યોહાન ૨:૧-૨૫
૨ ગાલીલના કાના ગામમાં ત્રીજા દિવસે લગ્નની મિજબાની હતી અને ઈસુની મા ત્યાં હતી.
૨ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નની મિજબાનીમાં બોલાવવામાં આવ્યા હતા.
૩ દ્રાક્ષદારૂ ખૂટી ગયો ત્યારે, ઈસુની માએ તેમને કહ્યું: “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.”
૪ પરંતુ, ઈસુએ તેને કહ્યું: “એમાં હું શું કરું?* હજુ મારો સમય આવ્યો નથી.”
૫ ઈસુની માએ ચાકરોને કહ્યું: “તે જે કંઈ કહે એ કરજો.”
૬ હવે, શુદ્ધ થવા માટેના યહુદી નિયમો પ્રમાણે, ત્યાં પાણી ભરવાની પથ્થરની છ કોઠીઓ હતી. એ દરેકમાં આશરે ૪૪થી ૬૬ લિટર* પાણી ભરી શકાતું.
૭ ઈસુએ તેઓને કહ્યું: “કોઠીઓ પાણીથી ભરી દો.” એટલે, તેઓએ કોઠીઓ છલોછલ ભરી દીધી.
૮ પછી, તેમણે તેઓને કહ્યું: “હવે એમાંથી થોડું કાઢીને મિજબાનીના કારભારી પાસે લઈ જાઓ.” એટલે, તેઓ એ લઈ ગયા.
૯ મિજબાનીના કારભારીએ પાણી ચાખ્યું, જે હવે દ્રાક્ષદારૂ બની ગયું હતું. તેને ખબર ન હતી કે એ ક્યાંથી આવ્યું હતું (પણ પાણી કાઢી લાવનારા ચાકરો એ જાણતા હતા); મિજબાનીના કારભારીએ વરરાજાને બોલાવ્યો
૧૦ અને તેને કહ્યું: “બીજા લોકો સારો દ્રાક્ષદારૂ પહેલા આપે છે અને લોકો પીધેલા થાય પછી હલકા પ્રકારનો દ્રાક્ષદારૂ આપે છે. તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.”
૧૧ આ રીતે ઈસુએ પોતાના ચમત્કારોની શરૂઆત ગાલીલના કાના ગામમાં કરી અને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમનામાં શ્રદ્ધા મૂકી.
૧૨ એ પછી ઈસુ અને તેમની મા અને તેમના ભાઈઓ અને તેમના શિષ્યો કાપરનાહુમ શહેર ગયા, પણ તેઓ ત્યાં બહુ દિવસો રોકાયા નહિ.
૧૩ હવે, યહુદીઓનો પાસ્ખાનો તહેવાર નજીક હતો અને ઈસુ યરૂશાલેમ ગયા.
૧૪ મંદિરમાં તેમણે ઢોર અને ઘેટા અને કબૂતર વેચનારા જોયા; વળી, ત્યાં નાણાવટીઓને પોતાની બેઠકો પર બેઠેલા જોયા.
૧૫ તેથી, દોરડાંનો ચાબુક બનાવીને તેમણે વેપારીઓને તેઓના ઘેટા અને ઢોરની સાથે મંદિરમાંથી બહાર ભગાડી મૂક્યા; અને તેમણે નાણાં બદલનારાઓના સિક્કા વેરી નાખ્યા અને તેઓની મેજો ઉથલાવી નાખી.
૧૬ અને તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર* ન બનાવો!”
૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે આમ લખેલું છે: “તમારા ઘર માટેનો ઉત્સાહ મારા દિલમાં આગની જેમ ભભૂકી રહ્યો છે.”*
૧૮ એ જોઈને યહુદીઓએ તેમને પૂછ્યું, “આ બધું કરવાનો અધિકાર તને છે, એ બતાવવા તારી પાસે કોઈ નિશાની છે?”
૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”
૨૦ એટલે યહુદીઓએ કહ્યું: “આ મંદિરને બાંધતા ૪૬ વર્ષ લાગ્યાં હતાં અને તું શું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ?”
૨૧ પણ, તે મંદિર કહીને પોતાના શરીરની વાત કરતા હતા.
૨૨ તેમને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોને યાદ આવ્યું કે તે એવું કહેતા હતા; તેઓએ શાસ્ત્રવચન અને ઈસુએ જે કહ્યું હતું એમાં વિશ્વાસ કર્યો.
૨૩ પાસ્ખાના તહેવારના સમયે તે યરૂશાલેમમાં હતા ત્યારે, તેમના ચમત્કારો જોઈને ઘણા લોકોએ તેમના નામમાં શ્રદ્ધા મૂકી.
૨૪ પરંતુ, ઈસુએ તેઓનો ભરોસો કર્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા.
૨૫ મનુષ્ય વિશે કોઈ સાક્ષી આપે એની તેમને જરૂર ન હતી, કેમ કે મનુષ્યના દિલમાં શું છે એની તેમને ખબર હતી.
ફૂટનોટ
^ મૂળ અર્થ, “હે સ્ત્રી, મારે અને તારે શું?” આ કહેવત વાંધો ઉઠાવવાને રજૂ કરે છે. અહીં “સ્ત્રી” શબ્દ અપમાન બતાવતું નથી.
^ મોટે ભાગે પ્રવાહી માપ બાથ હતું; એક બાથ બરાબર ૨૨ લિ. (પ.૮૧ ગે.).
^ અથવા, “વેપારની જગ્યા.”
^ અથવા, “મને કોરી ખાય છે.”