માર્ક ૧૫:૧-૪૭

  • ઈસુ પીલાત આગળ (૧-૧૫)

  • જાહેરમાં મજાક ઉડાવવામાં આવી (૧૬-૨૦)

  • ગલગથામાં ખીલાથી વધસ્તંભે જડાયા (૨૧-૩૨)

  • ઈસુનું મરણ (૩૩-૪૧)

  • ઈસુની દફનવિધિ (૪૨-૪૭)

૧૫  પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહુદી ન્યાયસભાએ ભેગા મળીને મસલત કરી; તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પીલાતને સોંપી દીધા. ૨  પછી, પીલાતે તેમને સવાલ પૂછ્યો: “શું તું યહુદીઓનો રાજા છે?” જવાબમાં તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.” ૩  પણ, મુખ્ય યાજકો ઘણી બાબતો વિશે તેમના પર આરોપો મૂકતા હતા. ૪  હવે, પીલાત ફરીથી તેમને સવાલ પૂછવા લાગ્યો: “શું તારે કંઈ જવાબ આપવો નથી? જો, તેઓ તારી વિરુદ્ધ કેટલા બધા આરોપો મૂકે છે.” ૫  પણ, ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પીલાતને નવાઈ લાગી. ૬  આ તહેવાર દરમિયાન, લોકો એક કેદી માટે અરજ કરતા, તેને પીલાત પોતાના રિવાજ મુજબ તેઓ માટે છોડી મૂકતો. ૭  એ સમયે, કેદમાં બળવાખોરો સાથે બારાબાસ નામનો એક માણસ હતો; તેઓએ બળવા દરમિયાન ખૂન કર્યું હતું. ૮  હવે, ટોળું આવ્યું અને પીલાત પોતાના રિવાજ પ્રમાણે તેઓ માટે જે કરતો હતો, એની અરજ કરવા લાગ્યું. ૯  તેણે જવાબમાં તેઓને કહ્યું: “શું તમે ચાહો છો કે હું યહુદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?” ૧૦  કેમ કે પીલાત જાણતો હતો કે અદેખાઈને લીધે મુખ્ય યાજકોએ ઈસુને સોંપ્યા હતા. ૧૧  પણ, મુખ્ય યાજકોએ ટોળાને એવી માંગણી કરવા ઉશ્કેર્યું કે તે તેઓ માટે ઈસુને બદલે બારાબાસને છોડી દે. ૧૨  જવાબમાં ફરીથી પીલાતે તેઓને કહ્યું: “તો પછી, તમે જેને યહુદીઓનો રાજા કહો છો તેનું હું શું કરું?” ૧૩  ફરી એક વાર તેઓ પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!”* ૧૪  પણ, પીલાત તેઓને કહેવા લાગ્યો: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” તેમ છતાં, તેઓ મોટેથી પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!”* ૧૫  એ સાંભળીને, લોકોને સંતોષ થાય એ માટે પીલાતે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો; ઈસુને કોરડા મરાવ્યા પછી, તેણે તેમને વધસ્તંભે મારી નાખવા સોંપી દીધા. ૧૬  હવે, સૈનિકો તેમને રાજ્યપાલના ઘરના આંગણામાં લઈ ગયા અને તેઓએ બધા સૈનિકોને ભેગા કર્યા. ૧૭  તેઓએ તેમને જાંબુડિયા રંગનું વસ્ત્ર પહેરાવ્યું અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. ૧૮  અને તેઓ તેમને પ્રણામ કરતા કહેવા લાગ્યા: “હે યહુદીઓના રાજા, સલામ!”* ૧૯  વળી, તેઓ સોટી લઈને તેમના માથા પર મારતા હતા અને તેમના પર થૂંકતા હતા; તેઓ ઘૂંટણે પડ્યા અને તેમને નમન કર્યું. ૨૦  આખરે, જ્યારે તેઓ તેમની મજાક કરી રહ્યા, ત્યારે તેઓએ તેમના પરથી જાંબુડિયા રંગનું વસ્ત્ર કાઢી લીધું અને તેમને તેમનાં કપડાં પહેરાવ્યાં. અને તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા. ૨૧  એ ઉપરાંત, તેઓએ ત્યાંથી પસાર થતા એક માણસને ઈસુનો વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી; તે કુરેની શહેરનો સિમોન હતો અને સીમમાંથી આવતો હતો; તે એલેકઝાંડર અને રૂફસનો પિતા હતો. ૨૨  પછી, તેઓ તેમને ગલગથા નામની જગ્યાએ લઈ આવ્યા, જેનો અર્થ થાય, “ખોપરીની જગ્યા.” ૨૩  અહીં તેઓએ તેમને નશીલો કડવો રસ ભેળવેલો દ્રાક્ષદારૂ આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે એ પીધો નહિ. ૨૪  અને તેઓએ તેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા અને તેમનાં કપડાં વહેંચી લીધાં; એ માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખીને નક્કી કર્યું કે કોણે શું લેવું. ૨૫  હવે, તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવેક વાગ્યા* હતા. ૨૬  અને તેમના વિરુદ્ધનો આરોપ લખેલી આ તકતી હતી: “યહુદીઓનો રાજા.” ૨૭  તેમ જ, તેઓએ બે લુટારાને તેમની સાથે વધસ્તંભે ચડાવ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ૨૮  * ૨૯  અને ત્યાંથી પસાર થનારાઓ માથા હલાવીને તેમની મશ્કરી કરતા કહેવા લાગ્યા: “વાહ! તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો; ૩૦  હવે, વધસ્તંભ પરથી નીચે આવીને પોતાને બચાવ.” ૩૧  એ જ રીતે, મુખ્ય યાજકો પણ શાસ્ત્રીઓ સાથે તેમની મજાક કરતા એકબીજાને કહેવા લાગ્યા: “તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી! ૩૨  હવે ઇઝરાયેલના રાજા, ખ્રિસ્ત વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.” તેમની સાથે જેઓને વધસ્તંભે ચડાવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરતા હતા. ૩૩  જ્યારે બપોરના બારેક વાગ્યા* ત્યારે આખા દેશમાં અંધારું છવાઈ ગયું, જે બપોરના ત્રણેક વાગ્યા* સુધી રહ્યું. ૩૪  અને બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” જેનો અર્થ થાય, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ૩૫  અને પાસે ઊભેલા લોકોમાંથી અમુક એ સાંભળીને કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ૩૬  ત્યારે કોઈ દોડીને ગયો અને ખાટા દ્રાક્ષદારૂમાં વાદળી બોળીને લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપતા કહ્યું: “તેને રહેવા દો! આપણે જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.” ૩૭  પણ, ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.* ૩૮  અને મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ૩૯  હવે, ઈસુના મરણ વખતે જે કંઈ બન્યું હતું એ જોઈને, તેમની સામે ઊભેલા લશ્કરી અધિકારીએ કહ્યું: “ખરેખર, આ માણસ ઈશ્વરનો દીકરો હતો.” ૪૦  ત્યાં સ્ત્રીઓ પણ દૂરથી જોઈ રહી હતી. તેઓમાં મરિયમ માગદાલેણ તથા નાના* યાકૂબ અને યોસેની મા મરિયમ અને શલોમી હતી; ૪૧  ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે રહીને તેમની સેવા કરતી હતી; અને બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી, જેઓ તેમની સાથે યરૂશાલેમથી આવી હતી. ૪૨  હવે, મોડી બપોર થઈ ચૂકી હતી અને એ પાસ્ખાની તૈયારીનો દિવસ, એટલે કે સાબ્બાથની આગળનો દિવસ* હોવાથી ૪૩  અરિમથાઈનો યુસફ આવ્યો; તે ધર્મસભાનો* માનનીય સભ્ય હતો અને તે પોતે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તે હિંમત કરીને પીલાત પાસે ગયો અને ઈસુનું શબ માંગ્યું. ૪૪  પણ, પીલાતને એ જાણીને નવાઈ લાગી કે ઈસુ આટલા જલદી મરણ પામ્યા; એટલે, લશ્કરી અધિકારીને બોલાવીને તેણે પૂછ્યું કે તે ખરેખર મરણ પામ્યા છે કે નહિ. ૪૫  લશ્કરી અધિકારી પાસેથી ખાતરી કરી લીધા પછી, તેણે યુસફને શબ લઈ જવાની મંજૂરી આપી. ૪૬  ત્યાર બાદ, યુસફે બારીક શણનું કાપડ ખરીદ્યું અને તેમને નીચે ઉતાર્યા; તેમને બારીક શણના કાપડમાં વીંટાળ્યા અને કબરમાં મૂક્યા, જે ખડકમાં ખોદવામાં આવી હતી અને તેણે કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવી દીધો. ૪૭  પણ, મરિયમ માગદાલેણ અને યોસેની મા મરિયમ, ઈસુને જ્યાં મૂકવામાં આવ્યા હતા એ જગ્યા જોયા કરતી હતી.

ફૂટનોટ

અથવા, “તેને વધસ્તંભે મારી નાખો!”
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો!”
અથવા, “જય હો.”
મૂળ અર્થ, “આશરે ત્રીજા કલાકે [સૂર્યોદય પછી].”
માથ ૧૭:૨૧ની ફૂટનોટ જુઓ.
મૂળ અર્થ, “છઠ્ઠા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “નવમા કલાકે [સૂર્યોદય પછી].”
અથવા, “છેલ્લો શ્વાસ લીધો.”
અથવા, “ઠીંગણા.”
એટલે કે, શુક્રવાર.
અથવા, “યહુદી ન્યાયસભાનો.”