યોહાન ૯:૧-૪૧
૯ ઈસુએ રસ્તે ચાલતાં ચાલતાં એક માણસને જોયો, જે જન્મથી આંધળો હતો.
૨ તેમના શિષ્યોએ તેમને પૂછ્યું: “ગુરુજી,* કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?”
૩ ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી, પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.
૪ જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ; રાત આવશે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ.
૫ હું દુનિયામાં છું ત્યાં સુધી, હું દુનિયાનો પ્રકાશ છું.”
૬ એ વાતો કહી રહ્યા પછી, તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો; અને તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો.
૭ તેમણે તેને કહ્યું: “જા, શિલોઆહ કુંડમાં ધોઈ નાખ” (શિલોઆહનું ભાષાંતર થાય, “મોકલાયેલો”). ત્યારે તે ગયો અને આંખો ધોઈ અને દેખતો થઈને પાછો આવ્યો.
૮ પછી, તેના પડોશીઓ અને જેઓએ અગાઉ તેને ભીખ માંગતા જોયો હતો, તેઓ કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?”
૯ અમુક કહેતા હતા: “આ એ જ છે.” બીજાઓ કહેતા હતા: “ના, એ તો તેના જેવો દેખાય છે.” તે માણસ કહેતો હતો: “હું એ જ છું.”
૧૦ એટલે, તેઓએ તેને પૂછ્યું: “તો પછી, તું કેવી રીતે દેખતો થયો?”
૧૧ તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો અને મારી આંખો પર લગાડ્યો અને મને કહ્યું, ‘શિલોઆહ જા અને ધોઈ નાખ.’ એટલે, હું ગયો અને આંખો ધોઈ નાખી અને હું દેખતો થયો.”
૧૨ એ સાંભળીને તેઓએ તેને પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.”
૧૩ જે માણસ અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓ પાસે લઈ ગયા.
૧૪ હવે, જે દિવસે ઈસુએ લેપ બનાવીને તે માણસને દેખતો કર્યો હતો, એ સાબ્બાથનો દિવસ હતો.
૧૫ તેથી, આ વખતે ફરોશીઓ પણ એ માણસને પૂછવા લાગ્યા કે તે કઈ રીતે દેખતો થયો. તેણે તેઓને જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો અને મેં આંખો ધોઈ અને હવે હું જોઈ શકું છું.”
૧૬ પછી, અમુક ફરોશીઓ કહેવા લાગ્યા: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.” બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?” આમ, તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી.
૧૭ ફરીથી તેઓએ એ આંધળા માણસને પૂછ્યું: “તેણે તને દેખતો કર્યો હતો, તો પછી તેના વિશે તારું શું કહેવું છે?” તે માણસે કહ્યું: “તે પ્રબોધક છે!”
૧૮ પણ, યહુદીઓ હજુ માનવા તૈયાર ન હતા કે તે માણસ આંધળો હતો અને પાછો દેખતો થયો છે. એટલે, તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં
૧૯ અને પૂછ્યું: “શું આ તમારો દીકરો છે, જેના વિશે તમે કહો છો કે તે જન્મથી આંધળો હતો? તો પછી, હવે તે કઈ રીતે જોઈ શકે છે?”
૨૦ જવાબમાં, તેનાં માબાપે કહ્યું: “અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો.
૨૧ પરંતુ, અમે એ જાણતા નથી કે હવે તે કઈ રીતે દેખતો થયો; અમે એ પણ જાણતા નથી કે તેને કોણે દેખતો કર્યો. તેને જ પૂછો. તે પુખ્ત ઉંમરનો છે. તે જ પોતાના માટે જવાબ આપશે.”
૨૨ તેનાં માબાપે યહુદીઓથી ડરીને આવું કહ્યું; યહુદીઓએ અગાઉથી નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારે, તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.*
૨૩ એટલે, તેનાં માબાપે કહ્યું હતું: “તે પુખ્ત ઉંમરનો છે. તેને જ પૂછો.”
૨૪ તેથી, અગાઉ આંધળો હતો એ માણસને તેઓએ બીજી વાર બોલાવ્યો અને તેને કહ્યું: “ઈશ્વરની આગળ સાચું બોલ; અમે જાણીએ છીએ કે એ માણસ પાપી છે.”
૨૫ એ માણસે જવાબ આપ્યો: “તે પાપી છે કે નહિ, એ હું નથી જાણતો. હું તો એટલું જાણું છું કે હું આંધળો હતો, પણ હવે જોઈ શકું છું.”
૨૬ પછી, તેઓએ તેને પૂછ્યું: “તેણે તને શું કર્યું? તેણે તને કઈ રીતે દેખતો કર્યો?”
૨૭ તેણે તેઓને જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું તો ખરું, છતાં તમે સાંભળ્યું નહિ. તમે કેમ પાછું સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો બનવા ચાહો છો કે શું?”
૨૮ એ સાંભળીને તેઓએ તેનું અપમાન કરતા કહ્યું: “તું એ માણસનો શિષ્ય છે, અમે તો મુસાના શિષ્યો છીએ.
૨૯ અમને ખબર છે કે ઈશ્વરે મુસા સાથે વાત કરી હતી, પણ આ માણસ ક્યાંથી આવ્યો છે, એની અમને ખબર નથી.”
૩૦ એ માણસે તેઓને જવાબ આપ્યો: “આ તો ખરેખર નવાઈની વાત કહેવાય! તેમણે મને દેખતો કર્યો તોપણ તમે જાણતા નથી કે તે ક્યાંથી આવ્યા છે.
૩૧ આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી, પણ જો કોઈ ઈશ્વરનો ડર રાખે અને તેમની ઇચ્છા પૂરી કરે, તો ઈશ્વર તેનું સાંભળે છે.
૩૨ એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસને કોઈએ દેખતો કર્યો હોય.
૩૩ જો તે ઈશ્વર પાસેથી આવ્યા ન હોત, તો કંઈ જ કરી શક્યા ન હોત.”
૩૪ જવાબમાં તેઓએ તેને કહ્યું: “તું તો પૂરેપૂરો પાપમાં જન્મેલો છે અને પાછો અમને શીખવે છે?” અને તેઓએ તેને બહાર કાઢી મૂક્યો!*
૩૫ ઈસુએ સાંભળ્યું કે તેઓએ તેને કાઢી મૂક્યો છે; એટલે, ઈસુ તેને મળ્યા અને પૂછ્યું: “શું તું માણસના દીકરા પર શ્રદ્ધા મૂકે છે?”
૩૬ એ માણસે પૂછ્યું: “સાહેબ, મને કહો કે તે કોણ છે, જેથી હું તેમના પર શ્રદ્ધા મૂકું?”
૩૭ ઈસુએ તેને કહ્યું: “તેં તેને જોયો છે અને હમણાં તારી સાથે વાત કરનાર તે જ છે.”
૩૮ તેણે કહ્યું: “પ્રભુ, હું તેમનામાં શ્રદ્ધા મૂકું છું.” અને તે તેમની આગળ ઘૂંટણે પડ્યો.
૩૯ પછી, ઈસુએ કહ્યું: “હું આ ન્યાયચુકાદો આપવા દુનિયામાં આવ્યો છું, જેથી જેઓ આંધળા છે તેઓ જોઈ શકે અને જેઓ જુએ છે તેઓ આંધળા થાય.”
૪૦ જે ફરોશીઓ તેમની પાસે ઊભા હતા તેઓએ આ સાંભળ્યું; એટલે, તેઓએ તેમને પૂછ્યું: “શું અમે પણ આંધળા છીએ?”
૪૧ ઈસુએ તેઓને કહ્યું: “તમે આંધળા હોત તો, તમારામાં કોઈ પાપ ન હોત. પણ, હવે તમે કહો છો કે, ‘અમે જોઈએ છીએ,’ એ માટે તમારું પાપ કાયમ રહે છે.”
ફૂટનોટ
^ હિબ્રૂમાં, રાબ્બી.
^ સભાસ્થાનમાંથી કાઢી મૂકવાનો અર્થ થતો, યહુદી સમાજમાંથી પૂરેપૂરા નાતબહાર કરવું.