યોહાન ૧૬:૧-૩૩

  • ઈસુના શિષ્યોને કદાચ મારી નાખવામાં આવે (૧-૪ક)

  • પવિત્ર શક્તિનું કામ (૪ખ-૧૬)

  • શિષ્યોનો શોક આનંદમાં ફેરવાશે (૧૭-૨૪)

  • દુનિયા પર ઈસુની જીત (૨૫-૩૩)

૧૬  “મેં તમને એ બધું જણાવ્યું છે, જેથી તમે ઠોકર ન ખાઓ. ૨  લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.* અરે, એવો સમય આવશે, જ્યારે તમને મારી નાખનારા લોકો વિચારશે કે તેઓએ ઈશ્વરની પવિત્ર સેવા કરી છે. ૩  તેઓ એવું કરશે, કારણ કે તેઓ પિતાને કે મને ઓળખતા નથી. ૪  જોકે, મેં તમને આ વાતો જણાવી છે, જેથી એ બધું થવાનો સમય આવી પહોંચે ત્યારે, તમને યાદ આવે કે મેં એ વિશે જણાવ્યું હતું. “મેં તમને આ વાતો અગાઉ જણાવી ન હતી, કારણ કે હું તમારી સાથે હતો. ૫  પરંતુ, મને મોકલનારની પાસે હવે હું જાઉં છું; તોપણ, તમારામાંથી કોઈ મને પૂછતું નથી કે, ‘તમે ક્યાં જાઓ છો?’ ૬  મેં તમને એ વાતો જણાવી હોવાથી, તમારા દિલ શોકમાં ડૂબી ગયા છે. ૭  જોકે, હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જઈ રહ્યો છું. કેમ કે હું ન જાઉં તો સહાયક* તમારી પાસે આવશે નહિ; પણ, જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલીશ. ૮  અને જ્યારે તે આવશે ત્યારે દુનિયાને પાપ વિશે, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ખરું શું છે એના વિશે અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવતા પુરાવા આપશે: ૯  પહેલા તો પાપ વિશે, કેમ કે તેઓ મારા પર શ્રદ્ધા રાખતા નથી. ૧૦  પછી, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જે ખરું છે એ વિશે, કેમ કે હું પિતા પાસે જાઉં છું અને હવેથી તમે મને જોશો નહિ. ૧૧  પછી, ન્યાયચુકાદા વિશે, કેમ કે આ દુનિયાના શાસકનો ન્યાય કરવામાં આવ્યો છે. ૧૨  “મારે તમને હજુ ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે એ સમજી શકો એમ નથી. ૧૩  પણ, જ્યારે તે* એટલે કે સત્યની પવિત્ર શક્તિ આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે; કેમ કે તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે અને ભવિષ્યમાં થનાર વાતો તે તમારી આગળ જાહેર કરશે. ૧૪  તે મને મહિમા આપશે, કેમ કે મારી પાસેથી સાંભળેલી વાતો તે તમારી આગળ જાહેર કરશે. ૧૫  પિતા પાસે જે બધું છે એ મારું છે. એટલા માટે મેં કહ્યું કે, મારી પાસેથી સાંભળેલી વાતો સહાયક તમારી આગળ જાહેર કરશે. ૧૬  થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે ફરીથી મને જોશો.” ૧૭  એ સાંભળીને તેમના અમુક શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા: “તેમણે કેમ કહ્યું કે, ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે ફરીથી મને જોશો’ અને ‘કેમ કે હું પિતા પાસે જાઉં છું’?” ૧૮  અને તેઓ આમ કહેતા હતા: “તે ‘થોડા સમય પછી’ કહે છે એનો શું અર્થ થાય? આપણને કંઈ ખબર પડતી નથી કે તે શાની વાત કરે છે.” ૧૯  ઈસુ સમજી ગયા કે તેઓ તેમને સવાલ પૂછવા માંગે છે; તેથી, તેમણે શિષ્યોને કહ્યું: “શું તમે એકબીજાને એટલા માટે પૂછી રહ્યા છો કે મેં તમને આમ કહ્યું: ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે ફરીથી મને જોશો?’ ૨૦  હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે; તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે. ૨૧  પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કેમ કે બાળકને જન્મ આપવાનો સમય આવી ગયો છે. પણ, બાળકને જન્મ આપ્યા પછી તે વેદના ભૂલી જાય છે, કેમ કે દુનિયામાં બાળક આવ્યું એની તેને ખુશી થાય છે. ૨૨  એ જ પ્રમાણે, તમે પણ હમણાં શોકમાં છો; પણ, હું તમને ફરીથી મળીશ અને તમારા દિલ ખુશ થશે અને કોઈ તમારી ખુશી છીનવી લેશે નહિ. ૨૩  એ દિવસે તમે મને એક પણ સવાલ પૂછશો નહિ. હું તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો, તો તે તમને મારા નામમાં એ આપશે. ૨૪  હમણાં સુધી તમે મારા નામમાં એક પણ વસ્તુ માંગી નથી. માંગો અને તમને મળશે, જેથી તમારી ખુશીનો કોઈ પાર ન રહે. ૨૫  “આ વાતો મેં તમને ઉદાહરણોમાં કહી છે. એવી ઘડી આવી રહી છે, જ્યારે હું તમને ઉદાહરણોમાં જણાવીશ નહિ, પણ હું પિતા વિશે તમને સાફ સાફ જણાવીશ. ૨૬  એ દિવસે તમે મારા નામમાં પિતાને વિનંતી કરશો; મારા કહેવાનો અર્થ એવો નથી કે હું તમારા માટે વિનંતી કરીશ. ૨૭  કારણ, પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને તમે ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે. ૨૮  હું પિતા પાસેથી દુનિયામાં આવ્યો છું. હવે, હું આ દુનિયા છોડીને પિતા પાસે જાઉં છું.” ૨૯  તેમના શિષ્યોએ કહ્યું: “જુઓ! હવે તમે ઉદાહરણોમાં નહિ, પણ સાફ સાફ કહી રહ્યા છો. ૩૦  હવે, અમને ખબર પડી કે તમે બધું જાણો છો અને કોઈ તમને સવાલ પૂછે એની જરૂર નથી. એ પરથી અમે માનીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.” ૩૧  જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “શું તમે હવે માનો છો? ૩૨  જુઓ! એવી ઘડી આવી રહી છે, હકીકતમાં, આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈ જઈને પોતપોતાના ઘરે ચાલ્યા જશો અને તમે મને એકલો છોડી દેશો. પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. ૩૩  મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારા દ્વારા તમને શાંતિ મળે. દુનિયામાં તમારા પર તકલીફો આવશે, પણ હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે.”

ફૂટનોટ

યોહ ૯:૨૨ની ફૂટનોટ જુઓ.
યોહ ૧૪:૧૬ની ફૂટનોટ જુઓ.
કલમ ૧૩ અને ૧૪માં જણાવેલ “તે” કલમ ૭માં જણાવેલ “સહાયક”ને દર્શાવે છે.