૧ કોરીંથીઓ ૩:૧-૨૩

  • હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪)

  • ઈશ્વર એને વૃદ્ધિ આપે છે (૫-૯)

    • ઈશ્વરના સાથી કામદારો ()

  • આગમાં ટકી રહેનારી વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫)

  • તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭)

  • ઈશ્વરની નજરે દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે (૧૮-૨૩)

 તેથી ભાઈઓ, ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસોની સાથે જેમ વાત કરવી જોઈએ, એમ હું તમારી સાથે વાત કરી શક્યો નહિ; પણ, તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસો હો અને ખ્રિસ્તના માર્ગમાં તમે બાળકો હો, એ રીતે મારે તમારી સાથે વાત કરવી પડી છે. ૨  મેં દૂધથી તમારું પોષણ કર્યું હતું, ભારે ખોરાકથી નહિ, કેમ કે તમે એ પચાવી શકતા ન હતા. હકીકતમાં, તમે અત્યારે પણ એમ કરી શકતા નથી, ૩  કેમ કે તમે હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવો છો. તમારામાં હજુ સુધી અદેખાઈ અને તકરાર હોવાથી, શું તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવતા નથી? અને શું તમે દુનિયાના લોકોની જેમ ચાલતા નથી? ૪  જ્યારે એક કહે છે કે, “હું પાઊલનો છું,” પણ બીજો કહે છે કે, “હું તો અપોલોસનો છું,” ત્યારે તમે દુનિયાના લોકોની જેમ વર્તતા નથી શું? ૫  તો પછી, અપોલોસ કોણ છે? અને પાઊલ કોણ છે? ફક્ત સેવકો, જે દરેકને પ્રભુએ કામ સોંપ્યું છે અને જેઓના દ્વારા તમે ઈસુના શિષ્યો બન્યા છો. ૬  મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ ઈશ્વર એને વૃદ્ધિ આપતા રહે છે. ૭  એટલે, રોપનાર કંઈ નથી અને પાણી પાનાર પણ કંઈ નથી; પરંતુ, એને વૃદ્ધિ આપનાર ઈશ્વર જ બધું છે. ૮  હવે, જે રોપે છે અને જે પાણી પાય છે, તેઓનો ધ્યેય એક જ છે,* પણ દરેક વ્યક્તિને પોતાની મહેનતનું ફળ મળશે. ૯  અમે ઈશ્વરના સાથી કામદારો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો, જેને તે ખેડી રહ્યા છે અને તમે ઈશ્વરની ઇમારત છો. ૧૦  ઈશ્વરની મારા પર થયેલી અપાર કૃપા પ્રમાણે, કુશળ હોય એવા મુખ્ય કારીગર* તરીકે મેં પાયો નાખ્યો છે, પણ બીજું કોઈ એના પર બાંધકામ કરે છે. જોકે, દરેકે ધ્યાન રાખવું કે પોતે કઈ રીતે એના પર બાંધી રહ્યો છે. ૧૧  કેમ કે જે પાયો નાખવામાં આવ્યો છે, એના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી; એ પાયો ઈસુ ખ્રિસ્ત છે. ૧૨  હવે, જો કોઈ માણસ પાયા પર બાંધકામ કરવા સોનું, ચાંદી, કીમતી પથ્થર, લાકડું, સૂકું ઘાસ કે સાંઠા વાપરે, ૧૩  તો દરેકનું કામ કેવું છે એ દેખાઈ આવશે,* કારણ કે કસોટીના દિવસે એ ઉઘાડું પાડવામાં આવશે; એ દિવસે આગ એને ખુલ્લું પાડશે અને દરેકનું બાંધકામ કેવું છે, એ આગ પારખશે. ૧૪  એ પાયા પર જેનું બાંધકામ ટકી રહેશે, તેને બદલો મળશે; ૧૫  જો કોઈનું બાંધકામ બળી જાય તો તેને નુકસાન થશે; તે પોતે તો બચી જશે, પણ આગમાંથી બચી છૂટ્યો હોય એવી તેની હાલત હશે. ૧૬  શું તમે જાણતા નથી કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરની શક્તિ તમારામાં રહે છે? ૧૭  જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે એ મંદિર છો. ૧૮  કોઈ માણસ ભ્રમમાં ન રહે: તમારામાંથી જો કોઈ માનતું હોય કે આ દુનિયામાં* પોતે બુદ્ધિશાળી છે, તો તેણે મૂર્ખ બનવું, જેથી તે સાચે જ બુદ્ધિશાળી બની શકે. ૧૯  આ દુનિયાનું ડહાપણ ઈશ્વરની નજરે મૂર્ખતા છે, કેમ કે લખેલું છે: “તે બુદ્ધિશાળી માણસોને તેઓની જ ચાલાકીમાં સપડાવે છે.” ૨૦  ઉપરાંત, “યહોવા* જાણે છે કે બુદ્ધિશાળી માણસોની દલીલો વ્યર્થ છે.” ૨૧  એટલે, કોઈએ માણસોનાં કામો વિશે બડાઈ મારવી નહિ. ઈશ્વરે આપેલું બધું જ તમારું છે, ૨૨  ભલે એ પાઊલ કે અપોલોસ કે કેફાસ* હોય, કે પછી દુનિયા કે જીવન કે મરણ કે હમણાંની વસ્તુઓ કે ભાવિની વસ્તુઓ હોય, એ બધું જ તમારું છે; ૨૩  તમે ખ્રિસ્તના છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

ફૂટનોટ

અથવા, “તેઓ એકતામાં છે.”
અથવા, “બાંધકામનો હોશિયાર કડિયો.”
મૂળ અર્થ, “પ્રગટ કરાશે.”
અથવા, “આ યુગમાં.” શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
માથ ૧૦:૨ની ફૂટનોટ જુઓ.