’ તો એ માનતા નહિ. ૨૭  કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળે છે અને પશ્ચિમે ચમકે છે, એમ માણસના દીકરાની હાજરીના* સમયે થશે. ૨૮  જ્યાં પણ મડદું હોય છે, ત્યાં ગરુડો* ભેગા થશે. ૨૯  “એ દિવસોની વિપત્તિ પછી તરત જ સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે, આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. ૩૦  પછી, આકાશમાં માણસના દીકરાની નિશાની દેખાશે અને પૃથ્વી પરનાં બધાં કુળો શોકમાં છાતી કૂટશે અને તેઓ માણસના દીકરાને સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતો જોશે. ૩૧  તે પોતાના દૂતોને રણશિંગડાના મોટા અવાજ સાથે મોકલશે અને તેઓ આકાશોના એક છેડાથી તે બીજા છેડા સુધી, ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે. ૩૨  “હવે, અંજીરના ઝાડના ઉદાહરણથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એના પર પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે. ૩૩  એ જ રીતે, તમે જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે. ૩૪  હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ. ૩૫  આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કદીયે નાશ નહિ પામે. ૩૬  “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ. ૩૭  કારણ કે જેવું નુહના દિવસોમાં થયું હતું, એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે થશે. ૩૮  કેમ કે જેમ જળપ્રલય પહેલાંના દિવસોમાં જ્યાં સુધી નુહ વહાણની* અંદર ગયા નહિ, ત્યાં સુધી લોકો ખાતાપીતા, માણસો પરણતા અને સ્ત્રીઓને પરણાવતા હતા; ૩૯  અને જળપ્રલય આવ્યો અને તેઓ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી, તેઓએ ધ્યાન આપ્યું નહિ; એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે. ૪૦  એ સમયે બે માણસો ખેતરમાં હશે; એક લેવાશે અને બીજો પડતો મુકાશે. ૪૧  બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે અને બીજી પડતી મુકાશે. ૪૨  એટલે, જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો પ્રભુ કયા દિવસે આવે છે. ૪૩  “પરંતુ, એક વાત જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ* આવશે, તો તે જાગતો રહ્યો હોત અને તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત. ૪૪  એ માટે તમે પણ તૈયાર રહો, કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવી રહ્યો છે. ૪૫  “વિશ્વાસુ અને સમજુ* ચાકર કોણ છે, જેને તેના માલિકે પોતાના ઘરના સેવકો પર ઠરાવ્યો છે, જેથી તેઓને યોગ્ય સમયે ખોરાક આપે? ૪૬  એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! ૪૭  હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી માલમિલકત પર કારભારી ઠરાવશે. ૪૮  “પણ, જો કદીયે એ ચાકર દુષ્ટ કામો કરે અને મનમાં વિચારે કે ‘મારા માલિકને આવતા મોડું થાય છે’ ૪૯  અને સાથી ચાકરોને મારવા લાગે તથા દારૂડિયાઓ સાથે ખાવા-પીવા લાગે, ૫૦  તો તે ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે. ૫૧  તે તેને કડકમાં કડક સજા કરશે અને તેના હાલ ઢોંગીઓ જેવા કરશે. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
ગરુડની અમુક જાત મડદાં ખાય છે.
સામાન્ય રીતે “પેઢી” શબ્દ અમુક ચોક્કસ સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકોને બતાવે છે.
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “પેટી.” આ લંબચોરસ આકારના પેટી જેવા જહાજને બતાવે છે, જેને ચોરસ ખૂણાઓ અને સપાટ તળિયું હોય, એવું માનવામાં આવે છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “રાતે કયા સમયે.”
અથવા, “શાણો.”