માથ્થી ૮:૧-૩૪
૮ ઈસુ પહાડ પરથી નીચે ઊતરી આવ્યા ત્યારે, લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ જવાં લાગ્યાં.
૨ અને જુઓ! એક રક્તપિત્તિયો* માણસ તેમની પાસે આવ્યો અને ઘૂંટણે પડીને કહેવા લાગ્યો: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”
૩ એટલે, ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ, તેનો રક્તપિત્ત મટી ગયો.
૪ પછી, ઈસુએ તેને કહ્યું: “જોજે, કોઈને કશું કહેતો નહિ. પણ, યાજક પાસે જઈને પોતાને બતાવ અને મુસાએ જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ, જેથી તેઓને પુરાવો મળી રહે.”
૫ ઈસુ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, એક લશ્કરી અધિકારી તેમની પાસે આવ્યો અને વિનંતી કરીને
૬ કહેવા લાગ્યો: “સાહેબ, મારા ચાકરને લકવો થયો છે અને તે ઘરે પથારીમાં પડ્યો છે તથા ખૂબ પીડાય છે.”
૭ ઈસુએ તેને કહ્યું: “હું ત્યાં આવીશ ત્યારે તેને સાજો કરીશ.”
૮ લશ્કરી અધિકારીએ જવાબમાં કહ્યું: “સાહેબ, તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. બસ, તમે કહી દો એટલે મારો ચાકર સાજો થઈ જશે.
૯ કારણ કે હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે; એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે; બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે; મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.”
૧૦ આ સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી અને પોતાની પાછળ આવનારાઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે આખા ઇઝરાયેલમાં મેં કોઈનામાં પણ આટલી શ્રદ્ધા જોઈ નથી.
૧૧ પણ, હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમથી ઘણા આવશે અને તેઓ સ્વર્ગના રાજ્યમાં ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબની સાથે મેજને ટેકવીને બેસશે;
૧૨ જ્યારે કે રાજ્યના દીકરાઓને બહાર અંધકારમાં ફેંકી દેવામાં આવશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”
૧૩ પછી, ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું: “જા, તેં જેવી શ્રદ્ધા બતાવી છે એવું જ થાઓ.” એ જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો.
૧૪ ઈસુ પીતરના ઘરે આવ્યા ત્યારે, તેની સાસુને તાવને લીધે પથારીમાં પડેલી જોઈ.
૧૫ એટલે, ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઊતરી ગયો અને તે ઊઠીને તેમની સેવા કરવા લાગી.
૧૬ પછી સાંજ પડી ત્યારે, લોકો તેમની પાસે દુષ્ટ દૂતો વળગેલા ઘણાને લઈને આવ્યા. ઈસુએ હુકમ કરીને એ દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા. જેઓ બીમાર હતા એ સર્વને પણ સાજા કર્યા,
૧૭ જેથી યશાયા પ્રબોધકે કહ્યું હતું એ પૂરું થાય: “તેમણે પોતે આપણી બીમારીઓ લઈ લીધી અને આપણાં દર્દ માથે લીધાં.”
૧૮ જ્યારે ઈસુએ પોતાની આસપાસ ટોળું જોયું, ત્યારે તેમણે શિષ્યોને સામે પાર જવાની આજ્ઞા કરી.
૧૯ એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું: “ગુરુજી, જ્યાં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”
૨૦ પણ, ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને* માથું ટેકવવાની પણ જગ્યા નથી.”
૨૧ પછી, શિષ્યોમાંથી બીજા એકે તેમને કહ્યું: “પ્રભુ, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”
૨૨ ઈસુએ તેને કહ્યું: “મારી પાછળ ચાલતો રહે અને મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે.”
૨૩ જ્યારે ઈસુ હોડીમાં બેઠા ત્યારે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા.
૨૪ હવે જુઓ! સરોવરમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાઓથી ઢંકાઈ જવા લાગી; પણ ઈસુ તો ઊંઘતા હતા.
૨૫ તેઓ તેમની પાસે આવ્યા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “પ્રભુ, બચાવો, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!”
૨૬ પણ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ છે?” પછી, તેમણે ઊભા થઈને પવન અને સરોવરને ધમકાવ્યા અને એકદમ શાંતિ છવાઈ ગઈ.
૨૭ એ જોઈને શિષ્યો છક થઈ ગયા અને કહ્યું: “આ તે કેવી વ્યક્તિ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”
૨૮ જ્યારે ઈસુ પેલે પાર ગદરાનીના પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યારે દુષ્ટ દૂત વળગેલા બે માણસો કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યા. તેઓ એટલા તો ભયંકર હતા કે કોઈ એ રસ્તેથી જવાની હિંમત કરતું ન હતું.
૨૯ અને જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા? ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા દેવા આવ્યો છે શું?”
૩૦ હવે તેઓથી ઘણે દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
૩૧ એટલે, દુષ્ટ દૂતો તેમને વિનંતી કરીને કહેવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં મોકલી દે.”
૩૨ તેથી, ઈસુએ તેઓને કહ્યું: “જાઓ!” તેઓ નીકળીને ભૂંડોમાં દાખલ થયા. અને જુઓ! આખું ટોળું ટેકરીની ધાર* પરથી સરોવરમાં ધસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.
૩૩ ત્યારે ભૂંડોને ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં જઈને બધી ખબર આપી અને દુષ્ટ દૂત વળગેલા માણસો વિશે પણ જણાવ્યું.
૩૪ અને જુઓ! આખું શહેર ઈસુને મળવા નીકળી આવ્યું; તેમને જોઈને લોકોએ વિનંતી કરી કે અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.