માર્ક ૪:૧-૪૧

  • રાજ્યનાં ઉદાહરણો (૧-૩૪)

    • વાવનાર (૧-૯)

    • ઈસુ કેમ ઉદાહરણો વાપરે છે (૧૦-૧૨)

    • વાવનારના ઉદાહરણની સમજણ (૧૩-૨૦)

    • દીવો ટોપલા નીચે મૂકવામાં આવતો નથી (૨૧-૨૩)

    • તમે જેવું માપી આપશો (૨૪, ૨૫)

    • વાવનાર ઊંઘી જાય છે (૨૬-૨૯)

    • રાઈનું બી (૩૦-૩૨)

    • ઉદાહરણોનો ઉપયોગ (૩૩, ૩૪)

  • ઈસુ તોફાનને શાંત કરે છે (૩૫-૪૧)

 ઈસુ ફરીથી સરોવર પાસે શીખવવા લાગ્યા અને મોટું ટોળું તેમની પાસે ભેગું થઈ ગયું. તેથી, તે હોડીમાં ચઢી ગયા અને કિનારાથી દૂર એમાં બેઠા, પણ બધા લોકો સરોવર કિનારે હતા. ૨  તે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો શીખવવા લાગ્યા અને તેઓને શીખવતી વખતે તેમણે કહ્યું: ૩  “સાંભળો! એક વાવનાર બહાર વાવવા ગયો. ૪  તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫  અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી; અને ત્યાં માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં, ૬  પણ સૂર્યના તાપથી એ કરમાઈ ગયાં અને એનાં મૂળ ઊંડાં ન હોવાથી એ સુકાઈ ગયાં. ૭  બીજાં બી કાંટામાં પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં અને એણે કોઈ ફળ આપ્યું નહિ. ૮  પણ, બીજાં બી સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં તથા વધ્યાં; એ ફળ આપવાં લાગ્યાં અને એણે ત્રીસ, સાઠ અને સો ગણાં વધારે ફળ આપ્યાં.” ૯  પછી, તેમણે ઉમેર્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.” ૧૦  હવે, તે એકલા હતા ત્યારે બાર શિષ્યો અને બીજા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમને ઉદાહરણો વિશે સવાલ પૂછવા લાગ્યા. ૧૧  તેમણે તેઓને કહ્યું: “તમને ઈશ્વરના રાજ્યનું પવિત્ર રહસ્ય જણાવવામાં આવ્યું છે, પણ બહારના છે તેઓ માટે આ બધી વાતો ઉદાહરણો જ રહે છે; ૧૨  એ માટે, તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ જાણે સાંભળતા નથી અને એનો અર્થ પણ સમજતા નથી; અને તેઓ કદી પાછા ફરીને માફી મેળવશે નહિ.” ૧૩  વધુમાં, તેમણે તેઓને કહ્યું: “તમે આ ઉદાહરણ સમજતા નથી, તો પછી બીજાં બધાં ઉદાહરણો કઈ રીતે સમજશો? ૧૪  “વાવનાર ઈશ્વરનો સંદેશો વાવે છે. ૧૫  રસ્તાને કિનારે વાવેલાં બી એવા લોકો છે, જેઓ એ સાંભળે છે ત્યારે તરત જ શેતાન આવીને તેઓમાં વાવેલો ઈશ્વરનો સંદેશો લઈ જાય છે. ૧૬  એ જ રીતે, ખડકાળ જમીન પર વાવેલાં બી એવા લોકો છે, જેઓ એ સાંભળે છે કે તરત જ એને આનંદથી સ્વીકારે છે. ૧૭  પણ, તેઓનાં મૂળ ઊંડાં હોતાં નથી, એટલે તેઓ થોડો સમય ટકે છે; પછી, ઈશ્વરના સંદેશાને લીધે વિપત્તિ કે સતાવણી આવે કે તરત જ તેઓ ઠોકર ખાય છે. ૧૮  બીજાં પણ કેટલાંક બી છે, જે કાંટાઓમાં વાવવામાં આવ્યાં છે. આ એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે, ૧૯  પણ, આ દુનિયાની* ચિંતા અને ધનદોલતની માયા અને બીજી સર્વ વસ્તુઓની લાલસા તેઓના હૃદયમાં પેસે છે અને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી. ૨૦  છેલ્લે, સારી જમીન પર વાવેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે, ખુશીથી સ્વીકારે છે અને ત્રીસ, સાઠ તથા સો ગણાં વધારે ફળ આપે છે.” ૨૧  તેમણે આમ પણ કહ્યું: “દીવો ટોપલા* નીચે કે ખાટલા નીચે મૂકવા માટે લાવવામાં આવતો નથી, ખરું ને? એ દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી શું? ૨૨  કેમ કે એવું કંઈ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે; એવું કંઈ નથી જે સાવચેતીથી છુપાવેલું હોય અને ઉઘાડું પાડવામાં નહિ આવે. ૨૩  હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.” ૨૪  ઉપરાંત, તેમણે તેઓને કહ્યું: “તમે જે સાંભળો છો એના પર ધ્યાન આપો. જે માપથી તમે માપી આપો છો, એ માપથી તમને માપી આપવામાં આવશે; હા, તમને વધારે ઉમેરી આપવામાં આવશે. ૨૫  કેમ કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે એ પણ લઈ લેવાશે.” ૨૬  પછી, તેમણે આગળ કહ્યું: “આમ, ઈશ્વરનું રાજ્ય કોઈ માણસ જમીનમાં બી વાવે એવું છે. ૨૭  તે રાત્રે ઊંઘી જાય છે અને સવારે ઊઠે છે; બીને ફણગો ફૂટે છે અને વધે છે, પણ એ કઈ રીતે થાય છે એ તે જાણતો નથી. ૨૮  જમીન પોતાની મેળે ધીમે ધીમે ફળ આપે છે; પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે. ૨૯  પણ, જેવો પાક તૈયાર થાય કે તરત તે માણસ દાતરડું ફેરવે છે, કેમ કે કાપણીનો સમય આવી ગયો છે.” ૩૦  અને તેમણે આગળ કહ્યું: “આપણે ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવી શકીએ અથવા કયા ઉદાહરણથી આપણે એને સમજાવી શકીએ? ૩૧  એ રાઈના બી જેવું છે, જેને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે એ પૃથ્વી પરનાં બધાં બી કરતાં નાનું હોય છે. ૩૨  પણ, રોપાયા પછી એ ઊગે છે અને બીજા બધા છોડ કરતાં મોટું થાય છે અને એના પર મોટી મોટી ડાળીઓ આવે છે અને એની છાયામાં આકાશનાં પક્ષીઓ વાસો કરે છે.” ૩૩  આમ, આ પ્રકારનાં અનેક ઉદાહરણો દ્વારા ઈસુએ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો; તેઓ સમજી શકે એટલું તેમણે તેઓને શીખવ્યું. ૩૪  ખરેખર, ઉદાહરણ વગર તે તેઓની સાથે વાત કરતા નહિ, પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં બધું સમજાવતા. ૩૫  અને એ દિવસે સાંજ ઢળી ત્યારે, તેમણે તેઓને કહ્યું: “ચાલો, આપણે સામે પાર જઈએ.” ૩૬  તેથી, તેઓએ ટોળાને વિદાય કર્યા પછી, ઈસુને એવા ને એવા જ હોડીમાં લઈ ગયા અને બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. ૩૭  હવે, પવનનું ભારે તોફાન શરૂ થયું અને મોજાં હોડી પર એવાં પછડાવાં લાગ્યાં કે હોડી પાણીથી ભરાઈ જવા લાગી. ૩૮  પણ ઈસુ હોડીના પાછળના ભાગમાં ઓશિકા પર માથું મૂકીને ઊંઘતા હતા. તેથી, તેઓએ તેમને ઉઠાડ્યા અને કહ્યું: “ગુરુજી, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ ને તમને કંઈ પડી નથી?” ૩૯  એટલે, તે ઊભા થયા અને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું: “ચૂપ! શાંત થઈ જા!” ત્યારે પવન બંધ થઈ ગયો અને પુષ્કળ શાંતિ છવાઈ ગઈ. ૪૦  પછી, ઈસુએ શિષ્યોને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? શું તમારામાં હજી પણ જરાય શ્રદ્ધા નથી?” ૪૧  પણ, તેઓમાં અસામાન્ય ડર છવાઈ ગયો અને તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે.”

ફૂટનોટ

અથવા, “આ યુગની.” શબ્દસૂચિ જુઓ.
અનાજ જેવી સૂકી વસ્તુઓ માપવા વપરાતો ટોપલો.