માથ્થી ૨૭:૧-૬૬

  • ઈસુ પીલાતના હાથમાં સોંપાયા (૧, ૨)

  • યહુદાએ ગળે ફાંસો ખાધો (૩-૧૦)

  • ઈસુ પીલાત આગળ (૧૧-૨૬)

  • જાહેરમાં મશ્કરી કરવામાં આવી (૨૭-૩૧)

  • ગલગથામાં ખીલાથી વધસ્તંભે જડાયા (૩૨-૪૪)

  • ઈસુનું મરણ (૪૫-૫૬)

  • ઈસુની દફનવિધિ (૫૭-૬૧)

  • કબર પર ચોકીપહેરો (૬૨-૬૬)

૨૭  સવાર થઈ ત્યારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ ભેગા થઈને ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ સભા ભરી. ૨  તેમને બાંધ્યા પછી, તેઓ તેમને લઈ ગયા અને રાજ્યપાલ પીલાતને સોંપી દીધા. ૩  પછી, ઈસુને દગો દેનાર યહુદાએ જોયું કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે, તેને અફસોસ થયો અને તે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકો અને વડીલો પાસે પાછા લાવ્યો ૪  અને કહ્યું: “નેક માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” તેઓએ કહ્યું: “એમાં અમારે શું? એ તું જાણે!”* ૫  એટલે, તેણે ચાંદીના સિક્કા મંદિરમાં ફેંકી દીધા અને ત્યાંથી નીકળી ગયો. પછી જઈને ગળે ફાંસો ખાધો. ૬  પરંતુ, મુખ્ય યાજકોએ ચાંદીના સિક્કા લીધા અને કહ્યું: “એને મંદિરના ભંડારમાં નાખવા નિયમ પ્રમાણે યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.” ૭  એકબીજા સાથે ચર્ચા કર્યા પછી, એ સિક્કાઓથી તેઓએ અજાણ્યા લોકોને દાટવા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. ૮  તેથી, આજ સુધી એ ખેતરને લોહીનું ખેતર કહેવામાં આવે છે. ૯  આમ, યર્મિયા* પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થયું: “તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા લીધા, જે કિંમત ઇઝરાયેલના અમુક દીકરાઓએ એક માણસ માટે ઠરાવી હતી ૧૦  અને તેઓએ કુંભારના ખેતર માટે એ તેઓને આપ્યા, જેમ યહોવાએ* મને આજ્ઞા આપી હતી.” ૧૧  ઈસુ હવે રાજ્યપાલ સામે ઊભા હતા અને રાજ્યપાલે તેમને સવાલ પૂછ્યો: “શું તું યહુદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે પોતે એ કહો છો.” ૧૨  પણ, જ્યારે મુખ્ય યાજકો અને વડીલો તેમના પર આરોપ મૂકતા હતા, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. ૧૩  પછી, પીલાતે તેમને કહ્યું: “શું તું સાંભળતો નથી કે તારી વિરુદ્ધ સાક્ષીમાં તેઓ કેટલા બધા આરોપ મૂકે છે?” ૧૪  પરંતુ, તેમણે કોઈ જવાબ આપ્યો નહિ; ના, એક શબ્દ પણ નહિ, એનાથી રાજ્યપાલ ઘણો નવાઈ પામ્યો. ૧૫  હવે, આ તહેવાર દરમિયાન, એવો રિવાજ હતો કે ટોળું માંગે એ કેદીને રાજ્યપાલ તેઓ માટે છોડી મૂકે. ૧૬  એ સમયે તેઓની કેદમાં બારાબાસ નામનો એક કુખ્યાત કેદી હતો. ૧૭  એટલે, જ્યારે તેઓ ભેગા થયા ત્યારે પીલાતે તેઓને કહ્યું: “તમારી શું ઇચ્છા છે, હું કોને તમારા માટે છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” ૧૮  કેમ કે પીલાત જાણતો હતો કે અદેખાઈને લીધે તેઓએ ઈસુને સોંપ્યા હતા. ૧૯  વધુમાં, જ્યારે તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ આવો સંદેશો મોકલ્યો કે, “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં હું ઘણી દુઃખી થઈ હતી.” ૨૦  પણ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાંને સમજાવ્યું કે બારાબાસ માટે આઝાદી અને ઈસુ માટે મોત માંગે. ૨૧  રાજ્યપાલે ફરીથી તેઓને કહ્યું: “તમારી શી ઇચ્છા છે, આ બેમાંથી હું કોને તમારા માટે છોડી દઉં?” તેઓએ કહ્યું: “બારાબાસને.” ૨૨  પીલાતે તેઓને કહ્યું: “તો પછી, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” એ બધાએ કહ્યું: “તેને વધસ્તંભે ચડાવો!”* ૨૩  તેણે કહ્યું: “શા માટે? તેણે કયો ગુનો કર્યો છે?” પણ, તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચડાવો!” ૨૪  પીલાતે જોયું કે કંઈ વળતું નથી, એને બદલે ધમાલ વધી રહી છે; એટલે, તેણે પાણી લીધું અને ટોળા સામે પોતાના હાથ ધોતા કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે લેવી પડશે.” ૨૫  ત્યારે બધા લોકોએ જવાબમાં કહ્યું: “તેનું લોહી અમારા પર અને અમારાં બાળકો પર આવવા દો.” ૨૬  પછી, તેણે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો, પણ ઈસુને કોરડા મરાવ્યા અને વધસ્તંભે મારી નાખવા સોંપી દીધા. ૨૭  પછી, રાજ્યપાલના સૈનિકો ઈસુને રાજ્યપાલના ઘરે લઈ ગયા અને તેમની પાસે બધા સૈનિકોને ભેગા કર્યા. ૨૮  તેઓએ ઈસુનાં કપડાં ઉતારીને, તેમને ઘેરા લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો; ૨૯  તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણ ટેકવીને, તેમની મજાક ઉડાવતા કહ્યું: “હે યહુદીઓના રાજા, સલામ!”* ૩૦  તેઓ તેમના પર થૂંક્યા અને સોટી લઈને તેમના માથા પર મારવા લાગ્યા. ૩૧  આખરે, જ્યારે તેઓ મજાક કરી રહ્યા, ત્યારે તેઓએ ઝભ્ભો કાઢી લીધો અને તેમને તેમનાં કપડાં પહેરાવ્યાં અને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા. ૩૨  તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. ઈસુનો વધસ્તંભ ઊંચકવા માટે તેઓએ એ માણસને ફરજ પાડી. ૩૩  જ્યારે તેઓ ગલગથા નામની જગ્યા, એટલે કે ખોપરીની જગ્યાએ પહોંચ્યા, ૩૪  ત્યારે તેઓએ તેમને કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ પીવા આપ્યો, પણ એ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી. ૩૫  તેઓએ તેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા પછી, ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધાં. ૩૬  અને તેઓ ત્યાં તેમની ચોકી કરવા બેઠા. ૩૭  તેઓએ તેમના માથા ઉપર તેમના વિરુદ્ધનો આરોપ લખેલી તકતી પણ લગાડી: “આ યહુદીઓનો રાજા, ઈસુ છે.” ૩૮  પછી, તેમની સાથે બે લુટારાને વધસ્તંભે ચડાવવામાં આવ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ૩૯  ત્યાંથી પસાર થનારાઓ માથા હલાવીને તેમની મશ્કરી કરતા ૪૦  કહેવા લાગ્યા: “તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો, તું પોતાને બચાવ! જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે આવ!” ૪૧  એ જ રીતે, શાસ્ત્રીઓ અને વડીલો સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા: ૪૨  “તેણે બીજાઓને બચાવ્યા; પણ, પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે અને અમે તેના પર શ્રદ્ધા મૂકીશું. ૪૩  તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે; જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે, કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’” ૪૪  એ જ રીતે, તેમની સાથે વધસ્તંભે ચડાવ્યા હતા એ લુટારા પણ તેમનું અપમાન કરતા હતા. ૪૫  બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું. ૪૬  બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે કે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ૪૭  એ સાંભળીને ત્યાં ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “આ માણસ એલિયાને બોલાવે છે.” ૪૮  તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી, અને લાકડી પર મૂકીને તેમને ચૂસવા માટે આપી. ૪૯  પણ તેઓમાંથી બાકીનાએ કહ્યું: “રહેવા દે! આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ.” ૫૦  ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા. ૫૧  અને જુઓ! મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો અને ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. ૫૨  કબરો ખૂલી ગઈ અને મરણની ઊંઘમાં હતા એવા ઘણા પવિત્ર લોકોનાં શબ બહાર ફેંકાયાં ૫૩  અને ઘણા લોકોને એ દેખાયા. (ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, જેઓ કબરો પાસે ગયા હતા તેઓ પવિત્ર શહેરમાં આવ્યા.)* ૫૪  પણ લશ્કરી અધિકારી અને એની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઈ બન્યું હતું એ જોયું ત્યારે તેઓ ઘણા ડરી ગયા અને કહ્યું: “ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો.” ૫૫  ત્યાં ઘણી સ્ત્રીઓ દૂરથી એ જોઈ રહી હતી, તેઓ ગાલીલથી ઈસુ સાથે તેમની સેવા કરવા માટે આવી હતી; ૫૬  તેઓમાં મરિયમ માગદાલેણ અને યાકૂબ તથા યોસેની મા મરિયમ અને ઝબદીના દીકરાઓની મા હતી. ૫૭  હવે, મોડી બપોર થઈ ચૂકી હતી ત્યારે યુસફ નામે અરિમથાઈનો એક ધનવાન માણસ આવ્યો, જે ઈસુનો શિષ્ય બન્યો હતો. ૫૮  આ માણસ પીલાત પાસે ગયો અને ઈસુનું શબ માંગ્યું. એટલે પીલાતે એ આપવાનો આદેશ કર્યો. ૫૯  યુસફે શબ લીધું; એને સ્વચ્છ, બારીક શણના કાપડમાં વીંટાળ્યું ૬૦  અને પોતાની નવી કબરમાં એ મૂક્યું, જે તેણે ખડકમાં ખોદાવી હતી. પછી, કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો. ૬૧  પણ, મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી. ૬૨  આ બધું સાબ્બાથની તૈયારીના દિવસે* બન્યું. એ પછીના દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પીલાત આગળ ભેગા થયા ૬૩  અને કહ્યું: “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ ૬૪  તેથી, હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય અને લોકોને કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ અને આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” ૬૫  પીલાતે તેઓને કહ્યું: “ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.” ૬૬  એટલે, તેઓએ જઈને પથ્થર પર મહોર કરીને એને બંધ કર્યો અને ચોકીદારો મૂકીને કબર પર પહેરો રાખ્યો.

ફૂટનોટ

અથવા, “એ તો તારી સમસ્યા છે!”
આ શબ્દો ઝખા ૧૧:૧૨, ૧૩ને આધારે લેવામાં આવ્યા છે. માથ્થીના સમયમાં યર્મિયાનું પુસ્તક ભવિષ્યવાણીનાં પુસ્તકોમાં પહેલું હતું અને “યર્મિયા” નામ ભવિષ્યવાણીનાં બધાં પુસ્તકોને લાગુ પડતું હોય શકે, જેમાં ઝખાર્યાનું પુસ્તક પણ આવી જાય છે. લુક ૨૪:૪૪ સરખાવો.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો!”
અથવા, “જય હો.”
શક્યપણે, વનસ્પતિમાંથી બનેલો કડવો નશીલો પદાર્થ.
મૂળ અર્થ, “છઠ્ઠા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “નવમા કલાકે [સૂર્યોદય પછી].”
શક્યપણે, તેઓએ જે જોયું એનો અહેવાલ આપવા.
એટલે કે, શુક્રવાર.