લૂક ૧૬:૧-૩૧

  • બેઇમાન કારભારીનું ઉદાહરણ (૧-૧૩)

    • ‘થોડામાં વિશ્વાસુ, તે ઘણામાં વિશ્વાસુ’ (૧૦)

  • નિયમશાસ્ત્ર અને ઈશ્વરનું રાજ્ય (૧૪-૧૮)

  • અમીર માણસ અને લાજરસનું ઉદાહરણ (૧૯-૩૧)

૧૬  પછી, તેમણે પોતાના શિષ્યોને પણ જણાવ્યું: “એક અમીર માણસ પાસે કારભારી* હતો, જેના પર તેની વસ્તુઓ વેડફી દેવાનો આરોપ હતો. ૨  એટલે, અમીરે તેને બોલાવ્યો અને કહ્યું, ‘આ તારા વિશે હું શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ આપી દે, કેમ કે હવેથી તું ઘરનો કારભાર કરીશ નહિ.’ ૩  પછી, કારભારીએ પોતાને કહ્યું, ‘મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લેશે તો, હું શું કરીશ? ખોદી શકું એટલો હું બળવાન નથી અને ભીખ માંગવાની મને શરમ આવે છે. ૪  હા! હું શું કરીશ એ મને ખબર છે, જેથી મારી પાસેથી કારભાર લઈ લેવામાં આવે ત્યારે, લોકો તેઓનાં ઘરોમાં મારો આવકાર કરે.’ ૫  તેણે પોતાના માલિકના દેવાદારોને એક પછી એક પોતાની પાસે બોલાવ્યા; તેણે પહેલાને કહ્યું: ‘તારે મારા માલિકને કેટલું દેવું ભરી આપવાનું છે?’ ૬  તેણે જવાબ આપ્યો, ‘સો માપ* જૈતૂન તેલ.’ તેણે તેને કહ્યું, ‘તારું કરારનામું પાછું લે અને બેસીને જલદી ૫૦ લખી નાખ.’ ૭  પછી, તેણે બીજા એકને કહ્યું, ‘હવે તું કહે, તારું દેવું કેટલું છે?’ તેણે કહ્યું, ‘સો મોટાં માપ* ઘઉં.’ તેણે તેને કહ્યું, ‘તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.’ ૮  અને તે બેઇમાન હોવા છતાં તેના માલિકે તેની પ્રશંસા કરી, કેમ કે તે હોશિયારીથી વર્ત્યો હતો;* આ દુનિયાના* દીકરાઓ પોતાની પેઢી સાથેના વર્તનમાં પ્રકાશના દીકરાઓ કરતાં વધારે હોશિયાર છે. ૯  “ઉપરાંત, હું તમને કહું છું: તમે આ બેઇમાન દુનિયાની સંપત્તિ વડે તમારા માટે મિત્રો બનાવી લો, જેથી સંપત્તિ પૂરી થઈ જાય ત્યારે, તેઓ હંમેશ માટેનાં ઘરોમાં તમારો આવકાર કરે. ૧૦  જે વ્યક્તિ થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે વ્યક્તિ થોડામાં બેઇમાન છે, તે ઘણામાં પણ બેઇમાન છે. ૧૧  એટલા માટે, જો તમે બેઇમાન દુનિયાની સંપત્તિ વિશે પોતાને વિશ્વાસુ સાબિત કરતા નથી, તો જે ખરી સંપત્તિ છે એ વિશે તમારા પર કોણ વિશ્વાસ મૂકશે? ૧૨  જો તમે જે બીજાનું છે, એ વિશે વિશ્વાસુ સાબિત થતા નથી, તો પછી કોણ તમને તમારા માટે કંઈક આપશે? ૧૩  કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” ૧૪  હવે, ફરોશીઓ જેઓ પૈસાના પ્રેમી હતા, તેઓ આ બધી વાતો સાંભળી રહ્યા હતા અને તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા. ૧૫  તેથી, તેમણે તેઓને કહ્યું: “તમે એવા છો જેઓ પોતાને માણસો આગળ નીતિમાન જાહેર કરો છો, પણ ઈશ્વર તમારા હૃદયો જાણે છે; કેમ કે માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે. ૧૬  “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતા; ત્યારથી ઈશ્વરના રાજ્યને ખુશખબર તરીકે જાહેર કરવામાં આવે છે અને દરેક પ્રકારની વ્યક્તિ એમાં જવા પૂરા જોશથી પ્રયત્ન કરે છે. ૧૭  સાચે જ, આકાશ તથા પૃથ્વી ભલે સહેલાઈથી જતા રહે, પણ નિયમશાસ્ત્રના અક્ષરની એક માત્રા પણ પૂરી થયા વગર જતી નહિ રહે. ૧૮  “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર* કરે છે અને પતિથી છૂટાછેડા પામેલી સ્ત્રીને* જે કોઈ પરણે છે, તે વ્યભિચાર* કરે છે. ૧૯  “એક અમીર માણસ હતો, જે જાંબુડિયા રંગનાં કીમતી કપડાં* પહેરતો હતો; તે દરરોજ સુખસાહેબી માણતો હતો. ૨૦  પણ, લાજરસ નામના એક ભિખારીને તેના દરવાજે લાવવામાં આવતો હતો, જેનું આખું શરીર ગૂમડાંથી ભરેલું હતું ૨૧  અને અમીર માણસની મેજ પરથી પડતા ટુકડાથી પેટ ભરવા તે તરસતો હતો. અરે, કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં. ૨૨  હવે, સમય જતાં એ ભિખારી મરણ પામ્યો અને દૂતો તેને ઈબ્રાહીમની પાસે લઈ ગયા.* “અમીર માણસ પણ મરણ પામ્યો અને તેને દાટવામાં આવ્યો. ૨૩  તે પીડાતો હતો અને તેણે કબરમાંથી* નજર ઉઠાવીને દૂર ઈબ્રાહીમને જોયા અને લાજરસ તેમની પાસે હતો.* ૨૪  તેથી, તેણે બૂમ પાડી અને કહ્યું, ‘પિતા ઈબ્રાહીમ, મારા પર દયા કરો અને લાજરસને મોકલો, જેથી તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભ ઠંડી કરે, કેમ કે હું આ ધગધગતી આગમાં પીડાઈ રહ્યો છું.’ ૨૫  પરંતુ, ઈબ્રાહીમે કહ્યું, ‘દીકરા, યાદ કર, તેં જીવનભર સારી વસ્તુઓની મજા માણી છે, પણ લાજરસને ભાગે ખરાબ વસ્તુઓ આવી હતી. જોકે હવે, તેને અહીં દિલાસો આપવામાં આવે છે, પણ તું પીડાઈ રહ્યો છે. ૨૬  અને આ બધા સિવાય, અમારી અને તારી વચ્ચે મોટી ખાઈ રાખવામાં આવી છે; એટલે, જેઓ અહીંથી તારી બાજુ જવા ચાહે તેઓ જઈ શકતા નથી કે પછી ત્યાંથી લોકો અમારી બાજુ આવી શકતા નથી.’ ૨૭  ત્યારે તેણે કહ્યું, ‘જો એવું હોય તો હે પિતા, હું તમને વિનંતી કરું છું કે તેને મારા પિતાને ઘરે મોકલો, ૨૮  કારણ કે મારે પાંચ ભાઈઓ છે; તે તેઓને પૂરી માહિતી આપે, જેથી તેઓએ પણ અહીં પીડાના સ્થળે આવવું ન પડે.’ ૨૯  પણ ઈબ્રાહીમે કહ્યું, ‘તેઓ પાસે મુસા અને પ્રબોધકો છે, તેઓને એ લોકોનું સાંભળવા દે.’ ૩૦  ત્યારે તેણે કહ્યું, ‘ના, એવું નહિ પિતા ઈબ્રાહીમ, પણ જો મરણમાંથી ઊઠેલું કોઈ તેઓ પાસે જાય, તો તેઓ પસ્તાવો કરશે.’ ૩૧  પરંતુ, તેમણે તેને કહ્યું, ‘જો તેઓ મુસા અને પ્રબોધકોનું સાંભળતા નથી, તો જો કોઈ મરણમાંથી ઊઠે, તોપણ તેઓ માનવાના નથી.’”

ફૂટનોટ

અથવા, “ઘરની સંભાળ રાખનાર.”
અથવા, “બાથ માપ.” એક બાથ બરાબર ૨૨ લિ. (૫.૮૧ ગે.).
અથવા, “સો કોર માપ.” શબ્દસૂચિમાં “કોર” જુઓ.
અથવા, “ચતુરાઈથી વર્ત્યો હતો; શાણપણથી વર્ત્યો હતો.”
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, લગ્‍નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે જાતીય સંબંધ.
એટલે કે, વ્યભિચારના કારણ સિવાય છૂટાછેડા પામેલી સ્ત્રી.
એટલે કે, લગ્‍નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે જાતીય સંબંધ.
મૂળ અર્થ, “શણનાં કપડાં.”
મૂળ અર્થ, “ઈબ્રાહીમની ગોદમાં.” એનો અર્થ થાય, ખાસ કૃપા મેળવવી.
અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “તેમની ગોદમાં.”