યોહાન ૧૦:૧-૪૨

  • ઘેટાંપાળક અને ઘેટાંના વાડાઓ (૧-૨૧)

    • ઈસુ ઉત્તમ ઘેટાંપાળક (૧૧-૧૫)

    • “મારાં બીજાં ઘેટાં પણ છે” (૧૬)

  • યહુદીઓ સમર્પણના તહેવાર વખતે ઈસુને સવાલ કરે છે (૨૨-૩૯)

    • ઘણા યહુદીઓ માનતા નથી (૨૪-૨૬)

    • “મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે” (૨૭)

    • પિતા સાથે દીકરો એકતામાં છે (૩૦, ૩૮)

  • યરદન પાર ઘણાએ શ્રદ્ધા મૂકી (૪૦-૪૨)

૧૦  “હું તમને સાચે જ કહું છું કે ઘેટાંના વાડામાં જે કોઈ દરવાજામાંથી અંદર આવતો નથી, પણ બીજી કોઈ બાજુથી ચઢીને આવે છે, એ ચોર અને લુટારો છે. ૨  પણ, જે દરવાજામાંથી અંદર આવે છે એ ઘેટાંપાળક છે. ૩  દરવાન તેના માટે દરવાજો ખોલે છે અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે. તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરી જાય છે. ૪  પોતાનાં બધાં ઘેટાંને બહાર લાવ્યાં પછી, તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ જાય છે, કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. ૫  કોઈ અજાણ્યા પાછળ તેઓ કદી જશે નહિ, પણ તેની પાસેથી દૂર નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી.” ૬  ઈસુએ આ સરખામણી લોકોને કહી, પણ તેઓને સમજણ પડી નહિ કે તે શું કહી રહ્યા હતા. ૭  તેથી, ઈસુએ ફરીથી કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઘેટાં માટે હું દરવાજો છું. ૮  મારા બદલે જેઓ આવ્યા છે, તેઓ બધા ચોર અને લુટારા છે; પણ, ઘેટાંએ તેઓનું સાંભળ્યું નથી. ૯  હું દરવાજો છું; જે કોઈ મારા દ્વારા અંદર જાય છે તેનો બચાવ થશે અને તે અંદર આવશે ને બહાર જશે અને તેને ઘાસચારો મળશે. ૧૦  ચોર ફક્ત ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા માટે જ આવે છે. પણ, હું એ માટે આવ્યો, જેથી તેઓને જીવન મળે, હા, ભરપૂર જીવન મળે. ૧૧  હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનું જીવન* આપી દે છે. ૧૨  પણ, જે માણસને ઘેટાંની રખેવાળી કરવા મજૂરીએ રાખેલો છે, તે ઘેટાંપાળક નથી અને ઘેટાં તેનાં પોતાનાં નથી; વરૂને આવતું જોઈને તે ઘેટાંને મૂકીને નાસી જાય છે; અને વરૂ તેઓ પર હુમલો કરે છે અને તેઓને વિખેરી નાખે છે. ૧૩  તે માણસ નાસી જાય છે, કારણ કે તેને મજૂરીએ રાખેલો છે અને તેને ઘેટાંની કંઈ પડી નથી. ૧૪  હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને એવી રીતે ઓળખે છે, ૧૫  જેવી રીતે મારા પિતા મને અને હું મારા પિતાને ઓળખું છું; અને હું ઘેટાંને માટે મારું જીવન* આપી દઉં છું. ૧૬  “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી. તેઓને પણ મારે લઈ આવવાનાં છે, તેઓ મારો અવાજ સાંભળશે અને તેઓ એક ટોળું બનશે, તેઓનો એક ઘેટાંપાળક હશે. ૧૭  પિતા મને પ્રેમ કરે છે, કારણ કે હું મારું જીવન* આપું છું, જેથી હું એ પાછું મેળવી શકું. ૧૮  કોઈ માણસ મારી પાસેથી મારું જીવન લઈ શકતો નથી, પણ હું એ મારી પોતાની મરજીથી આપું છું. મારી પાસે એ આપવાનો અધિકાર છે અને મારી પાસે એ પાછું મેળવવાનો પણ અધિકાર છે. એ આજ્ઞા મને મારા પિતા પાસેથી મળી છે.” ૧૯  આ વાતથી યહુદીઓમાં ફરીથી ભાગલા પડ્યા. ૨૦  તેઓમાંથી ઘણા કહેતા હતા: “તેને દુષ્ટ દૂત વળગ્યો છે અને તે ગાંડો છે. તમે તેનું કેમ સાંભળો છો?” ૨૧  બીજા લોકોએ કહ્યું: “દુષ્ટ દૂત વળગેલો માણસ આવી વાતો કરી શકે નહિ. શું કોઈ દુષ્ટ દૂત આંધળા લોકોને દેખતા કરી શકે?” ૨૨  એ સમયે યરૂશાલેમમાં મંદિરના સમર્પણનો તહેવાર* હતો. એ શિયાળાનો સમય હતો. ૨૩  અને ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં* ચાલતા હતા. ૨૪  એ વખતે યહુદીઓએ તેમને ઘેરી લીધા અને કહેવા લાગ્યા: “તું ક્યાં સુધી અમને* અંધારામાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય, તો અમને સાફ-સાફ કહી દે.” ૨૫  ઈસુએ તેઓને જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું અને છતાં તમે મારું માનતા નથી. મારા પિતાના નામે હું જે કામો કરું છું, એ કામો મારા વિશે સાક્ષી પૂરે છે. ૨૬  પરંતુ, તમે માનતા નથી, કારણ કે તમે મારાં ઘેટાં નથી. ૨૭  મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ પાછળ ચાલે છે. ૨૮  હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું. તેઓનો કદી નાશ થશે નહિ અને તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહિ. ૨૯  મારા પિતાએ મને જે ઘેટાં આપ્યાં છે એ બીજી બધી વસ્તુઓ કરતાં વધારે કીમતી છે અને મારા પિતાના હાથમાંથી તેઓને કોઈ છીનવી શકશે નહિ. ૩૦  હું અને પિતા એક છીએ.”* ૩૧  ફરી એક વાર યહુદીઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. ૩૨  જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “મારા પિતા તરફથી મેં તમારી આગળ ઘણાં સારાં કામો કરી બતાવ્યાં છે. એમાંનાં કયાં કામ માટે તમે મને પથ્થર મારો છો?” ૩૩  યહુદીઓએ તેમને જવાબ આપ્યો: “તારા કોઈ સારા કામ માટે નહિ, પણ તેં ઈશ્વરની નિંદા કરી એ માટે પથ્થર મારીએ છીએ; કેમ કે તું માણસ હોવા છતાં, પોતાને ઈશ્વર માને છે.” ૩૪  ઈસુએ તેઓને જવાબ આપ્યો: “શું તમારા નિયમશાસ્ત્રમાં આમ લખેલું નથી, ‘મેં કહ્યું: “તમે ઈશ્વર છો”’?* ૩૫  જો ઈશ્વર એ લોકોને ‘ઈશ્વર’ કહેતા હોય, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે અને શાસ્ત્રવચન ક્યારેય ખોટું હોતું નથી, ૩૬  તો પછી, હું તો એ છું જેને ઈશ્વરે પવિત્ર કર્યો છે અને દુનિયામાં મોકલ્યો છે; જ્યારે મેં કહ્યું, ‘હું ઈશ્વરનો દીકરો છું’ ત્યારે તમે મને કેમ કહો છો કે, ‘તું ઈશ્વરની નિંદા કરે છે’? ૩૭  જો હું મારા પિતાનાં કામો કરતો ન હોઉં, તો તમે મારું માનતા નહિ. ૩૮  પણ, જો હું એ કામો કરતો હોઉં, તો ભલે તમે મારું ન માનો, એ કામોને તો માનો; એ માટે કે તમે જાણો અને સારી રીતે સમજો કે પિતા મારી સાથે એકતામાં છે અને હું પિતાની સાથે એકતામાં છું.” ૩૯  એટલે, તેઓએ ફરીથી તેમને પકડવાની કોશિશ કરી, પણ તે તેઓના હાથમાંથી છટકી ગયા. ૪૦  અને ફરીથી તે યરદન પાર એ જગ્યાએ ચાલ્યા ગયા, જ્યાં યોહાન શરૂઆતમાં બાપ્તિસ્મા આપતો હતો. તે ત્યાં રોકાયા. ૪૧  ઘણા લોકો તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “યોહાને એક પણ ચમત્કાર કર્યો ન હતો, પણ યોહાને આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું એ બધું સાચું છે.” ૪૨  અને ત્યાં ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “એકતામાં છીએ.”
અથવા, “ઈશ્વર જેવા છો.”