માર્ક ૫:૧-૪૩
૫ પછી, તેઓ સરોવરની પેલે પાર ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા.
૨ તે હોડીમાંથી ઊતર્યા ત્યારે દુષ્ટ દૂતે વશમાં કરેલો એક માણસ તરત જ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો.
૩ તે કબરોમાં રહેતો હતો અને એ સમય સુધી, કોઈ તેને બાંધી શક્યું ન હતું; અરે, સાંકળથી પણ નહિ.
૪ તેને ઘણી વાર બેડીઓ અને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો. તેને કાબૂ કરવાની કોઈનામાં તાકાત ન હતી.
૫ તે કબ્રસ્તાનમાં રાત-દિવસ સતત બૂમો પાડ્યા કરતો અને પથ્થરોથી પોતાને ઈજા પહોંચાડતો હતો.
૬ પણ, તેણે ઈસુને દૂરથી જોયા ત્યારે તે દોડી આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડ્યો.
૭ પછી, તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.”
૮ કારણ કે ઈસુ તેને કહેતા હતા: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”
૯ પછી, ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું?” તેણે તેમને કહ્યું: “મારું નામ સેના* છે, કેમ કે અમે ઘણા છીએ.”
૧૦ તેણે ઘણી વાર ઈસુને વિનંતી કરી કે તેઓને એ પ્રદેશમાંથી બહાર કાઢી ન મૂકે.
૧૧ હવે, ત્યાં ભૂંડોનું મોટું ટોળું પહાડ પર ચરતું હતું.
૧૨ તેથી, ખરાબ દૂતોએ ઈસુને વિનંતી કરી: “અમને ભૂંડોમાં જવાની રજા આપ, જેથી અમે તેઓમાં દાખલ થઈએ.”
૧૩ અને તેમણે તેઓને રજા આપી. એટલે, ખરાબ દૂતો નીકળીને ભૂંડોમાં દાખલ થયા અને આશરે ૨,૦૦૦ ભૂંડોનું એ ટોળું ટેકરીની ધાર* પરથી સરોવરમાં ધસી ગયું અને તેઓ સરોવરમાં ડૂબી મર્યા.
૧૪ પણ, ભૂંડો ચરાવનારા ભાગી ગયા અને શહેરમાં તેમજ સીમમાં એ વિશે ખબર આપી અને શું થયું હતું એ જોવા લોકો આવ્યા.
૧૫ એટલે, તેઓ ઈસુ પાસે આવ્યા અને દુષ્ટ દૂતોની સેના વળગી હતી, એ માણસને કપડાં પહેરેલો જોયો; તે શાંત ચિત્તે બેઠો હતો અને તેઓ ગભરાઈ ગયા.
૧૬ તેમ જ, આ બનાવ નજરે જોનારાએ લોકોને જણાવ્યું કે દુષ્ટ દૂતો વળગેલા માણસને અને ભૂંડોને શું થયું હતું.
૧૭ તેથી, એ લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓના પ્રદેશોથી દૂર જતા રહે.
૧૮ હવે, ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે, દુષ્ટ દૂત વળગ્યો હતો એ માણસ તેમની સાથે જવા તેમને આજીજી કરવા લાગ્યો.
૧૯ જોકે, ઈસુએ ના પાડીને તેને કહ્યું: “ઘરે તારાં સગાઓ પાસે જા અને યહોવાએ* તારા માટે જે કંઈ કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે, એ વિશે તેઓને જણાવ.”
૨૦ એ માણસ ગયો અને દકાપોલીસમાં* જઈને ઈસુએ તેના માટે જે કંઈ કર્યું હતું, એ જાહેર કરવા લાગ્યો અને બધા લોકો નવાઈ પામ્યા.
૨૧ ઈસુ હોડીમાં પાછા સામે કાંઠે પહોંચ્યા ત્યારે, મોટું ટોળું તેમની પાસે એકઠું થઈ ગયું અને તે સરોવર પાસે હતા.
૨૨ હવે, યાઐરસ નામનો સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેમને જોઈને તેમના પગ આગળ પડ્યો.
૨૩ તે અનેક વાર આજીજી કરતા કહેવા લાગ્યો: “મારી નાની દીકરી ખૂબ જ બીમાર છે.* મહેરબાની કરીને તમે આવીને તેના પર હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવતી રહે.”
૨૪ એટલે, ઈસુ તેની સાથે જવા નીકળ્યા અને વિશાળ ટોળું તેમની પાછળ પાછળ જવા લાગ્યું અને લોકો તેમના પર પડાપડી કરતા હતા.
૨૫ હવે, ૧૨ વર્ષથી લોહીવાથી* પીડાતી એક સ્ત્રી ત્યાં હતી.
૨૬ તેણે ઘણા વૈદોના હાથે ખૂબ સહન કર્યું હતું;* અને તેણે પોતાની પાસે જે કંઈ હતું એ સર્વ વાપરી નાખ્યું હતું અને કંઈ ફાયદો થવાને બદલે, તેની હાલત વધારે ખરાબ થઈ હતી.
૨૭ જ્યારે તેણે ઈસુ વિશે વાતો સાંભળી, ત્યારે તે ટોળામાં પાછળથી આવી અને તેમના ઝભ્ભાને અડકી,
૨૮ કેમ કે તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડું, તો હું સાજી થઈ જઈશ.”
૨૯ અને તરત જ તેનું લોહી વહેતું બંધ થઈ ગયું અને તેને ખ્યાલ આવ્યો કે તે પીડાદાયક બીમારીથી સાજી થઈ છે.
૩૦ તરત જ, ઈસુને ખ્યાલ આવ્યો કે તેમનામાંથી શક્તિ નીકળી છે અને તે ટોળામાં પાછળ ફરીને કહેવા લાગ્યા: “મારા ઝભ્ભાને કોણ અડ્યું?”
૩૧ પણ, તેમના શિષ્યોએ તેમને કહ્યું: “તમે જુઓ છો કે ટોળું તમારા પર પડાપડી કરે છે અને તમે પૂછો છો, ‘મને કોણ અડ્યું?’”
૩૨ જોકે, આ કોણે કર્યું એ જાણવા તે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા.
૩૩ પેલી સ્ત્રી પોતાને જે થયું હતું એ જાણતી હોવાથી ગભરાયેલી અને ધ્રૂજતી હતી; અને તે આવીને તેમની આગળ ઘૂંટણે પડી અને તેમને બધી હકીકત જણાવી દીધી.
૩૪ તેમણે તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા અને આ પીડાદાયક બીમારીમાંથી સાજી થા.”
૩૫ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી કેટલાક માણસો આવ્યા અને કહ્યું: “તમારી દીકરી મરણ પામી છે! હવે ગુરુજીને તકલીફ આપવાની શી જરૂર છે?”
૩૬ પણ, તેઓના શબ્દો ઈસુને કાને પડ્યા ત્યારે, તેમણે સભાસ્થાનના અધિકારીને કહ્યું: “ગભરાઈશ નહિ,* માત્ર શ્રદ્ધા રાખ.”
૩૭ હવે, તેમણે પીતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાન સિવાય કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ.
૩૮ પછી, તેઓ સભાસ્થાનના અધિકારીના ઘરે આવ્યા અને ઈસુએ જોયું કે શોરબકોર થઈ રહ્યો છે અને લોકો રડારોળ તથા મોટેથી વિલાપ કરી રહ્યા છે.
૩૯ તેમણે અંદર જઈને તેઓને કહ્યું: “તમે શા માટે શોરબકોર અને રડારોળ કરો છો? છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.”
૪૦ એ સાંભળીને તેઓ મશ્કરી કરતા તેમના પર હસવા લાગ્યા. પરંતુ, તેમણે બધાને બહાર મોકલી દીધા અને છોકરીનાં માબાપ તથા પોતાના શિષ્યોને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં અંદર ગયા.
૪૧ પછી, એ છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું: “તલિથા કુમી,” જેનો અનુવાદ આમ થાય: “નાની છોકરી, હું તને કહું છું, ઊઠ!”
૪૨ અને તરત જ, એ છોકરી ઊઠી અને ચાલવા લાગી. (તે ૧૨ વર્ષની હતી.) એ જોઈને તેઓની ખુશીનો પાર ન રહ્યો.
૪૩ પણ, ઈસુએ અનેક વાર આજ્ઞા કરી* કે આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ અને તેમણે છોકરીને કંઈક ખાવાનું આપવા કહ્યું.
ફૂટનોટ
^ અથવા, “ભેખડ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “દસ શહેરોના પ્રદેશમાં.”
^ અથવા, “મરવાની અણીએ છે.”
^ સ્ત્રીઓને થતી લોહી વહેવાની બીમારી, જે લાંબા સમય સુધી ચાલે છે.
^ અથવા, “ઘણું દુઃખ વેઠ્યું હતું.”
^ અથવા, “ચિંતા કરીશ નહિ.”
^ અથવા, “તેમણે તેઓને સખત મના કરી.”