લૂક ૧૧:૧-૫૪

  • કઈ રીતે પ્રાર્થના કરવી (૧-૧૩)

    • નમૂનાની પ્રાર્થના (૨-૪)

  • ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢવામાં આવ્યા (૧૪-૨૩)

  • ખરાબ દૂત પાછો ફરે છે (૨૪-૨૬)

  • સાચી ખુશી (૨૭, ૨૮)

  • યૂનાની નિશાની (૨૯-૩૨)

  • શરીરનો દીવો (૩૩-૩૬)

  • ધાર્મિક ઢોંગીઓને અફસોસ (૩૭-૫૪)

૧૧  હવે, તે એક જગ્યાએ પ્રાર્થના કરી રહ્યા હતા; એ પૂરી થઈ પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું: “પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો, જેમ યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું.” ૨  તેથી, તેમણે તેઓને કહ્યું: “જ્યારે પણ તમે પ્રાર્થના કરો, ત્યારે કહો: ‘પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.* તમારું રાજ્ય આવો. ૩  દિવસની જરૂરી રોટલી રોજ અમને આપો. ૪  અમારાં પાપ* માફ કરો, કેમ કે અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારા* દરેકને માફ કર્યા છે અને અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ.’”* ૫  પછી, તેમણે તેઓને કહ્યું: “ધારો કે તમારામાંના એકને મિત્ર છે, જેની પાસે અડધી રાતે તમે જાઓ છો અને તેને કહો છો, ‘દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ; ૬  કેમ કે મુસાફરીમાં નીકળેલો મારો એક મિત્ર હમણાં જ મારી પાસે આવ્યો છે અને તેને આપવા માટે મારી પાસે કંઈ નથી.’ ૭  પણ ઘરમાલિક જણાવે છે: ‘મને હેરાન ન કર. બારણે ક્યારનું તાળું લગાવી દીધું છે અને મારાં બાળકો મારી સાથે પથારીમાં છે. હું ઊઠીને તને કંઈ આપી શકું એમ નથી.’ ૮  હું તમને કહું છું, ભલે તમારો મિત્ર હોવાને લીધે તે ઊઠીને તમને કંઈ નહિ આપે, પણ તમારા સતત આગ્રહને લીધે તે ઊઠીને તમને જે કંઈ જોઈતું હશે એ આપશે. ૯  એટલે હું તમને જણાવું છું, માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે. ૧૦  કારણ કે જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે. ૧૧  સાચે જ, તમારામાં એવો કયો પિતા છે કે જેનો દીકરો માછલી માંગે તો, તેને માછલીને બદલે સાપ આપશે? ૧૨  અથવા જો તે ઈંડું માંગે, તો તેને વીંછી આપશે? ૧૩  એ માટે, પાપી હોવા છતાં જો તમે તમારાં બાળકોને સારી ભેટો આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને એથીયે વધારે આપશે એમાં શી શંકા!” ૧૪  ત્યાર બાદ મૂંગો કરી દેતા દુષ્ટ દૂતને તેમણે એક માણસમાંથી કાઢ્યો. દુષ્ટ દૂત નીકળ્યા પછી એ મૂંગો માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો. ૧૫  પણ, તેઓમાંના અમુકે કહ્યું: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.” ૧૬  બીજાઓ તેમની કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા. ૧૭  તેઓના વિચારો જાણીને તેમણે તેઓને કહ્યું: “દરેક રાજ્ય જેમાં અંદરોઅંદર ભાગલા પડે છે એનું પતન થાય છે અને દરેક ઘર જેમાં અંદરોઅંદર ભાગલા પડે છે એ પડી ભાંગે છે. ૧૮  એ જ રીતે, જો શેતાનના પોતાનામાં જ ભાગલા પડ્યા હોય, તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે? કેમ કે તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢું છું. ૧૯  જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૦  પણ, જો હું ઈશ્વરની શક્તિથી* દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો ખરેખર ઈશ્વરનું રાજ્ય અચાનક તમારી પાસે આવી પહોંચ્યું છે. ૨૧  જ્યારે બળવાન, હથિયારબંધ માણસ પોતાના ઘરનું રક્ષણ કરે છે, ત્યારે તેની ચીજ-વસ્તુઓ સલામત રહે છે. ૨૨  પણ, તેનાથી કોઈ વધારે બળવાન તેની સામે આવીને તેને હરાવે છે ત્યારે, તેણે ભરોસો મૂકેલાં તેનાં બધાં હથિયારો પેલો માણસ છીનવી લે છે અને તેની પાસેથી લીધેલી વસ્તુઓ બીજાઓને વહેંચી દે છે. ૨૩  જે કોઈ મારી બાજુ નથી, એ મારી વિરુદ્ધ છે અને જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી, તે વિખેરી નાખે છે. ૨૪  “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને આરામની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે; પણ, કોઈ જગ્યા ન મળવાથી તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો એમાં પાછો જઈશ.’ ૨૫  અને ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ચોખ્ખું કરેલું તથા સજાવેલું છે. ૨૬  પછી, તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ, બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં પેસીને તેઓ ત્યાં રહે છે. આમ, એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.” ૨૭  હવે, તે આ વાતો કહી રહ્યા હતા ત્યારે, ટોળામાંથી એક સ્ત્રીએ પોકારીને તેમને કહ્યું: “ધન્ય છે એ સ્ત્રીને જેણે તને જન્મ આપ્યો અને ધવડાવ્યો!” ૨૮  પણ તેમણે કહ્યું: “ના, એના કરતાં ધન્ય છે તેઓને, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” ૨૯  જ્યારે લોકો ટોળે વળવા લાગ્યા, ત્યારે તેમણે કહેવાનું શરૂ કર્યું: “આ પેઢી તો દુષ્ટ પેઢી છે; એ નિશાની શોધે છે, પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ. ૩૦  કેમ કે જેમ યૂના નીનવેહના લોકો માટે નિશાની બન્યા, તેમ આ પેઢી માટે માણસનો દીકરો બનશે. ૩૧  દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢીના લોકો સાથે ઉઠાડવામાં આવશે અને તે એને દોષિત ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડેથી સુલેમાનનું ડહાપણ સાંભળવા આવી હતી. પણ જુઓ! અહીં સુલેમાન કરતાં મહાન કોઈ છે. ૩૨  નીનવેહના લોકો ન્યાયના દિવસે આ પેઢી સાથે ઊઠશે અને તેઓ એને દોષિત ઠરાવશે; કેમ કે યૂનાએ કરેલા પ્રચારને લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો. પણ જુઓ! અહીં યૂના કરતાં મહાન કોઈ છે. ૩૩  દીવો સળગાવીને વ્યક્તિ એને સંતાડતી નથી કે ટોપલા* નીચે મૂકતી નથી પણ દીવી પર મૂકે છે, જેથી જેઓ ઘરમાં આવે તેઓને અજવાળું મળી શકે. ૩૪  શરીરનો દીવો તમારી આંખ છે. જ્યારે તમારી આંખ એક જ બાબત પર લાગેલી* હોય છે, ત્યારે તમારું આખું શરીર પણ પ્રકાશથી ભરેલું હોય છે; પણ જ્યારે તમારી આંખ દુષ્ટ* બાબતો પર લાગેલી હોય છે, ત્યારે તમારું શરીર પણ અંધકારથી ભરેલું હોય છે. ૩૫  તેથી, સાવચેત રહો, તમારામાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય. ૩૬  એ માટે, જો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેના કોઈ ભાગમાં અંધારું ન હોય, તો દીવો તેના પ્રકાશથી તમને અજવાળું આપે છે તેમ આખું શરીર પ્રકાશિત થઈ જશે.” ૩૭  તેમણે આ કહ્યું એ સમયે, એક ફરોશીએ તેમને પોતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું. એટલે, તે અંદર ગયા અને મેજને અઢેલીને બેઠા. ૩૮  જોકે, ફરોશી એ જોઈને અચંબો પામ્યો કે તેમણે જમતા પહેલાં હાથ ધોયા ન હતા.* ૩૯  પણ, પ્રભુએ તેને કહ્યું: “હવે, તમે ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદર તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો. ૪૦  ઓ મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું છે, તેમણે અંદરનું પણ નથી બનાવ્યું શું? ૪૧  પરંતુ, તમારા દિલમાં જે હોય એ પ્રમાણે દાનો આપો અને જુઓ! તમે બધી બાબતોમાં શુદ્ધ થશો. ૪૨  પણ ઓ ફરોશીઓ, તમને અફસોસ, કારણ કે તમે ફૂદીના, સિતાબ અને બીજી બધી શાકભાજીનો દસમો ભાગ આપો છો, પણ ઈશ્વરના ન્યાય અને પ્રેમનો અનાદર કરો છો! પહેલી બાબતો પાળવા તમે બંધાયેલા છો, પણ પછીની વાતો પડતી ન મૂકો. ૪૩  ઓ ફરોશીઓ, તમને અફસોસ, કારણ કે તમને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને બજારોમાં સલામો સ્વીકારવી ગમે છે! ૪૪  તમને અફસોસ, કેમ કે તમે દેખાતી નથી એવી કબરો* જેવા છો, જેના પર માણસો ચાલે છે અને તેઓને ખબર પડતી નથી!” ૪૫  જવાબમાં નિયમશાસ્ત્રના પંડિતોમાંના એકે તેમને કહ્યું: “શિક્ષક, આ વાતો કહીને તમે અમારું પણ અપમાન કરો છો.” ૪૬  ત્યારે તેમણે કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ, કારણ કે તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો અઘરો છે, પણ તમે પોતે એ બોજાને એક આંગળીયે અડાડતા નથી! ૪૭  “તમને અફસોસ, કારણ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ તેઓને મારી નાખ્યા હતા! ૪૮  ચોક્કસ, તમે તમારા બાપદાદાનાં કામોના સાક્ષી છો અને તોપણ તમે એને સંમતિ આપો છો, કારણ કે તેઓએ પ્રબોધકોને મારી નાખ્યા અને તમે તેઓની કબરો બાંધો છો. ૪૯  એટલા માટે, ઈશ્વરે પોતાના ડહાપણમાં એમ પણ કહ્યું: ‘હું તેઓની પાસે પ્રબોધકો અને પ્રેરિતો મોકલીશ, જેઓમાંના અમુકને તેઓ મારી નાખશે તથા ત્રાસ ગુજારશે, ૫૦  જેથી દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી વહેવડાવેલા બધા પ્રબોધકોના લોહીનો આરોપ આ પેઢી પર લગાડવામાં આવે; ૫૧  હાબેલના લોહીથી લઈને છેક ઝખાર્યા સુધી, જેમને વેદી અને પવિત્ર સ્થાનની વચ્ચે મારી નાખવામાં આવ્યા હતા.’ હા, હું તમને કહું છું, આ પેઢી પર આરોપ લગાડવામાં આવશે. ૫૨  “તમે જેઓ નિયમશાસ્ત્રના પંડિત છો, તમને અફસોસ! કારણ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે. તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે અટકાવો છો!” ૫૩  પછી, જ્યારે તે ત્યાંથી નીકળ્યા ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને ચારે બાજુથી ઘેરી વળ્યા અને તેમના પર સવાલોનો મારો ચલાવ્યો; ૫૪  તેઓ લાગ જોતા હતા કે તે એવું કંઈ કહે, જે તેમની વિરુદ્ધ વાપરી શકાય.

ફૂટનોટ

અથવા, “પવિત્ર રખાય; પવિત્ર ગણાય.”
મૂળ અર્થ, “દેવું.”
મૂળ અર્થ, “દેવાદારો.”
મૂળ અર્થ, “અમને પરીક્ષણમાં ન લાવો.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “ઈશ્વરની આંગળી.”
અનાજ જેવી સૂકી વસ્તુઓ માપવા વપરાતો ટોપલો.
અથવા, “ચોખ્ખી.” મૂળ અર્થ, “સાદી.”
અથવા, “ઈર્ષાળુ.” મૂળ અર્થ, “ખરાબ.”
એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ ન કરવું.
અથવા, “સૌથી સારી.”
અથવા, “નિશાની વગરની કબરો.”
માથ ૧૩:૩૫ની ફૂટનોટ જુઓ.