માર્ક ૯:૧-૫૦

  • ઈસુનું રૂપાંતર (૧-૧૩)

  • ખરાબ દૂત વળગેલા છોકરાને સાજો કરાયો (૧૪-૨૯)

    • જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે (૨૩)

  • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૦-૩૨)

  • સૌથી મોટું કોણ એ વિશે શિષ્યોની દલીલ (૩૩-૩૭)

  • જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે (૩૮-૪૧)

  • ઠોકર ખવડાવનારા પથ્થરો (૪૨-૪૮)

  • “તમે સ્વાદવાળા મીઠા જેવા બનો” (૪૯, ૫૦)

 એ ઉપરાંત, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલા લોકોમાંથી કેટલાક એવા છે, જેઓ ઈશ્વરના રાજ્યને સત્તામાં આવી ગયેલું નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.” ૨  છ દિવસ પછી, પીતર, યાકૂબ અને યોહાનને ઈસુ ઊંચા પહાડ પર લઈ ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. ત્યાં તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું; ૩  તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો અને એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪  વધુમાં, ત્યાં તેઓને એલિયાની સાથે મુસા દેખાયા અને તેઓ ઈસુ સાથે વાત કરતા હતા. ૫  પછી, પીતરે ઈસુને કહ્યું: “ગુરુજી,* આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” ૬  હકીકતમાં, તે જાણતો ન હતો કે શું કરવું, કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. ૭  એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું અને વાદળમાંથી અવાજ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે. તેનું સાંભળો.” ૮  પછી, તરત જ તેઓએ આજુબાજુ નજર કરી તો, ત્યાં ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯  તેઓ પહાડ પરથી નીચે ઊતરતા હતા ત્યારે, તેમણે સખત આજ્ઞા કરી કે જ્યાં સુધી માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે, ત્યાં સુધી તેઓએ જે જોયું એ વિશે કોઈને જણાવવું નહિ. ૧૦  તેઓએ એ વાત દિલમાં ઉતારી,* પણ તેમના મરણમાંથી ઊઠવાનો અર્થ શું થાય, એ વિશે તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. ૧૧  અને તેઓ તેમને પૂછવા લાગ્યા: “શાસ્ત્રીઓ શા માટે કહે છે કે એલિયાએ પહેલા આવવું જરૂરી છે?” ૧૨  તેમણે તેઓને કહ્યું: “એલિયા સાચે જ પહેલા આવશે અને બધું ફરીથી સરખું કરશે; પણ એ વાતને માણસના દીકરા વિશે જે લખેલું છે એની સાથે શો સંબંધ કે તેણે સતાવણી સહેવી પડશે અને તેની સાથે તુચ્છકારથી વર્તવામાં આવશે? ૧૩  પરંતુ, હું તમને કહું છું, એલિયા ખરેખર આવી ચૂક્યા છે અને જેમ તેમના વિશે લખેલું છે, તેમ તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.” ૧૪  તેઓ બીજા શિષ્યો પાસે આવ્યા ત્યારે, ઘણા લોકોને તેઓની આસપાસ ટોળે વળેલા અને શાસ્ત્રીઓને તેઓ સાથે વાદવિવાદ કરતા જોયા. ૧૫  પણ, જ્યારે બધા લોકોની નજર ઈસુ પર પડી, ત્યારે તેઓ નવાઈ પામ્યા અને તેમને સલામ કરવા તેમની પાસે દોડી ગયા. ૧૬  તેમણે તેઓને પૂછ્યું: “તમે તેઓ સાથે શો વિવાદ કરો છો?” ૧૭  ટોળામાંના એકે તેમને જવાબ આપ્યો: “શિક્ષક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો છું, કેમ કે તેને ખરાબ દૂત વળગ્યો છે, જેણે તેને મૂંગો કરી દીધો છે. ૧૮  તે જ્યાં પણ તેના પર હુમલો કરે છે ત્યાં તેને જમીન પર પછાડે છે અને તે મોંમાંથી ફીણ કાઢે છે, દાંત પીસે છે તથા અશક્ત થઈ જાય છે. મેં તમારા શિષ્યોને ખરાબ દૂત કાઢવા કહ્યું, પણ તેઓ એમ કરી શક્યા નહિ.” ૧૯  જવાબમાં તેમણે તેઓને કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? હું ક્યાં સુધી તમને સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો.” ૨૦  તેથી, તેઓ છોકરાને તેમની પાસે લાવ્યા, પણ ઈસુને જોઈને તરત જ ખરાબ દૂતે છોકરાને મરડી નાખ્યો. છોકરો જમીન પર પડ્યા પછી આળોટવા લાગ્યો અને મોંમાંથી ફીણ કાઢવા લાગ્યો. ૨૧  પછી, ઈસુએ પિતાને પૂછ્યું: “આવું તેને ક્યારથી થાય છે?” તેણે કહ્યું: “બાળપણથી. ૨૨  ખરાબ દૂત તેને મારી નાખવા ઘણી વાર આગમાં અને પાણીમાં નાખી દે છે. જો તમે કંઈ કરી શકતા હો, તો અમારા પર દયા કરો અને અમને મદદ કરો.” ૨૩  ઈસુએ તેને કહ્યું: “શું તું એમ કહે છે, ‘તમે કરી શકતા હો તો’? જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે.” ૨૪  તરત જ, છોકરાનો પિતા પોકારી ઊઠ્યો: “મને શ્રદ્ધા છે! મારી શ્રદ્ધા વધારવા મદદ કરો.” ૨૫  હવે, ઈસુએ જોયું કે ટોળું તેઓ તરફ ધસી રહ્યું છે ત્યારે, તેમણે ખરાબ દૂતને ધમકાવતા કહ્યું: “મૂંગા અને બહેરા કરી દેનાર ખરાબ દૂત, હું તને હુકમ કરું છું કે તેનામાંથી બહાર નીકળ અને પાછો તેનામાં પ્રવેશતો નહિ!” ૨૬  ત્યારે ખરાબ દૂતે બૂમ પાડી અને છોકરાને અનેક વાર મરડી નાખ્યા પછી, તે નીકળી ગયો અને છોકરો મરી ગયો હોય એવો થઈ ગયો; તેથી, તેઓમાંના મોટા ભાગના કહેવા લાગ્યા: “તે મરી ગયો છે!” ૨૭  પણ, ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઊભો કર્યો અને તે ઊભો થયો. ૨૮  પછી, તે ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ એકાંતમાં તેમને પૂછ્યું: “અમે શા માટે એને કાઢી ન શક્યા?” ૨૯  તેમણે તેઓને કહ્યું: “આ જાતના ખરાબ દૂતને ફક્ત પ્રાર્થનાથી જ કાઢી શકાય છે.” ૩૦  ત્યાંથી તેઓ નીકળ્યા અને ગાલીલમાંથી પસાર થયા, પણ ઈસુ ચાહતા ન હતા કે કોઈને એ વિશે જાણ થાય. ૩૧  કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતા હતા અને તેઓને કહેતા હતા: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે અને તેઓ તેને મારી નાખશે; પણ, મારી નંખાયા છતાં તે ત્રણ દિવસ પછી ઊઠશે.” ૩૨  જોકે, તે જે કહેતા હતા એ તેઓ સમજ્યા નહિ અને તેઓ તેમને સવાલ પૂછતા ગભરાતા હતા. ૩૩  અને તેઓ કાપરનાહુમમાં આવ્યા. હવે, જ્યારે ઈસુ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને સવાલ પૂછ્યો: “તમે રસ્તામાં શાના વિશે દલીલ કરતા હતા?” ૩૪  તેઓ ચૂપ રહ્યા, કેમ કે રસ્તામાં તેઓ દલીલ કરી રહ્યા હતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. ૩૫  તેથી, તે બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું: “જો કોઈ પહેલો થવા ચાહે, તો તેણે બધાથી છેલ્લા થવું અને બધાના સેવક બનવું.” ૩૬  પછી, તેમણે એક બાળકને તેઓની વચ્ચે ઊભું રાખ્યું અને તેને બાથમાં લઈને તેઓને કહ્યું: ૩૭  “જે કોઈ મારા નામને લીધે આ બાળક જેવા એકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે; અને જે મારો સ્વીકાર કરે છે તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.” ૩૮  યોહાને તેમને કહ્યું: “ગુરુજી, અમે એક માણસને તમારા નામે દુષ્ટ દૂતો કાઢતા જોયો અને અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.” ૩૯  પણ ઈસુએ કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે એવું કોઈ નથી જે મારા નામે શક્તિશાળી કામો કરે અને તરત જ મારા વિશે કંઈ ખરાબ બોલે. ૪૦  કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે. ૪૧  અને તમે ખ્રિસ્તના છો એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો હું તમને સાચે જ કહું છું કે, તે કોઈ પણ રીતે પોતાનો બદલો મેળવ્યા વગર રહેશે નહિ. ૪૨  પણ, જે કોઈ શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થશે કે, તેને ગળે ઘંટીનો મોટો પથ્થર* બાંધીને દરિયામાં નાખવામાં આવે. ૪૩  “જો કદી પણ તારો હાથ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. કદી ન હોલવાતી ગેહેન્‍નાની* આગમાં બે હાથે જવા કરતાં, લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે. ૪૪  * ૪૫  અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. ગેહેન્‍નામાં* બે પગ સાથે નંખાવા કરતાં, લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે. ૪૬  * ૪૭  અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખ. બે આંખ સાથે ગેહેન્‍નામાં* નંખાવા કરતાં, ઈશ્વરના રાજ્યમાં એક આંખે જવું તારા માટે વધારે સારું છે; ૪૮  ગેહેન્‍નામાં* કીડા મરતા નથી અને આગ હોલવાતી નથી. ૪૯  “જાણે કોઈ મીઠું ભભરાવતું હોય એમ, એવા લોકો પર આગ વરસાવવામાં આવશે. ૫૦  મીઠું સારું છે, પણ જો એ કદી પણ બેસ્વાદ થઈ જાય, તો તમે શેનાથી એનો સ્વાદ લાવશો? તમે સ્વાદવાળા મીઠા જેવા બનો. એમ કરીને તમે એકબીજા સાથે શાંતિ જાળવી રાખશો.”

ફૂટનોટ

હિબ્રૂમાં, રાબ્બી.
અથવા, “વાત પોતાના પૂરતી રાખી.”
અથવા, “જે ઘંટીનો પથ્થર ગધેડું ફેરવે છે.”
શબ્દસૂચિ જુઓ.
માથ ૧૭:૨૧ની ફૂટનોટ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
માથ ૧૭:૨૧ની ફૂટનોટ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.