યોહાન ૧૫:૧-૨૭

  • ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ (૧-૧૦)

  • ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવાની આજ્ઞા (૧૧-૧૭)

    • ‘આના કરતાં મોટો પ્રેમ કોઈ નથી’ (૧૩)

  • દુનિયા ઈસુના શિષ્યોને ધિક્કારે છે (૧૮-૨૭)

૧૫  “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. ૨  મારામાં રહેલી દરેક ડાળી, જેને ફળ આવતાં નથી, એને તે કાપી નાખે છે અને દરેક ડાળી, જેને ફળ આવે છે, એને તે કાપકૂપ* કરે છે, જેથી એ ડાળી વધારે ફળ આપે. ૩  મેં તમને જે વાતો જણાવી છે, એના લીધે તમે શુદ્ધ થઈ ગયા છો. ૪  મારી સાથે એકતામાં રહો અને હું તમારી સાથે એકતામાં રહીશ. જેમ ડાળી દ્રાક્ષાવેલાથી અલગ રહીને જાતે ફળ આપી શકતી નથી, તેમ મારી સાથે એકતામાં ન રહીને તમે પણ ફળ* આપી શકતા નથી. ૫  હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો. જે મારી સાથે એકતામાં રહે છે અને હું જેની સાથે એકતામાં રહું છું, તે ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. ૬  જે મારી સાથે એકતામાં રહેતો નથી, તે એવી ડાળી જેવો છે, જેને ફેંકી દેવામાં આવે છે અને એ સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ ભેગી કરીને આગમાં નાખે છે અને એને બાળી નાખવામાં આવે છે. ૭  જો તમે મારી સાથે એકતામાં રહેશો અને મારી વાતો તમારા દિલમાં રાખશો, તો તમે જે કંઈ ચાહો એ માંગો અને એ પ્રમાણે જરૂર થશે. ૮  તમે ઘણાં ફળ આપતા રહો અને પોતાને મારા શિષ્યો સાબિત કરો, એમાં મારા પિતાને મહિમા મળે છે. ૯  જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે; મારા પ્રેમમાં રહો. ૧૦  જેમ મેં પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો, તો તમે મારા પ્રેમમાં રહેશો. ૧૧  “મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારી પાસે છે એવા આનંદથી તમે ભરપૂર થાઓ. ૧૨  મારી આ આજ્ઞા છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. ૧૩  મિત્રો માટે પોતાનો જીવ* આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી. ૧૪  હું જે આજ્ઞાઓ તમને આપું છું, એ જો તમે પાળો, તો તમે મારા મિત્રો છો. ૧૫  હવેથી હું તમને દાસ કહેતો નથી, કારણ કે દાસ જાણતો નથી કે પોતાનો માલિક શું કરે છે. પરંતુ, હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે. ૧૬  તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને મેં તમને નીમ્યા છે કે તમે જઈને ફળ આપતા રહો; અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારા નામમાં જે કંઈ માંગો, એ પિતા તમને આપે. ૧૭  “હું તમને એમ કરવાની આજ્ઞા આપું છું, જેથી તમે એકબીજા પર પ્રેમ રાખો. ૧૮  જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે. ૧૯  જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. હવે, તમે દુનિયાના નથી પણ મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે, એ કારણે દુનિયા તમને ધિક્કારે છે. ૨૦  મેં તમને કહેલી વાત ધ્યાનમાં રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી છે, તો તેઓ તમારી સતાવણી પણ કરશે; જો તેઓએ મારી વાત માની છે, તો તેઓ તમારી વાત પણ માનશે. ૨૧  પરંતુ, મારા નામને લીધે તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ જાણતા નથી. ૨૨  જો હું આવ્યો ન હોત અને તેઓને જણાવ્યું ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત. પરંતુ, હવે તેઓના પાપ માટે તેઓ પાસે કોઈ બહાનું નથી. ૨૩  જે કોઈ મને ધિક્કારે છે, તે મારા પિતાને પણ ધિક્કારે છે. ૨૪  કોઈએ કર્યાં ન હોય એવાં કામો જો મેં તેઓની વચ્ચે કર્યાં ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત; પણ, હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે અને મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે. ૨૫  પરંતુ, આ એટલા માટે બન્યું કે તેઓના નિયમશાસ્ત્રમાં લખેલી વાત પૂરી થાય: ‘તેઓએ કોઈ કારણ વગર મારો ધિક્કાર કર્યો.’ ૨૬  હું પિતા પાસેથી તમને સહાયક મોકલીશ, એટલે કે સત્યની પવિત્ર શક્તિ જે પિતા પાસેથી આવે છે; એ આવશે ત્યારે મારા વિશે સાક્ષી આપશે. ૨૭  તમે પણ મારા વિશે સાક્ષી આપશો, કારણ કે તમે શરૂઆતથી મારી સાથે છો.

ફૂટનોટ

મૂળ અર્થ, “શુદ્ધ.”
દેખીતું છે કે એ સારાં કામોને રજૂ કરે છે.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.