લૂક ૧૩:૧-૩૫

  • પસ્તાવો કરો અથવા નાશ પામો (૧-૫)

  • ફળ વિનાના અંજીરના ઝાડનું ઉદાહરણ (૬-૯)

  • સાબ્બાથે અપંગ સ્ત્રીને સાજી કરાઈ (૧૦-૧૭)

  • રાઈના દાણાનું અને ખમીરનું ઉદાહરણ (૧૮-૨૧)

  • સાંકડા બારણેથી અંદર જવા મહેનત કરવી પડશે (૨૨-૩૦)

  • ‘એ શિયાળ,’ હેરોદ (૩૧-૩૩)

  • ઈસુ યરૂશાલેમ વિશે વિલાપ કરે છે (૩૪, ૩૫)

૧૩  એ સમયે હાજર હતા, તેઓમાંથી અમુકે ઈસુને અહેવાલ આપ્યો કે ગાલીલના કેટલાક માણસો બલિદાન ચઢાવતા હતા ત્યારે, પીલાતે તેઓની કતલ કરી નાખી. ૨  જવાબમાં તેમણે તેઓને કહ્યું: “તેઓની આવી દશા થઈ, એટલે શું તમને એમ લાગે છે કે એ ગાલીલીઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા? ૩  ના, હું તમને જણાવું છું, જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે. ૪  અથવા શું તમે એમ વિચારો છો કે જે ૧૮ લોકો પર શિલોઆહમાં બુરજ પડ્યો અને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે દોષિત હતા? ૫  ના, હું તમને જણાવું છું કે જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે.” ૬  પછી, તે આ ઉદાહરણ જણાવવા લાગ્યા: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું અને તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું. ૭  ત્યાર બાદ, તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વર્ષથી હું આ અંજીરના ઝાડ પરથી ફળ શોધતો આવ્યો છું, પણ એકેય મળ્યું નથી. એને કાપી નાખ! એ જમીન કેમ નકામી રોકે છે?’ ૮  જવાબમાં તેણે તેને કહ્યું, ‘માલિક, હજુ એક વર્ષ એને રહેવા દો, ત્યાં સુધી હું એની આસપાસ ખોદું અને એમાં ખાતર નાખું. ૯  જો ભાવિમાં એને ફળ આવે તો ઘણું સારું; પણ જો એમ ન થાય તો પછી કપાવી નાખજો.’” ૧૦  હવે, સભાસ્થાનોમાંના એકમાં તે સાબ્બાથના દિવસે શીખવી રહ્યા હતા. ૧૧  અને જુઓ! ત્યાં એક સ્ત્રી હતી, જેને દુષ્ટ દૂત* વળગેલો હોવાથી ૧૮ વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી અને જરાય સીધી ઊભી રહી શકતી ન હતી. ૧૨  જ્યારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને બોલાવીને કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.” ૧૩  તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરને મહિમા આપવા લાગી. ૧૪  પરંતુ, ઈસુએ સાબ્બાથના દિવસે તેને સાજી કરી હોવાથી, સભાસ્થાનના મુખ્ય અધિકારીએ રોષે ભરાઈને ટોળાને કહ્યું: “છ દિવસો છે જ્યારે કામ કરવું જોઈએ; એટલે એ દિવસોમાં આવો અને સાજા થાઓ, સાબ્બાથના દિવસે નહિ.” ૧૫  જોકે, પ્રભુએ જવાબ આપ્યો: “ઓ ઢોંગીઓ, શું તમારામાંનો દરેક સાબ્બાથના દિવસે ગભાણમાંથી પોતાનો બળદ અથવા પોતાનો ગધેડો છોડીને પાણી પાવા લઈ જતો નથી? ૧૬  આ સ્ત્રી, જે ઈબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને ૧૮ વર્ષથી બાંધી રાખી છે, તેને શું સાબ્બાથના દિવસે આ બંધનમાંથી છોડાવવી ન જોઈએ?” ૧૭  તેમણે આ વાતો કહી ત્યારે, તેમના બધા વિરોધીઓ શરમ અનુભવવા લાગ્યા, પણ તેમણે કરેલાં મહિમાવંત કામો માટે આખું ટોળું આનંદ કરવા લાગ્યું. ૧૮  તેથી, તે કહેવા લાગ્યા: “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની સાથે સરખાવી શકું? ૧૯  એ રાઈના બી જેવું છે, જે એક માણસે લીધું અને પોતાના બાગમાં રોપ્યું અને એ ઊગ્યું ને ઝાડ થયું; પછી, આકાશનાં પક્ષીઓએ એની ડાળીઓ પર માળા બાંધ્યા.” ૨૦  ફરીથી તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવી શકું? ૨૧  એ ખમીર જેવું છે, જે એક સ્ત્રીએ લીધું અને ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું, જેનાથી બધા લોટમાં આથો ચડી ગયો.” ૨૨  યરૂશાલેમ જતા રસ્તામાં, ઈસુ શહેરેશહેર તથા ગામેગામ લોકોને શીખવતા ગયા. ૨૩  હવે, એક માણસે તેમને કહ્યું: “પ્રભુ, શું ઉદ્ધાર પામનારા બહુ થોડા છે?” તેમણે તેઓને કહ્યું: ૨૪  “સાંકડા બારણેથી અંદર જવા તમે સખત મહેનત કરો,* કેમ કે હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ. ૨૫  જ્યારે ઘરમાલિક ઊભો થઈને બારણું બંધ કરશે, ત્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખખડાવતા કહેશો, ‘પ્રભુ, અમારા માટે બારણું ખોલો.’ પણ, જવાબમાં તે તમને કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી.’ ૨૬  પછી, તમે કહેવા લાગશો: ‘અમે તમારી સાથે ખાધું અને પીધું અને તમે અમારા મુખ્ય રસ્તાઓ પર શીખવ્યું.’ ૨૭  પરંતુ, તે તમને કહેશે, ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી. દુષ્ટ કામો કરનારાઓ, તમે બધા મારી પાસેથી દૂર જાઓ!’ ૨૮  તમે જ્યારે ઈબ્રાહીમ, ઇસહાક, યાકૂબ અને સર્વ પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે રડશો અને દાંત પીસશો. ૨૯  વધુમાં, પૂર્વ અને પશ્ચિમથી, ઉત્તર અને દક્ષિણથી લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં મેજને ટેકવીને બેસશે. ૩૦  અને જુઓ! અમુક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને અમુક જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.” ૩૧  એ જ ઘડીએ અમુક ફરોશીઓ આવ્યા અને ઈસુને કહ્યું: “બહાર નીકળો, અહીંથી જતા રહો, કારણ કે હેરોદ તમને મારી નાખવા માંગે છે.” ૩૨  તેમણે તેઓને કહ્યું: “જાઓ અને એ શિયાળને કહો, ‘જો, આજે અને કાલે હું દુષ્ટ દૂતો કાઢું છું અને લોકોને સાજા કરું છું અને ત્રીજા દિવસે હું મારું કામ પૂરું કરીશ.’ ૩૩  તેમ છતાં, મારે આજે, કાલે અને પરમ દિવસે યરૂશાલેમની મારી મુસાફરી ચાલુ રાખવાની છે, કારણ કે યરૂશાલેમની બહાર પ્રબોધકને મારી નાખવામાં આવે એવું બની ન શકે.* ૩૪  યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર; જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પરંતુ, તમે એવું ચાહ્યું નહિ. ૩૫  જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે. હું તમને જણાવું છું, જ્યાં સુધી તમે નહિ કહો કે, ‘યહોવાના* નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે!’ ત્યાં સુધી તમે મને જોવા નહિ પામો.”

ફૂટનોટ

અથવા, “અપંગ કરી નાખતો દુષ્ટ દૂત.”
માથ ૧૩:૩૩ની ફૂટનોટ જુઓ.
મૂળ અર્થ, “લડત આપવી.”
અથવા, “એવું કલ્પી ન શકાય.”
શબ્દસૂચિ જુઓ.