૧ કોરીંથીઓ ૧:૧-૩૧
૧ હું પાઊલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* થવા આમંત્રણ પામેલો છું. હું આપણા ભાઈ સોસ્થનેસની સાથે
૨ કોરીંથમાં ઈશ્વરના મંડળને આ પત્ર લખું છું. ખ્રિસ્ત ઈસુના શિષ્યો થવા ઈશ્વરે તમને પવિત્ર કર્યા છે. બીજી જગ્યાએ રહેનારા જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પોકાર કરે છે, તેઓની સાથે તમને પણ પવિત્ર જનો બનવા ઈશ્વરે પસંદ કર્યા છે; ઈસુ ખ્રિસ્ત તેઓના અને આપણા પ્રભુ છે:
૩ ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર અપાર કૃપા અને શાંતિ થાઓ.
૪ ઈશ્વરે ખ્રિસ્ત ઈસુ દ્વારા જે અપાર કૃપા તમારા પર બતાવી છે, એનો હું હંમેશાં ઈશ્વર આગળ આભાર માનું છું.
૫ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાને લીધે બોલવાની પૂરી આવડત અને પૂરા જ્ઞાન સાથે તમે બધી વાતોમાં ભરપૂર આશીર્વાદ મેળવ્યા છે.
૬ ખ્રિસ્ત વિશેની સાક્ષીએ તમને મક્કમ કર્યા છે,
૭ જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની તમે આતુરતાથી રાહ જુઓ છો તેમ, તમને કશાની ખોટ ન પડે.
૮ ઈશ્વર તમને છેલ્લે સુધી એવા અડગ કરશે, જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસે તમે એકદમ નિર્દોષ સાબિત થાઓ.
૯ ઈશ્વર વિશ્વાસપાત્ર છે, જેમણે પોતાના દીકરા, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સહભાગી થવા* તમને આમંત્રણ આપ્યું.
૧૦ હવે ભાઈઓ, હું તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અરજ કરું છું કે તમે બધા એકમતના થાઓ; અને તમારામાં કોઈ ભાગલા ન પડે, પણ તમે એક મનના અને એક વિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.
૧૧ કેમ કે મારા ભાઈઓ, ક્લોએના ઘરના અમુકે મને તમારા વિશે ખબર આપી છે કે તમારામાં ભાગલા પડ્યા છે.
૧૨ મારો કહેવાનો મતલબ એ છે કે તમે દરેક આમ કહો છો: “હું તો પાઊલનો,” “હું તો અપોલોસનો,” “હું તો કેફાસનો,”* “હું તો ખ્રિસ્તનો.”
૧૩ શું ખ્રિસ્તના ભાગલા પડ્યા છે? શું પાઊલને તમારા માટે વધસ્તંભ* પર મારી નાખવામાં આવ્યો હતો? અથવા, તમે શું પાઊલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
૧૪ હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પુસ અને ગાયસ સિવાય તમારામાંથી કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી.
૧૫ એટલે, કોઈ એમ ન કહે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
૧૬ મેં સ્તેફનાસના ઘરના લોકોને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. પણ, એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય, એની મને ખબર નથી.
૧૭ કેમ કે ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, પણ ખુશખબર જણાવવા મોકલ્યો છે; અને મારે એ ભણેલા-ગણેલાની વાણીમાં* જણાવવાની નથી, જેથી ખ્રિસ્તનો વધસ્તંભ નકામો ન થઈ જાય.
૧૮ વિનાશ તરફ જઈ રહેલાઓ માટે વધસ્તંભ વિશેની વાતો મૂર્ખતા છે, પણ ઉદ્ધાર પામી રહેલાઓ, એટલે કે આપણા માટે તો એ ઈશ્વરનું બળ છે.
૧૯ કેમ કે લખેલું છે: “બુદ્ધિશાળી માણસોના ડહાપણનો હું નાશ કરીશ અને જ્ઞાનીઓના જ્ઞાનને હું સ્વીકારીશ નહિ.”*
૨૦ આ દુનિયાના* બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ* ક્યાં છે? દલીલો કરનારા ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે?
૨૧ કેમ કે આ દુનિયાના લોકો પોતાની જ અક્કલ પર ભરોસો રાખતા હોવાથી ઈશ્વરને ઓળખતા નથી. આપણે જે સંદેશાનો પ્રચાર કરીએ છીએ એ ઘણાને નકામો લાગે છે; પણ, આ સંદેશા પર ભરોસો મૂકનારા લોકોને એ સંદેશા દ્વારા બચાવવાનું ઈશ્વરે નક્કી કર્યું છે. આ રીતે ઈશ્વરનું ડહાપણ પ્રગટ થયું છે.
૨૨ યહુદીઓ નિશાનીઓ માંગે છે અને ગ્રીકો ડહાપણ શોધે છે;
૨૩ પણ, અમે વધસ્તંભે ચડાવેલા ખ્રિસ્તને જાહેર કરીએ છીએ, એ વાત યહુદીઓ માટે ઠોકરરૂપ, જ્યારે કે બીજી પ્રજાઓ માટે મૂર્ખતારૂપ છે.
૨૪ પરંતુ, જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, એવા યહુદીઓ અને ગ્રીકો, બંને માટે ખ્રિસ્ત તો ઈશ્વરની તાકાત અને ઈશ્વરનું ડહાપણ છે.
૨૫ કેમ કે લોકો જેને ઈશ્વરની મૂર્ખતા ગણે છે, એ તો માણસોના જ્ઞાન કરતાં ડહાપણભરી છે. અને લોકો જેને ઈશ્વરની નબળાઈ ગણે છે, એ માણસોની તાકાત કરતાં શક્તિશાળી છે.
૨૬ ભાઈઓ, તમને બોલાવવામાં આવ્યા, એના પરથી તમે જોઈ શકો છો કે માણસોનાં ધોરણો પ્રમાણે ઘણા લોકો બુદ્ધિશાળી નથી કે ઘણા લોકો શક્તિશાળી નથી કે ઘણા લોકો ખાનદાન કુટુંબમાં* જન્મેલા નથી.
૨૭ પણ, બુદ્ધિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના મૂર્ખ લોકોને પસંદ કર્યા છે અને શક્તિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના કમજોર લોકોને પસંદ કર્યા છે.
૨૮ ઈશ્વરે દુનિયાના તુચ્છ લોકોને અને જેઓને નીચી નજરે જોવામાં આવે છે, જેઓનું કંઈ મહત્ત્વ નથી એવા લોકોને પસંદ કર્યા છે, જેથી જેઓ મહત્ત્વના ગણાય છે, તેઓને તે નકામા કરી દે.
૨૯ એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની આગળ અભિમાન કરી ન શકે.
૩૦ પણ, ઈશ્વરને લીધે તમે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છો. તે આપણા માટે ઈશ્વર પાસેથી આવતું ડહાપણ અને સત્યતાનો માર્ગ છે; ઈસુ દ્વારા મનુષ્યો પવિત્ર બની શકે છે અને તેમણે જે છુટકારાની કિંમત* ચૂકવી એનાથી મુક્તિ પામી શકે છે.
૩૧ એ માટે કે જેમ લખેલું છે, એમ જ થાય: “જે અભિમાન કરે છે, તેણે યહોવા* વિશે અભિમાન કરવું.”
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “સંગત રાખવા.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “ચતુરાઈ ભરેલી વાણીમાં.”
^ અથવા, “એક બાજુ હડસેલી દઈશ.”
^ અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
^ એટલે કે, નિયમશાસ્ત્રના વિદ્વાન.
^ અથવા, “મહત્ત્વનાં કુટુંબમાં.”
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.