માથ્થી ૭:૧-૨૯
૭ “બીજાઓનો ન્યાય કરવાનું બંધ કરો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે,
૨ કેમ કે તમે જે રીતે બીજાઓનો ન્યાય કરો છો, એ રીતે તમારો પણ ન્યાય કરવામાં આવશે; તમે જે માપથી માપી આપો છો, એ માપથી તેઓ તમને પણ માપી આપશે.
૩ તો પછી, તમે કેમ તમારા ભાઈની આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી પોતાની આંખમાંનો ભારોટિયો* જોતા નથી?
૪ અથવા, તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જ્યારે કે તમારી પોતાની આંખમાં તો ભારોટિયો છે?
૫ ઓ ઢોંગીઓ! પહેલા તમારી પોતાની આંખમાંથી ભારોટિયો કાઢો, પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું.
૬ “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો, ક્યાંક એવું ન થાય કે તેઓ પગ નીચે એ ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.
૭ “માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.
૮ કારણ કે જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.
૯ સાચે જ, તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો, તેને પથ્થર આપશે?
૧૦ અથવા, તે માછલી માંગે તો તેને સાપ આપશે?
૧૧ એ માટે, પાપી હોવા છતાં જો તમે તમારાં બાળકોને સારી ભેટો આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ માંગે છે, તેઓને તે એથીયે વધારે સારી વસ્તુઓ આપશે એમાં શી શંકા!
૧૨ “એટલે, જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો. નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.
૧૩ “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે વિનાશમાં લઈ જતો દરવાજો પહોળો છે અને એનો રસ્તો સરળ છે અને ઘણા એ રસ્તે જાય છે;
૧૪ જ્યારે કે જીવનમાં લઈ જતો દરવાજો સાંકડો છે અને એનો રસ્તો મુશ્કેલ છે અને બહુ થોડા લોકોને એ મળે છે.
૧૫ “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો. તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે, પણ અંદરથી તેઓ ભૂખ્યાં અને ખતરનાક વરૂઓ જેવાં છે.
૧૬ તેઓનાં કાર્યોથી* તમે તેઓને ઓળખશો. શું લોકો ક્યારેય કાંટાળા છોડ પરથી દ્રાક્ષ અથવા ઝાડી-ઝાંખરાં પરથી અંજીર તોડે છે?
૧૭ એ જ રીતે, હરેક સારું ઝાડ સારું ફળ આપે છે, પણ હરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.
૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી; સડેલું ઝાડ સારું ફળ આપી શકતું નથી.
૧૯ હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું, એ કપાય છે અને આગમાં નંખાય છે.
૨૦ એટલે, એ લોકોનાં કાર્યોથી તમે તેઓને ઓળખશો.
૨૧ “મને ‘પ્રભુ, પ્રભુ’ કહેનારા દરેક જણ સ્વર્ગના રાજ્યમાં જશે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે જે કરે છે, ફક્ત તે જ એમાં જશે.
૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે ભવિષ્યવાણી* કરી ન હતી? તારે નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા અને તારે નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’
૨૩ પણ, હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’
૨૪ “એટલે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરે છે, તે સમજદાર માણસ જેવો છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
૨૫ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી. તોપણ એ ઘર પડ્યું નહિ, કેમ કે એનો પાયો ખડક પર નંખાયો હતો.
૨૬ પણ, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.
૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી. એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”
૨૮ હવે, ઈસુએ ઉપદેશ પૂરો કર્યો ત્યારે, તેમની શીખવવાની રીત જોઈને ટોળાં પર એવી અસર પડી કે તેઓ દંગ રહી ગયા;
૨૯ કારણ કે તે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય એ રીતે શીખવતા હતા.
ફૂટનોટ
^ છતને ટેકો આપતો લાકડાનો મોભ.
^ ગ્રીક શબ્દનો મૂળ અર્થ “ફળ” છે, એનો સૂચક અર્થ “કાર્યો” પણ થાય છે.
^ શબ્દસૂચિ જુઓ.