માથ્થી ૨૬:૧-૭૫

  • ઈસુને મારી નાખવાનું યાજકોનું કાવતરું (૧-૫)

  • ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૬-૧૩)

  • છેલ્લું પાસ્ખા અને દગો (૧૪-૨૫)

  • પ્રભુના સાંજના ભોજનની શરૂઆત (૨૬-૩૦)

  • પીતરના નકાર વિશે ભવિષ્યવાણી (૩૧-૩૫)

  • ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૬-૪૬)

  • ઈસુને પકડી લેવામાં આવ્યા (૪૭-૫૬)

  • યહુદી ન્યાયસભા આગળ (૫૭-૬૮)

  • પીતર ઈસુનો નકાર કરે છે (૬૯-૭૫)

૨૬  હવે, ઈસુએ આ બધી વાતો કહેવાની પૂરી કરી ત્યારે, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: ૨  “તમે જાણો છો કે આજથી બે દિવસ પછી, પાસ્ખાનો તહેવાર* આવશે અને માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે સોંપી દેવામાં આવશે.” ૩  પછી, મુખ્ય યાજકો અને લોકોના વડીલો, પ્રમુખ યાજકના ઘરના આંગણામાં ભેગા થયા, જેનું નામ કાયાફાસ હતું; ૪  તેઓએ ઈસુને કપટથી* પકડીને તેમને મારી નાખવાની અંદરોઅંદર વિચારણા કરી. ૫  જોકે, તેઓ કહેતા હતા કે, “તહેવારના સમયે નહિ, જેથી લોકોમાં ધાંધલ ઊભી ન થાય.” ૬  બેથનિયામાં સિમોન જે અગાઉ રક્તપિત્તિયો હતો, તેના ઘરમાં ઈસુ હતા ત્યારે, ૭  એક સ્ત્રી કીમતી, સુગંધી તેલ ભરેલી સંગેમરમરની શીશી લઈને તેમની પાસે આવી. તે જમતા હતા* ત્યારે, એ તેલ તેમના માથા પર રેડવા લાગી. ૮  આ જોઈને શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું: “આવો બગાડ શા માટે? ૯  કેમ કે એ ઊંચા ભાવે વેચી શકાયું હોત અને એ પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત.” ૧૦  એ જાણીને ઈસુએ તેઓને કહ્યું: “તમે આ સ્ત્રીને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સારું કામ કર્યું છે. ૧૧  ગરીબો તો કાયમ તમારી સાથે હશે, પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં. ૧૨  જ્યારે તેણે મારા શરીર પર આ સુગંધી તેલ લગાડ્યું, ત્યારે તેણે મારા દફનની તૈયારી માટે એ કર્યું. ૧૩  હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.” ૧૪  પછી, બારમાંનો એક જે યહુદા ઇસ્કારિયોત કહેવાતો હતો, તે મુખ્ય યાજકો પાસે ગયો ૧૫  અને કહ્યું: “તેમને દગો દઈને તમને સોંપી દઉં તો તમે મને શું આપશો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા આપવાનું નક્કી કર્યું. ૧૬  એટલે, ત્યારથી તે ઈસુને દગો દેવાની સારી તક શોધવા લાગ્યો. ૧૭  બેખમીર રોટલીના* તહેવારના* પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?” ૧૮  તેમણે કહ્યું: “શહેરમાં ફલાણા-ફલાણાની પાસે જાઓ અને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો નક્કી કરેલો સમય પાસે આવ્યો છે; હું તારા ઘરે મારા શિષ્યો સાથે પાસ્ખાની ઉજવણી કરીશ.”’” ૧૯  તેથી, શિષ્યોએ ઈસુની સૂચના પ્રમાણે કર્યું અને પાસ્ખા માટે તૈયારી કરી. ૨૦  સાંજ ઢળી ત્યારે તે બાર શિષ્યો સાથે મેજને અઢેલીને જમવા બેઠા હતા. ૨૧  તેઓ જમી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.” ૨૨  એ સાંભળીને તેઓ ઘણા જ દુઃખી થયા અને વારાફરતી દરેક તેમને પૂછવા લાગ્યા: “પ્રભુ, હું તે નથી, ખરું ને?” ૨૩  જવાબમાં તેમણે કહ્યું: “જે મારી સાથે એક જ વાટકામાંથી ખાય છે, તે મને દગો દેશે. ૨૪  ખરું કે માણસના દીકરા વિશે જે લખેલું છે એ પ્રમાણે તે મરણ પામશે, પણ જે માણસના દીકરાને દગો દે છે તેને અફસોસ! એ માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.” ૨૫  યહુદા જે તેમને દગાથી પકડાવી દેવાની તૈયારીમાં હતો, તેણે તેમને પૂછ્યું: “ગુરુજી,* એ હું તો નથી ને?” ઈસુએ તેને કહ્યું: “તેં પોતે જ એ કહ્યું છે.” ૨૬  તેઓ હજી જમી રહ્યા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને આશીર્વાદ માંગ્યો; પછી, તેમણે એ તોડી તથા શિષ્યોને આપી અને તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.” ૨૭  તેમણે પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માનીને તેઓને એ આપતા કહ્યું: “તમે બધા એમાંથી પીઓ, ૨૮  કારણ કે આ મારા લોહીને એટલે કે ‘કરારના લોહીʼને રજૂ કરે છે, જે ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે. ૨૯  પરંતુ, હું તમને કહું છું કે મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષદારૂ ન પીઉં, એ દિવસ સુધી હું આવો કોઈ પણ દ્રાક્ષદારૂ ફરીથી પીશ નહિ.” ૩૦  છેવટે, સ્તુતિ-ગીતો* ગાઈને તેઓ જૈતૂન પહાડ પર જવા નીકળી ગયા. ૩૧  પછી, ઈસુએ તેઓને કહ્યું: “આજે રાતે મને જે થશે એના લીધે તમે બધા ઠોકર ખાશો, કેમ કે આમ લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને ટોળામાંનાં ઘેટાં આમતેમ વિખેરાઈ જશે.’ ૩૨  પરંતુ, મને ઉઠાડવામાં આવશે પછી હું તમારી આગળ ગાલીલ જઈશ.” ૩૩  પણ, પીતરે તેમને જવાબ આપતા કહ્યું: “તમને જે થવાનું છે એને લીધે બીજા બધા ભલે ઠોકર ખાય, પણ હું કદીયે ઠોકર નહિ ખાઉં!” ૩૪  ઈસુએ તેને કહ્યું કે, “હું તને સાચે જ કહું છું, આજે રાતે કૂકડો બોલે એ પહેલાં, તું મને ઓળખવાનો ત્રણ વાર નકાર કરીશ.” ૩૫  પીતરે તેમને કહ્યું: “જો મારે તમારી સાથે મરવું પડે, તોયે હું તમને ઓળખવાનો કદી પણ નકાર નહિ કરું.” બીજા બધા શિષ્યોએ પણ એવું જ કહ્યું. ૩૬  પછી, ઈસુ તેઓ સાથે ગેથશેમાને નામની જગ્યાએ આવી પહોંચ્યા અને તેમણે શિષ્યોને કહ્યું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” ૩૭  તે પીતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈ ગયા; તે બહુ દુઃખી અને પરેશાન થવા લાગ્યા. ૩૮  પછી, તેમણે તેઓને કહ્યું: “હું બહુ જ દુઃખી, અરે મરવા જેવો થયો છું. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.” ૩૯  અને જરાક આગળ જઈને તે ઘૂંટણે પડ્યા અને ભૂમિ સુધી માથું નમાવીને પ્રાર્થના કરી: “મારા પિતા, જો શક્ય હોય તો આ પ્યાલો* મારી પાસેથી દૂર થવા દો. તોપણ, મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થવા દો.” ૪૦  તે શિષ્યો પાસે આવ્યા ત્યારે, તેઓને ઊંઘતા જોયા અને તેમણે પીતરને કહ્યું: “શું તમે મારી સાથે થોડી વાર પણ જાગતા રહી શકતા નથી? ૪૧  જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો. ખરું કે મન તો આતુર* છે, પણ શરીર કમજોર છે.” ૪૨  ફરીથી, બીજી વાર તે ગયા અને પ્રાર્થના કરી: “મારા પિતા, જો મારા પીધા સિવાય આ પ્યાલો દૂર કરવાનું શક્ય ન હોય, તો તમારી ઇચ્છા પ્રમાણે થવા દો.” ૪૩  તે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. ૪૪  એટલે, તેઓને મૂકીને તે ફરીથી ગયા અને ત્રીજી વાર પ્રાર્થના કરી, ફરી એક વાર એ જ વાત કહી. ૪૫  પછી, તે શિષ્યો પાસે આવ્યા અને તેઓને કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી નજીક આવી પહોંચી છે. ૪૬  ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર નજીક આવી પહોંચ્યો છે.” ૪૭  હજુ તો તે બોલી રહ્યા હતા એવામાં જુઓ! યહુદા, જે બારમાંનો એક હતો, તે આવ્યો અને તેની સાથે મુખ્ય યાજકો તથા લોકોના વડીલોએ મોકલેલું મોટું ટોળું તલવારો અને લાઠીઓ લઈને આવ્યું. ૪૮  હવે, ઈસુના દગાખોરે તેઓને એક નિશાની આપતા કહ્યું હતું: “હું જેને ચુંબન કરું એ જ તે છે; તેને પકડી લેજો.” ૪૯  તેણે સીધા જ ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* અને તેમને ચુંબન કર્યું. ૫૦  પરંતુ, ઈસુએ તેને કહ્યું: “મિત્ર, તું કયા ઇરાદાથી આવ્યો છે?” પછી, તેઓ આગળ આવ્યા અને ઈસુની ધરપકડ કરી. ૫૧  પરંતુ જુઓ! ઈસુની સાથે જેઓ હતા, તેઓમાંના એકે હાથ લંબાવીને તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો. ૫૨  એટલે, ઈસુએ તેને કહ્યું: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે. ૫૩  અથવા શું તમે એમ માનો છો કે હું મારા પિતાને વિનંતી કરી શકતો નથી કે આ જ ઘડીએ મને દૂતોની ૧૨ સેના* કરતાં વધારે મોકલી આપે? ૫૪  જો એમ હોય તો એ શાસ્ત્રવચનો કઈ રીતે પૂરાં થશે, જે કહે છે કે આ રીતે જ થવું જોઈએ?” ૫૫  એ સમયે ઈસુએ ટોળાંને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ, શું તમે તલવારો અને લાઠીઓ લઈને મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો, તોપણ તમે મને પકડ્યો નહિ. ૫૬  પરંતુ, પ્રબોધકોએ લખેલું* પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.” પછી, બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા. ૫૭  જેઓએ ઈસુને પકડ્યા હતા તેઓ તેમને પ્રમુખ યાજક કાયાફાસ પાસે લઈ ગયા, જ્યાં શાસ્ત્રીઓ અને વડીલો ભેગા થયા હતા. ૫૮  પરંતુ, પીતર થોડું અંતર રાખીને છેક પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો અને અંદર ગયા પછી, ઘરના ચાકરો સાથે બેસીને જોવા લાગ્યો કે પરિણામ શું આવે છે. ૫૯  હવે, મુખ્ય યાજકો અને આખી યહુદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધી રહી હતી. ૬૦  ખરું કે ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ. આખરે, બે માણસ આગળ આવ્યા ૬૧  અને કહ્યું: “આ માણસ કહેતો હતો કે, ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’” ૬૨  એ સાંભળીને પ્રમુખ યાજક ઊભો થયો અને ઈસુને કહ્યું: “શું તારે જવાબમાં કંઈ નથી કહેવું? આ બધા તારી વિરુદ્ધ જુબાની આપે છે, એનું શું?” ૬૩  પરંતુ, ઈસુ ચૂપ રહ્યા. તેથી, પ્રમુખ યાજકે તેમને કહ્યું: “હું જીવતા ઈશ્વરના સમ આપીને તને કહું છું કે અમને જણાવ, તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!” ૬૪  ઈસુએ તેને કહ્યું: “તમે પોતે જ એ કહ્યું છે. પણ, હું તમને કહું છું કે હવેથી તમે માણસના દીકરાને શક્તિશાળીના જમણા હાથે બેઠેલો અને આકાશનાં વાદળો પર આવતો જોશો.” ૬૫  એટલે, પ્રમુખ યાજકે પોતાનો ઝભ્ભો ફાડતા કહ્યું: “તેણે ઈશ્વરની નિંદા કરી છે! આપણને હવે સાક્ષીઓની શી જરૂર છે? જુઓ! હવે તમે પોતે એ નિંદા સાંભળી છે. ૬૬  તમારું શું કહેવું છે?” તેઓએ જવાબ આપ્યો: “તે મોતને લાયક છે.” ૬૭  પછી, તેઓ તેમના ચહેરા પર થૂંક્યા અને તેમને મુક્કા માર્યા. બીજાઓએ તેમને તમાચા માર્યા ૬૮  અને કહ્યું: “ઓ ખ્રિસ્ત, જો તું પ્રબોધક હોય તો અમને જણાવ કે તને કોણે માર્યું?” ૬૯  એ સમયે પીતર બહાર આંગણામાં બેઠો હતો અને એક દાસીએ તેની પાસે આવીને કહ્યું: “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો!” ૭૦  પરંતુ, તેણે તેઓ બધાની સામે આમ કહીને નકાર કર્યો: “મને ખબર નથી કે તું શું કહી રહી છે.” ૭૧  પીતર દરવાજાની ચોકી પાસે ગયો ત્યારે, બીજી એક છોકરીએ તેને જોયો અને ત્યાં હાજર લોકોને કહ્યું: “આ માણસ નાઝરેથના ઈસુ સાથે હતો.” ૭૨  ફરીથી તેણે સમ ખાઈને ના પાડી: “હું એ માણસને ઓળખતો નથી!” ૭૩  થોડી વાર પછી, આજુબાજુ ઊભા હતા તેઓએ પીતર પાસે આવીને કહ્યું: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, હકીકતમાં તારી બોલીથી* એ ખબર પડી જાય છે.” ૭૪  તેથી, તે પોતાને શાપ દેવા અને સમ ખાવા લાગ્યો: “હું એ માણસને ઓળખતો નથી!” અને તરત જ કૂકડો બોલ્યો. ૭૫  અને પીતરને યાદ આવ્યું કે ઈસુએ આમ કહ્યું હતું: “કૂકડો બોલે એ પહેલાં, તું મને ઓળખવાનો ત્રણ વાર નકાર કરીશ.” અને તે બહાર જઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “કાવતરાથી.”
અથવા, “મેજને અઢેલીને બેઠા હતા.”
આ પ્રકારની રોટલી આથો નાખ્યા વગર બનાવવામાં આવતી, જે કડક રોટલીને મળતી આવે છે.
શબ્દસૂચિ જુઓ.
હિબ્રૂમાં, રાબ્બી.
અથવા, “ભજનો.”
માથ ૨૦:૨૨ની ફૂટનોટ જુઓ.
અથવા, “તૈયાર.”
હિબ્રૂમાં, રાબ્બી.
એક સેના એટલે આશરે ૪,૦૦૦થી ૬,૦૦૦ સૈનિકો, જે અહીં અગણિત મોટી સંખ્યા બતાવવા માટે વપરાયું છે.
અથવા, “શાસ્ત્રવચનો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઉચ્ચારથી.”