માર્ક ૧:૧-૪૫
-
બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચાર કરે છે (૧-૮)
-
ઈસુનું બાપ્તિસ્મા (૯-૧૧)
-
શેતાન ઈસુનું પરીક્ષણ કરે છે (૧૨, ૧૩)
-
ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)
-
પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૬-૨૦)
-
ખરાબ દૂત કાઢવામાં આવ્યો (૨૧-૨૮)
-
કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૨૯-૩૪)
-
એકાંત જગ્યાએ ઈસુ પ્રાર્થના કરે છે (૩૫-૩૯)
-
રક્તપિત્ત થયેલો માણસ સાજો કરાયો (૪૦-૪૫)
૧ ઈશ્વરના દીકરા, ઈસુ ખ્રિસ્ત* વિશે ખુશખબરની શરૂઆત:
૨ પ્રબોધક* યશાયાએ લખેલું છે તેમ, “(જો, હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારો રસ્તો તૈયાર કરશે);*
૩ કોઈ વેરાન પ્રદેશમાંથી પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”
૪ યોહાન બાપ્તિસ્મા આપનાર વેરાન પ્રદેશમાં હતો અને પસ્તાવાની નિશાની તરીકે લોકોને બાપ્તિસ્મા લેવાનો પ્રચાર કરવા લાગ્યો, જેથી તેઓનાં પાપોની માફી મળે.
૫ અને યહુદિયાના આખા વિસ્તારમાંથી અને યરૂશાલેમમાંથી બધા રહેવાસીઓ તેની પાસે જવા લાગ્યા. તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાન દ્વારા યરદન નદીમાં બાપ્તિસ્મા લીધું.
૬ યોહાન ઊંટના વાળનાં કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો; તે તીડો અને જંગલી મધ ખાતો.
૭ તે પ્રચાર કરતો કે, “મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે; હું નીચો નમીને તેમના જોડાની દોરી છોડવા પણ યોગ્ય નથી.
૮ મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર શક્તિથી* બાપ્તિસ્મા આપશે.”
૯ એ દિવસોમાં ઈસુ ગાલીલ પ્રદેશના નાઝરેથ શહેરમાંથી આવ્યા અને યોહાને તેમને યરદન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
૧૦ ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે આકાશ ઊઘડી ગયેલું જોયું અને પોતાના પર કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ ઊતરી આવતી જોઈ
૧૧ અને આકાશવાણી થઈ: “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.”
૧૨ તરત જ પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં દોરી ગઈ.
૧૩ ઈસુ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ રહ્યા, જ્યાં જંગલી પ્રાણીઓ હતાં અને શેતાને ત્યાં તેમનું પરીક્ષણ કર્યું. પછી, સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.
૧૪ હવે, યોહાનને પકડવામાં આવ્યા પછી, ઈસુ ગાલીલ ગયા અને ઈશ્વરની ખુશખબર જણાવવા લાગ્યા;
૧૫ તેમણે કહ્યું: “નક્કી કરેલો સમય આવી ગયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને ખુશખબરમાં ભરોસો રાખો.”
૧૬ ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા ત્યારે, તેમણે સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
૧૭ એટલે, ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, પણ માણસોને ભેગા કરશો.”
૧૮ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.
૧૯ થોડે આગળ ગયા પછી, ઈસુએ ઝબદીના બે દીકરા, યાકૂબ અને યોહાનને જોયા, જેઓ પોતાની હોડીમાં પોતાની જાળો સાંધતા હતા;
૨૦ અને ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા. એટલે, તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેમની પાછળ ગયા.
૨૧ અને તેઓ કાપરનાહુમ શહેરમાં ગયા.
સાબ્બાથનો દિવસ* શરૂ થયો ત્યારે, તે સભાસ્થાનમાં ગયા અને શીખવવા લાગ્યા.
૨૨ ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા, કેમ કે તે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેની પાસે અધિકાર હોય તેની જેમ શીખવતા હતા.
૨૩ એ સમયે તેઓના સભાસ્થાનમાં ખરાબ દૂત વળગેલો એક માણસ હતો અને તેણે બૂમ પાડી:
૨૪ “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”
૨૫ પરંતુ, ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!”
૨૬ એ ખરાબ દૂતે તે માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટેથી ચીસ પાડીને તેનામાંથી નીકળી ગયો.
૨૭ લોકો એટલા દંગ થઈ ગયા કે તેઓ એ વિશે અંદરોઅંદર વાતો કરવા લાગ્યા, “આ શું? આ તો કંઈ નવું જ શીખવે છે! અરે, તે ખરાબ દૂતોને પણ પૂરા અધિકારથી હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.”
૨૮ પછી, તેમના વિશેની વાત ઝડપથી ગાલીલ પ્રદેશમાં ચારે બાજુ ફેલાઈ ગઈ.
૨૯ એ પછી, તેઓ સભાસ્થાનમાંથી નીકળીને સિમોન અને આંદ્રિયાના ઘરે ગયા; યાકૂબ અને યોહાન તેઓની સાથે હતા.
૩૦ હવે, સિમોનની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીમાં હતી અને તેઓએ ઈસુને તેના વિશે જણાવ્યું.
૩૧ ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી. એટલે, તેનો તાવ ઊતરી ગયો અને તે તેઓની સેવા કરવા લાગી.
૩૨ પછી, સૂરજ આથમ્યો અને સાંજ ઢળી ત્યારે, જેઓ બીમાર હતા અને જેઓને દુષ્ટ દૂતો વળગેલા હતા, તેઓ સર્વને લોકો ઈસુ પાસે લાવવા લાગ્યા;
૩૩ અને આખું શહેર એ ઘરના બારણા આગળ ભેગું થયું.
૩૪ તેથી, ઈસુએ જાતજાતના રોગોથી પીડાતા ઘણા લોકોને સાજા કર્યા અને તેમણે લોકોમાંથી ઘણા દુષ્ટ દૂતોને પણ કાઢ્યા; પરંતુ, તેમણે એ દૂતોને બોલવા ન દીધા, કેમ કે તે ખ્રિસ્ત છે એવું તેઓ જાણતા હતા.*
૩૫ વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, ઈસુ ઊઠીને બહાર ગયા અને એકાંત જગ્યાએ જઈને તે પ્રાર્થના કરવા લાગ્યા.
૩૬ પરંતુ, સિમોન અને તેની સાથેના બીજાઓ તેમને શોધવા નીકળી પડ્યા;
૩૭ તેઓએ તેમને શોધી કાઢ્યા અને તેમને કહ્યું: “તમને બધા શોધે છે.”
૩૮ પણ, તેમણે તેઓને કહ્યું: “ચાલો, આપણે બીજે ક્યાંક નજીકનાં નગરોમાં જઈએ જેથી હું ત્યાં પણ પ્રચાર કરું, કેમ કે એ માટે જ હું આવ્યો છું.”
૩૯ તે ત્યાંથી નીકળીને આખા ગાલીલમાં ફર્યા અને તેઓનાં સભાસ્થાનોમાં તે પ્રચાર કરવા લાગ્યા અને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢવા લાગ્યા.
૪૦ ત્યાં ઈસુ પાસે રક્તપિત્ત થયેલો એક માણસ પણ આવ્યો; તેમની આગળ ઘૂંટણે પડીને તે વિનંતી કરવા લાગ્યો: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”
૪૧ એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી, તેને અડકીને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”
૪૨ તરત જ, તેનો રક્તપિત્ત જતો રહ્યો અને તે શુદ્ધ થયો.
૪૩ પછી, ઈસુએ તરત જ એ માણસને વિદાય આપી અને સખત ચેતવણી આપતા કહ્યું:
૪૪ “જોજે, કોઈને કશું કહેતો નહિ. પરંતુ જા, યાજક પાસે જઈને પોતાને બતાવ અને તું શુદ્ધ થયો હોવાથી, મુસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ, જેથી તેઓને પુરાવો મળે.”
૪૫ તેમ છતાં, એ માણસ ત્યાંથી નીકળીને એ વાત બધે ફેલાવવા લાગ્યો; તેણે એ ખબર એટલી બધી જાહેર કરી કે ઈસુ માટે ખુલ્લેઆમ કોઈ પણ શહેરમાં જવું અઘરું થઈ પડ્યું; એટલે, તે શહેર બહાર એકાંત જગ્યાઓએ રહ્યા. તોપણ, બધી બાજુએથી લોકો તેમની પાસે આવવા લાગ્યા.
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ માલા ૩:૧ જુઓ, જેમાંથી કૌંસમાંના શબ્દો લીધા છે.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા કદાચ, “તેઓ જાણતા હતા કે તે કોણ છે.”