યોહાન ૭:૧-૫૨

  • ઈસુ માંડવાના તહેવારમાં (૧-૧૩)

  • ઈસુ તહેવારમાં શીખવે છે (૧૪-૨૪)

  • ખ્રિસ્ત વિશે અલગ અલગ વિચારો (૨૫-૫૨)

 એ પછી, ઈસુએ ગાલીલમાં મુસાફરી કરવાનું* ચાલુ રાખ્યું; તે યહુદિયામાં મુસાફરી કરવા ચાહતા ન હતા, કારણ કે યહુદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા. ૨  એ વખતે, યહુદીઓનો માંડવાનો તહેવાર* પાસે હતો. ૩  એટલે, ઈસુના ભાઈઓએ તેમને કહ્યું: “અહીંથી નીકળીને યહુદિયા જા, જેથી તું જે કામો કરે છે એ તારા શિષ્યો પણ જુએ. ૪  કેમ કે જે કોઈ માણસ લોકોમાં જાણીતો થવા માગે છે, તે છાની રીતે કંઈ કરતો નથી. તું આ બધું કરે છે તો દુનિયા આગળ પોતાને જાહેર કર.” ૫  હકીકતમાં, તેમના ભાઈઓ તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા. ૬  તેથી, ઈસુએ તેઓને કહ્યું: “મારો સમય હજુ આવ્યો નથી, પણ તમે તો ચાહો એ સમયે જઈ શકો છો. ૭  દુનિયા પાસે કોઈ કારણ નથી કે તમને નફરત કરે, જ્યારે કે દુનિયા મને નફરત કરે છે, કેમ કે એનાં કામો દુષ્ટ છે એવી હું સાક્ષી આપું છું. ૮  તમે તહેવારમાં જાઓ; હું આ તહેવારમાં હમણાં જવાનો નથી, કારણ કે મારો સમય હજુ આવ્યો નથી.” ૯  તેઓને આ બધું જણાવ્યા પછી, તે પોતે ગાલીલમાં જ રહ્યા. ૧૦  પરંતુ, તેમના ભાઈઓ તહેવારમાં ગયા પછી, ઈસુ જાહેરમાં તો નહિ, પણ છાની રીતે ત્યાં ગયા. ૧૧  તહેવારના સમયે યહુદીઓ તેમની શોધ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા: “તે માણસ ક્યાં છે?” ૧૨  તેમના વિશે ટોળાંમાં ઘણી ગુસપુસ થતી હતી. અમુક કહેતા કે, “તે સારો માણસ છે.” પણ બીજાઓ કહેતા કે, “તે સારો માણસ નથી. તે તો ટોળાને ખોટે માર્ગે લઈ જાય છે.” ૧૩  પરંતુ, યહુદીઓની બીકને લીધે, કોઈ તેમના વિશે જાહેરમાં કંઈ કહેતું નહિ. ૧૪  તહેવારના અડધા દિવસો પસાર થઈ ગયા પછી, ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ૧૫  ત્યારે યહુદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં* ભણ્યો નથી, તો પછી તેની પાસે શાસ્ત્રનું* આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” ૧૬  જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે. ૧૭  જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે કરવા ચાહે છે, તેને ખબર પડી જશે કે એ શિક્ષણ ઈશ્વર પાસેથી છે કે મારી પાસેથી. ૧૮  જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે; પણ, જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે, તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી. ૧૯  મુસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું હતું, ખરું ને? પણ, તમારામાંનો એક પણ એ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને કેમ મારી નાખવા માંગો છો?” ૨૦  ટોળાએ જવાબ આપ્યો: “તને દુષ્ટ દૂત વળગ્યો છે. તને કોણ મારી નાખવા માગે છે?” ૨૧  ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું: “મેં એક કામ કર્યું અને તમે બધા નવાઈ પામો છો. ૨૨  પણ, આનો વિચાર કરો: મુસાએ તમને સુન્‍નતનો* નિયમ આપ્યો; એ મુસા પાસેથી તો નહિ, પણ બાપદાદાઓ પાસેથી છે; અને તમે સાબ્બાથના દિવસે માણસની સુન્‍નત કરો છો. ૨૩  મુસાના નિયમશાસ્ત્રનો ભંગ ન થાય એ માટે સાબ્બાથના દિવસે માણસની સુન્‍નત કરી શકાય છે. તો પછી, મેં સાબ્બાથના દિવસે એક માણસને પૂરેપૂરો સાજો કર્યો, એ માટે તમે કેમ ગુસ્સાથી ભડકી ઊઠો છો? ૨૪  બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.” ૨૫  પછી, યરૂશાલેમના અમુક લોકો કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી, જેને તેઓ મારી નાખવા માગે છે? ૨૬  છતાં જુઓ! તે જાહેરમાં બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી. એવું તો નથી ને કે આ જ ખ્રિસ્ત છે એવી આપણા આગેવાનોને પાક્કી ખાતરી થઈ ગઈ છે? ૨૭  આપણે તો જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી છે, જ્યારે કે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણતું નહિ હોય કે તે ક્યાંથી છે.” ૨૮  પછી, ઈસુ મંદિરમાં શીખવતી વખતે પોકારી ઊઠ્યા: “તમે મને ઓળખો છો અને હું ક્યાંથી છું એ તમે જાણો છો. હું મારી પોતાની મરજીથી આવ્યો નથી; પણ, મને મોકલનાર હકીકતમાં છે અને તમે તેમને ઓળખતા નથી. ૨૯  હું તેમને જાણું છું, કારણ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” ૩૦  તેથી, તેઓ ઈસુને પકડવાની તક શોધવા લાગ્યા, પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો. ૩૧  પણ, ટોળામાંથી ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી અને તેઓ આમ કહેતા હતા: “ખ્રિસ્ત આવશે ત્યારે, આ માણસે કર્યા છે એના કરતાં શું વધારે ચમત્કારો કરશે?” ૩૨  ફરોશીઓએ ટોળાને તેમના વિશે અંદરોઅંદર આવી વાતો કરતા સાંભળ્યા; મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમને પકડી લાવવા* સિપાઈઓ મોકલ્યા. ૩૩  ઈસુએ પછી કહ્યું: “હું તમારી સાથે હજુ થોડી વાર છું; પછી, મને મોકલનાર પાસે હું પાછો જઈશ. ૩૪  તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં હોઈશ ત્યાં તમે આવી શકતા નથી.” ૩૫  એટલે, યહુદીઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ માણસનો ઇરાદો ક્યાં જવાનો છે કે તે આપણને મળશે નહિ? શું તે ગ્રીક લોકોમાં વિખેરાઈ ગયેલા યહુદીઓ પાસે જવા ચાહે છે? શું તે ગ્રીક લોકોને શીખવવા માગે છે? ૩૬  તેણે આમ કહ્યું એનો મતલબ શું છે, ‘તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં હોઈશ ત્યાં તમે આવી શકતા નથી’?” ૩૭  તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો. એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. ૩૮  શાસ્ત્રવચન કહે છે તેમ, જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે, ‘તેના અંતરના ઊંડાણમાંથી જીવનનાં પાણીનાં ઝરણાં વહેશે.’” ૩૯  આવું તેમણે પવિત્ર શક્તિ વિશે કહ્યું હતું. એ શક્તિ તેમના પર શ્રદ્ધા મૂકનારાઓને જલદી જ મળવાની હતી; તેઓને એ પવિત્ર શક્તિ હજુ મળી ન હતી, કારણ કે ઈસુને હજુ મહિમાવાન કરવામાં આવ્યા ન હતા. ૪૦  એ સાંભળીને ટોળામાંથી અમુક કહેવા લાગ્યા: “તે સાચે જ પ્રબોધક છે.” ૪૧  બીજાઓએ કહ્યું, “આ તો ખ્રિસ્ત છે.” પરંતુ, કેટલાકે કહ્યું: “શું ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાના? ૪૨  શું શાસ્ત્ર નથી કહેતું કે ખ્રિસ્ત દાઊદના વંશમાંથી અને દાઊદના ગામ, બેથલેહેમમાંથી આવશે?” ૪૩  આમ, ઈસુ વિશે ટોળામાં અંદરોઅંદર ફૂટ પડી. ૪૪  જોકે, તેઓમાંથી અમુક તેમને પકડવા* માંગતા હતા, પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ. ૪૫  પછી, સિપાઈઓ પાછા આવ્યા ત્યારે, મુખ્ય યાજકો અને ફરોશીઓએ પૂછ્યું: “તમે તેને કેમ પકડી લાવ્યા નહિ?” ૪૬  સિપાઈઓએ જવાબ આપ્યો: “તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી.” ૪૭  ફરોશીઓએ કહ્યું: “શું તમે પણ તેની વાતોમાં આવી ગયા? ૪૮  શું એક પણ અધિકારીએ કે ફરોશીએ તેનામાં શ્રદ્ધા મૂકી છે? ૪૯  પરંતુ, નિયમશાસ્ત્ર ન જાણનારું આ ટોળું તો શાપિત છે.” ૫૦  નિકોદેમસ જે પહેલાં ઈસુ પાસે આવ્યો હતો અને ફરોશીઓમાંનો એક હતો, તેણે તેઓને કહ્યું: ૫૧  “કોઈ માણસની વાત સાંભળ્યા વગર અને તે જે કરે છે એ જાણ્યા વગર, શું આપણું નિયમશાસ્ત્ર તેને દોષિત ઠરાવે છે?” ૫૨  જવાબમાં તેઓએ તેને કહ્યું: “શું તું પણ ગાલીલનો છે? તપાસ કર અને જો, ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થવાનો નથી.”*

ફૂટનોટ

અથવા, “ચાલવાનું.”
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, રાબ્બીઓની શાળાઓ.
મૂળ અર્થ, “લખાણો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ધરપકડ કરવા.”
અથવા, “ધરપકડ કરવા.”
કેટલીક જૂની અને ભરોસાપાત્ર હસ્તપ્રતોમાં કલમ ૫૩થી અધ્યાય ૮, કલમ ૧૧ કાઢી નાખવામાં આવી છે.