માથ્થી ૩:૧-૧૭

  • યોહાન બાપ્તિસ્મા આપનાર પ્રચાર કરે છે (૧-૧૨)

  • ઈસુનું બાપ્તિસ્મા (૧૩-૧૭)

 એ દિવસોમાં યહુદિયાના વેરાન પ્રદેશમાં યોહાન બાપ્તિસ્મા આપનાર આવ્યો અને પ્રચાર કરવા લાગ્યો. ૨  તે કહેવા લાગ્યો: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” ૩  હકીકતમાં આ એ જ વ્યક્તિ છે, જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું કે, “કોઈ વેરાન પ્રદેશમાં પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’” ૪  યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં અને તેની કમરે ચામડાનો પટ્ટો હતો. તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો. ૫  યરૂશાલેમ અને આખા યહુદિયા તથા યરદનની આસપાસના આખા પ્રદેશના લોકો તેની પાસે જવા લાગ્યા. ૬  તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાન દ્વારા યરદન નદીમાં બાપ્તિસ્મા* લીધું. ૭  તે બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ ઘણા ફરોશીઓ* અને સાદુકીઓ* આવ્યા. તેઓ પર નજર પડતા યોહાને કહ્યું: “ઓ સાપનાં વંશજો, આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા? ૮  એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. ૯  તમે પોતે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઈબ્રાહીમ છે,’ કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઈબ્રાહીમને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે છે. ૧૦  વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. એટલે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, એ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે. ૧૧  તમારા પસ્તાવાને લીધે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું તેમના જોડા કાઢવાને પણ યોગ્ય નથી. તે તમને પવિત્ર શક્તિથી અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે.* ૧૨  તેમના હાથમાં સૂપડું* છે અને તે પોતાની ખળીને* એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી શકાતી નથી.” ૧૩  એ પછી ઈસુ ગાલીલથી યરદન નદીએ આવ્યા, જેથી યોહાન દ્વારા બાપ્તિસ્મા લઈ શકે. ૧૪  પણ, યોહાને આમ કહેતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો, “મારે તમારાથી બાપ્તિસ્મા લેવાની જરૂર છે, જ્યારે કે તમે મારી પાસે આવો છો?” ૧૫  ઈસુએ તેને જવાબ આપ્યો: “અત્યારે આવું થવા દે, કેમ કે ઈશ્વર જે ઇચ્છે છે એ પ્રમાણે બધું કરવું આપણા માટે યોગ્ય છે.” પછી યોહાને તેમને રોક્યા નહિ. ૧૬  બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા અને જુઓ! આકાશ ઊઘડી ગયું અને યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ. ૧૭  જુઓ! એવી આકાશવાણી પણ થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “ડૂબકી મરાવવી; પૂરેપૂરું ડૂબાડવું.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, તમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરશે અને આગથી તમારો નાશ કરશે.
અનાજમાંથી ફોતરાં છૂટાં પાડવાનું પાવડા જેવું લાકડાનું સાધન.
અનાજ છૂટું પાડવાની જગ્યા.