લૂક ૨૪:૧-૫૩

  • ઈસુને સજીવન કરવામાં આવ્યા (૧-૧૨)

  • એમ્મોસના માર્ગે (૧૩-૩૫)

  • ઈસુ શિષ્યોને દેખાયા (૩૬-૪૯)

  • ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા (૫૦-૫૩)

૨૪  પરંતુ, અઠવાડિયાના પહેલા દિવસે, એ સ્ત્રીઓ તૈયાર કરેલા સુગંધી દ્રવ્યો* લઈને કબર પાસે વહેલી સવારે આવી. ૨  પણ, તેઓએ જોયું કે કબર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો; ૩  અને તેઓ એની અંદર ગઈ ત્યારે, તેઓને પ્રભુ ઈસુનું શબ ન મળ્યું. ૪  હજુ તો તેઓ આ વિશે મૂંઝવણમાં હતી એવામાં, જુઓ! ચળકતાં કપડાં પહેરેલા બે માણસ તેમની પાસે ઊભા હતા. ૫  સ્ત્રીઓ ગભરાઈ ગઈ અને નીચું જોઈને ઊભી રહી; તેથી, એ માણસોએ તેઓને કહ્યું: “જે જીવે છે તેમને તમે મરેલાઓમાં શા માટે શોધો છો? ૬  તે અહીં નથી, પણ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જ્યારે તે ગાલીલમાં હતા, ત્યારે તેમણે જે કહ્યું હતું એ યાદ કરો: ૭  માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે અને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે ઉઠાડવામાં આવશે.” ૮  એ સમયે તેઓને ઈસુના શબ્દો યાદ આવ્યા ૯  અને તેઓ કબર પાસેથી પાછી ફરી અને આ બધી માહિતી અગિયારને અને બાકીના શિષ્યોને જણાવી. ૧૦  તેઓ મરિયમ માગદાલેણ, યોહાન્‍ના, યાકૂબની મા મરિયમ હતી. તેમ જ, તેઓની સાથે બાકીની સ્ત્રીઓ પણ આ વાતો પ્રેરિતોને કહી રહી હતી. ૧૧  જોકે, આ બધી વાતો તેઓને નકામી લાગી અને તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ. ૧૨  પરંતુ, પીતર ઊભો થયો અને દોડીને કબર પાસે ગયો, નમીને અંદર જોયું તો તેને ફક્ત શણનાં કપડાં દેખાયાં. તેથી, જે બન્યું એ વિશે પોતે નવાઈ પામતો ચાલ્યો ગયો. ૧૩  પણ જુઓ! એ જ દિવસે, બે શિષ્યો યરૂશાલેમથી આશરે અગિયાર કિલોમીટર* દૂર એમ્મોસ નામના ગામે જઈ રહ્યા હતા; ૧૪  અને જે બધું બન્યું હતું, એ વિશે તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ૧૫  હવે, તેઓ આ બધાની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે, ઈસુ પોતે આવ્યા અને તેઓ સાથે ચાલવા લાગ્યા, ૧૬  પણ તેઓ તેમને ઓળખી શક્યા નહિ. ૧૭  તેમણે તેઓને કહ્યું: “તમે ચાલતાં ચાલતાં એકબીજા સાથે શેના વિશે ઊંડી ચર્ચા કરો છો?” અને તેઓ ઉદાસ ચહેરે ઊભા રહ્યા. ૧૮  ક્લિયોપાસ નામના શિષ્યે તેમને જવાબમાં કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો કોઈ પરદેશી છે અને આ દિવસોમાં ત્યાં જે બન્યું એ વિશે તને કંઈ ખબર નથી?”* ૧૯  તેમણે તેઓને પૂછ્યું: “શું બન્યું હતું?” તેઓએ તેમને કહ્યું: “નાઝરેથના ઈસુ સાથે જે બન્યું એ; તે ઈશ્વર અને સર્વ લોકો સામે કામો અને શબ્દોથી શક્તિશાળી પ્રબોધક સાબિત થયા; ૨૦  અને આપણા મુખ્ય યાજકો અને અધિકારીઓએ તેમને મરણની સજા માટે સોંપી દીધા અને તેઓએ તેમને સ્તંભ પર ખીલા ઠોકીને જડાવી દીધા. ૨૧  પરંતુ, અમે આશા રાખતા હતા કે આ એ જ માણસ છે, જે ઇઝરાયેલને બચાવશે. એ સર્વ ઉપરાંત, એ બધું થયાને આજે ત્રીજો દિવસ થયો છે. ૨૨  વધુમાં, અમારામાંથી અમુક સ્ત્રીઓએ પણ અમને નવાઈમાં મૂકી દીધા; કેમ કે તેઓ વહેલી સવારે કબર પાસે ગઈ ૨૩  અને તેઓને ઈસુનું શબ ન મળ્યું ત્યારે, પાછી આવીને કહેવા લાગી કે તેઓએ દૂતોને પણ જોયા, જેઓએ કહ્યું કે તે જીવતા છે. ૨૪  પછી, અમારી સાથે જેઓ હતા, તેઓમાંના અમુક જણ કબર પાસે ગયા અને જેવું સ્ત્રીઓએ કહ્યું હતું, એવું તેઓને જોવા મળ્યું, પણ તેઓએ ઈસુને જોયા નહિ.” ૨૫  તેથી, તેમણે શિષ્યોને કહ્યું: “ઓ અણસમજુઓ અને પ્રબોધકોએ કહેલી બધી વાતો માનવામાં ઢીલ કરનારાઓ! ૨૬  ખ્રિસ્ત માટે શું એ જરૂરી ન હતું કે તે આ બધું સહન કરે અને પોતાના મહિમામાં પ્રવેશે?” ૨૭  તેમણે પોતાના વિશે મુસાથી લઈને બધા પ્રબોધકોએ જે જે વાતો શાસ્ત્રવચનોમાં લખેલી છે, એ તેઓને સમજાવી. ૨૮  છેવટે, તેઓ એ ગામ નજીક પહોંચ્યા જ્યાં તેઓ જઈ રહ્યા હતા અને ઈસુએ હજુ આગળ જવાના હોય એવો દેખાવ કર્યો. ૨૯  પરંતુ, તેઓએ આમ કહીને તેમને રોકાવા વિનંતી કરી: “અમારી સાથે રોકાઈ જા, કેમ કે સાંજ થવાની તૈયારી છે અને દિવસ પૂરો થવા આવ્યો છે.” એ સાંભળીને તે તેઓની સાથે રોકાઈ ગયા. ૩૦  અને તે તેઓની સાથે જમતા હતા* ત્યારે, તેમણે રોટલી લીધી, આશીર્વાદ માંગ્યો, તોડી અને તેઓને આપવા લાગ્યા. ૩૧  ત્યારે તેઓની આંખો ખુલી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા; પણ તે તેઓની પાસેથી અદૃશ્ય થઈ ગયા. ૩૨  પછી, તેઓએ એકબીજાને કહ્યું: “રસ્તા પર તે આપણી સાથે વાત કરીને આપણને શાસ્ત્રવચનો સ્પષ્ટ રીતે સમજાવતા હતા ત્યારે, શું આપણા હૃદયમાં આનંદ છવાઈ ગયો ન હતો?” ૩૩  એ જ ઘડીએ તેઓ ઊભા થયા અને યરૂશાલેમ પાછા ગયા અને અગિયારને તથા તેઓની સાથે ભેગા થયેલા બીજા શિષ્યોને તેઓ મળ્યા, ૩૪  જેઓએ કહ્યું: “હકીકતમાં, પ્રભુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને તે સિમોનને દેખાયા છે!” ૩૫  પછી, બે શિષ્યોએ રસ્તા પર બનેલી ઘટનાઓ જણાવી અને જે રીતે તેમણે રોટલી તોડી, એ પરથી તેઓ તેમને ઓળખી ગયા, એ જણાવ્યું. ૩૬  તેઓ આ વાતો જણાવતા હતા ત્યારે, ઈસુ પોતે તેઓ વચ્ચે આવીને ઊભા રહ્યા અને તેઓને કહ્યું: “તમને શાંતિ થાઓ.” ૩૭  પણ, તેઓ ગભરાયેલા અને ડરી ગયેલા હોવાથી, તેઓને લાગ્યું કે તેઓ કોઈ દૂતને જોઈ રહ્યા છે. ૩૮  તેથી, તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ડરી ગયા છો અને કેમ તમારા હૃદયોમાં શંકા ઊભી થાય છે? ૩૯  મારા હાથ અને પગ જુઓ, એ તો હું જ છું; મને અડકીને જુઓ, કેમ કે દૂતને હાડ-માંસ હોતા નથી, જ્યારે કે તમે જુઓ છો કે મને છે.” ૪૦  આમ કહીને તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યા. ૪૧  પરંતુ, ઘણી ખુશી અને નવાઈને લીધે હજુ તેઓ માનતા ન હતા ત્યારે, તેમણે તેઓને કહ્યું: “શું અહીં તમારી પાસે ખાવા માટે કંઈ છે?” ૪૨  એટલે, તેઓએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો ૪૩  અને તેમણે એ લીધો અને તેઓની નજર સામે એ ખાધો. ૪૪  પછી, તેમણે તેઓને કહ્યું: “હું હજુ તમારી સાથે હતો ત્યારે, મેં તમને આ શબ્દો કહ્યા હતા કે મુસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા વિશે લખેલી બધી વાતો પૂરી થવી જ જોઈએ.” ૪૫  ત્યાર બાદ, તેઓ શાસ્ત્રવચનોનો અર્થ સમજી શકે એ માટે તેમણે તેઓના મન પૂરી રીતે ખોલી નાખ્યા ૪૬  અને તેમણે તેઓને કહ્યું, “આમ લખેલું છે: ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે ૪૭  અને યરૂશાલેમથી શરૂ કરીને આખી દુનિયામાં તેના નામને આધારે પાપોની માફી માટે પસ્તાવો કરવાનો પ્રચાર થશે. ૪૮  તમે આ વાતોના સાક્ષી થશો. ૪૯  અને જુઓ! મારા પિતાએ જેનું વચન આપ્યું હતું, એ હું તમારા પર મોકલું છું. તોપણ, સ્વર્ગમાંથી શક્તિ તમારા પર આવે નહિ, ત્યાં સુધી તમે આ શહેરમાં રહેજો.” ૫૦  પછી, તે તેઓને છેક બેથનિયા સુધી બહાર લઈ ગયા અને તેમણે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો. ૫૧  તે આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે, તે તેઓથી છૂટા પડ્યા અને ઈશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા. ૫૨  તેઓ તેમની આગળ ઘૂંટણે પડ્યા અને ઘણા આનંદ સાથે યરૂશાલેમ પાછા ફર્યા. ૫૩  અને તેઓએ મંદિરમાં દરરોજ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખ્યું.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
આશરે ૭ માઈલ. મૂળ અર્થ, “૬૦ સ્ટેડિયા.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય.
અથવા કદાચ, “શું તું યરૂશાલેમમાં એક જ એવો મુલાકાતી છે, જેને ખબર નથી?”
અથવા, “મેજ પર અઢેલીને બેઠા હતા.”