યોહાન ૧૯:૧-૪૨

  • ઈસુને કોરડા મરાવ્યા અને મશ્કરી કરી (૧-૭)

  • પીલાત ફરીથી ઈસુને સવાલ કરે છે (૮-૧૬ક)

  • ગલગથાએ ઈસુ વધસ્તંભે જડાયા (૧૬ખ-૨૪)

  • પોતાની મા માટે ઈસુની ગોઠવણ (૨૫-૨૭)

  • ઈસુનું મરણ (૨૮-૩૭)

  • ઈસુની દફનવિધિ (૩૮-૪૨)

૧૯  પછી, પીલાત ઈસુને લઈ ગયો અને તેમને કોરડા મરાવ્યા. ૨  સૈનિકોએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. ૩  તેઓ તેમની પાસે આવીને કહેતા: “હે યહુદીઓના રાજા, સલામ!”* તેઓ તેમના ગાલ પર તમાચા પણ મારતા. ૪  પીલાતે ફરીથી બહાર જઈને તેઓને કહ્યું: “જુઓ! હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમે જાણો કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.” ૫  અને ઈસુ બહાર આવ્યા; તેમણે કાંટાનો મુગટ અને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરેલો હતો. અને પીલાતે તેઓને કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!” ૬  જોકે, મુખ્ય યાજકો અને અધિકારીઓએ તેમને જોયા ત્યારે, તેઓએ બૂમો પાડી: “તેને વધસ્તંભે ચડાવો! તેને વધસ્તંભે ચડાવો!”* પીલાતે તેઓને કહ્યું: “તમે પોતે તેને લઈ જઈને મારી નાખો,* કેમ કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.” ૭  યહુદીઓએ તેને જવાબ આપ્યો: “અમારી પાસે નિયમ છે અને નિયમ પ્રમાણે તેણે મરવું જ જોઈએ, કારણ કે તે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે છે.” ૮  તેઓની વાત સાંભળીને પીલાત હજુ વધારે ગભરાયો; ૯  અને તે ફરીથી પોતાના મહેલમાં ગયો અને ઈસુને કહ્યું: “તું ક્યાંનો છે?” પણ, ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહિ. ૧૦  તેથી, પીલાતે તેમને કહ્યું: “શું તારે મને જવાબ નથી આપવો? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો* પણ અધિકાર છે?” ૧૧  ઈસુએ તેને કહ્યું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત. એટલા માટે, જે માણસે મને તમારા હાથમાં સોંપ્યો છે, તેનું પાપ ઘણું મોટું છે.” ૧૨  એ કારણે, પીલાત તેમને છોડી મૂકવાનો રસ્તો શોધવા લાગ્યો, પણ યહુદીઓએ બૂમો પાડી: “જો તમે આ માણસને છોડી મૂકશો, તો તમે સમ્રાટના* મિત્ર નથી. જે કોઈ પોતે રાજા હોવાનો દાવો કરે છે, તે સમ્રાટની વિરુદ્ધ બોલે છે.”* ૧૩  આ શબ્દો સાંભળીને પીલાત ઈસુને બહાર લઈ આવ્યો અને ફરસબંદી* તરીકે ઓળખાતી જગ્યા, જે હિબ્રૂમાં ગબ્બથા કહેવાય છે, ત્યાં ન્યાયાસન પર બેઠો. ૧૪  હવે, એ પાસ્ખાની* તૈયારીનો દિવસ હતો; અને બપોરના આશરે ૧૨ વાગ્યા* હતા. તેણે યહુદીઓને કહ્યું: “જુઓ! તમારો રાજા!” ૧૫  પરંતુ, તેઓએ બૂમો પાડી: “તેને લઈ જાઓ! તેને લઈ જાઓ! તેને વધસ્તંભે ચડાવો!”* પીલાતે તેઓને કહ્યું: “શું હું તમારા રાજાને વધસ્તંભે ચડાવું?” મુખ્ય યાજકોએ જવાબ આપ્યો: “સમ્રાટ સિવાય અમારો બીજો કોઈ રાજા નથી.” ૧૬  એટલે, તેણે ઈસુને વધસ્તંભે મારી નાખવા તેઓને સોંપી દીધા. તેથી, તેઓ ઈસુને લઈ ગયા. ૧૭  ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરી તરીકે ઓળખાતી જગ્યાએ ગયા, જે હિબ્રૂમાં ગલગથા કહેવાય છે. ૧૮  એ જગ્યાએ તેઓએ તેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા. તેમની સાથે બે માણસોને પણ જડ્યા, વચ્ચે ઈસુ અને તેમની બંને બાજુએ એકએક માણસ. ૧૯  પીલાતે એક તકતી પર લખાણ કરાવીને એને વધસ્તંભ પર લગાવી, જેમાં લખ્યું હતું: “નાઝરેથનો ઈસુ, યહુદીઓનો રાજા.” ૨૦  એ લખાણ ઘણા યહુદીઓએ વાંચ્યું, કારણ કે ઈસુને વધસ્તંભે જડ્યા હતા, એ જગ્યા શહેરની પાસે હતી અને એ લખાણ હિબ્રૂ, લૅટિન અને ગ્રીકમાં લખેલું હતું. ૨૧  જોકે, યહુદીઓના મુખ્ય યાજકોએ પીલાતને કહ્યું: “‘યહુદીઓનો રાજા’ એવું લખશો નહિ, પણ એવું લખો કે તેણે કહ્યું, ‘હું યહુદીઓનો રાજા છું.’” ૨૨  પીલાતે જવાબ આપ્યો: “મેં જે લખ્યું, એ લખ્યું.” ૨૩  હવે, સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા પછી, તેમનાં કપડાં લઈ લીધાં અને ચાર ભાગ કરીને દરેક સૈનિકે એકએક ભાગ લઈ લીધો. તેઓએ તેમનો અંદરનો ઝભ્ભો પણ લઈ લીધો. પણ, એ ઝભ્ભો કોઈ સાંધા વગર, ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો. ૨૪  એટલે, તેઓએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.” આ એ માટે થયું, જેથી આ શાસ્ત્રવચન પૂરું થાય: “તેઓએ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને તેઓએ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” અને સૈનિકોએ એવું જ કર્યું. ૨૫  ઈસુના વધસ્તંભ પાસે તેમની મા, માસી, ક્લોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ ઊભી હતી. ૨૬  જ્યારે ઈસુએ પોતાની મા અને પોતાના વહાલા શિષ્યને પાસે ઊભેલા જોયા, ત્યારે તેમણે પોતાની માને કહ્યું: “મા, તે હવેથી તારો દીકરો છે.” ૨૭  પછી, તેમણે એ શિષ્યને કહ્યું: “તે હવેથી તારી મા છે.” એટલે, એ શિષ્ય મરિયમને પોતાના ઘરે રહેવા લઈ ગયો. ૨૮  એ પછી, ઈસુએ જાણ્યું કે બધાં કામ હવે પૂરાં થયાં છે. તેથી, શાસ્ત્રવચન પૂરું થાય એ માટે તેમણે કહ્યું: “મને તરસ લાગી છે.” ૨૯  ત્યાં ખાટો દ્રાક્ષદારૂ ભરેલી બરણી હતી. એટલે, તેઓએ ખાટા દ્રાક્ષદારૂમાં વાદળી બોળી અને એને ઝૂફાની* દાંડી પર મૂકીને તેમના મોં પાસે લઈ ગયા. ૩૦  ખાટો દ્રાક્ષદારૂ લીધા પછી, ઈસુએ કહ્યું: “બધું પૂરું થયું છે!” અને માથું નમાવીને તે મરણ પામ્યા. ૩૧  એ પાસ્ખાની તૈયારીનો દિવસ* હતો, એટલે સાબ્બાથના દિવસે (કેમ કે એ મોટો સાબ્બાથ* હતો) વધસ્તંભ પર શબ ન રહે, એ માટે ગુનેગારોના પગ તોડીને, તેઓના શબ ઉતારી લેવાની યહુદીઓએ પીલાતને વિનંતી કરી. ૩૨  એટલે, સૈનિકો આવ્યા અને ઈસુની આજુબાજુ વધસ્તંભે ચડાવેલા બંને માણસોના પગ તોડી નાખ્યા. ૩૩  સૈનિકો ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને મરણ પામેલા જોઈને તેઓએ તેમના પગ તોડ્યા નહિ. ૩૪  પણ, એક સૈનિકે ઈસુના પડખામાં ભાલો ઘોંચ્યો કે તરત જ લોહી અને પાણી વહી નીકળ્યાં. ૩૫  અને જેણે એ જોયું, તેણે આ સાક્ષી આપી છે અને તેની સાક્ષી સાચી છે. તે જાણે છે કે પોતે જે કહે છે એ સાચું છે, જેથી તમે પણ એ વાત માનો. ૩૬  હકીકતમાં, આ શાસ્ત્રવચન પૂરું થાય એ માટે આમ થયું: “તેમનું એક પણ હાડકું ભાંગવામાં નહિ આવે.” ૩૭  વળી, બીજું એક શાસ્ત્રવચન કહે છે: “જેમને તેઓએ વીંધ્યા છે, તેમને તેઓ જોશે.” ૩૮  આ બધું થયા પછી, અરિમથાઈના યુસફે પીલાત પાસે જઈને ઈસુનું શબ લઈ જવાની રજા માંગી. પીલાતે રજા આપી, એટલે તે આવીને ઈસુનું શબ લઈ ગયો. હવે, યુસફ તો ઈસુનો શિષ્ય હતો, પણ યહુદીઓથી બીતો હોવાથી એ વાત છુપાવતો હતો. ૩૯  વળી, નિકોદેમસ પણ આવ્યો, જે પહેલી વાર ઈસુને મળવા રાતે આવ્યો હતો; તે આશરે ૩૦ કિલોગ્રામ* સુગંધી દ્રવ્યો અને અગરનું મિશ્રણ સાથે લઈને આવ્યો. ૪૦  પછી, તેઓ ઈસુનું શબ લઈ ગયા અને યહુદીઓની દફનવિધિ પ્રમાણે, એને સુગંધી દ્રવ્યો લગાવીને શણના કપડામાં વીંટાળ્યું. ૪૧  હવે, ઈસુને મારી નાખવામાં* આવ્યા હતા ત્યાં એક બાગ હતો; એ બાગમાં એક નવી કબર હતી, જેમાં હજુ સુધી કોઈ પણ શબ મૂકવામાં આવ્યું ન હતું. ૪૨  એ દિવસ યહુદીઓનો તૈયારીનો દિવસ હતો અને એ કબર નજીક હોવાથી, તેઓએ ઈસુના શબને એ કબરમાં મૂક્યું.

ફૂટનોટ

અથવા, “જય હો.”
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો! તેને વધસ્તંભે મારી નાખો!”
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો.”
અથવા, “તને વધસ્તંભે મારી નાખવાનો.”
મૂળ અર્થ, “કાઈસાર.”
અથવા, “વિરોધ કરે છે.”
એટલે કે, પથ્થર જડેલી જગ્યા.
અહીં “પાસ્ખા” પાસ્ખાના અઠવાડિયાને બતાવે છે, જેમાં બેખમીર રોટલીના તહેવારનો સમાવેશ થાય છે. એ તહેવાર સાત દિવસનો હતો.
મૂળ અર્થ, “આશરે છઠ્ઠો કલાક [સૂર્યોદય પછી].”
અથવા, “તેને વધસ્તંભે મારી નાખો!”
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, શુક્રવાર.
બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ હંમેશાં સાબ્બાથ ગણાતો. જ્યારે એ દિવસ અઠવાડિયાના સાબ્બાથના દિવસે આવતો ત્યારે એ મોટો સાબ્બાથ કહેવાતો.
એટલે કે, રોમન સમયના આશરે ૧૦૦ શેર.
અથવા, “વધસ્તંભે મારી નાખવામાં.”