૧ કોરીંથીઓ ૪:૧-૨૧
૪ દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો* અને ઈશ્વરનાં પવિત્ર રહસ્યોના કારભારીઓ ગણવા જોઈએ.
૨ કારભારીઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વિશ્વાસુ રહે.
૩ તમે અથવા અદાલત મારી પરખ કરો એની મને કંઈ પડી નથી. હકીકતમાં, હું પોતે પણ મારી પરખ કરતો નથી,
૪ કેમ કે મને મારામાં કંઈ ખોટું દેખાતું નથી. પણ, એનાથી હું કંઈ નેક ઠરતો નથી; મારી પરખ કરનાર તો યહોવા* છે.
૫ તેથી, નક્કી કરેલો સમય આવે ત્યાં સુધી કોઈનો ન્યાય ન કરો, પણ પ્રભુ આવે એની રાહ જુઓ. અંધારામાં રહેલી છૂપી વાતોને તે પ્રકાશમાં લાવશે અને દિલમાં રહેલા ઇરાદાઓને તે ખુલ્લા પાડશે; અને પછી, દરેકને ઈશ્વર પાસેથી શાબાશી મળશે.
૬ હવે ભાઈઓ, મેં મારું અને અપોલોસનું ઉદાહરણ આપીને તમારા ભલા માટે એ વાતો કહી છે, જેથી તમે આ શીખો: “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ.” એ માટે કે તમે અભિમાનથી ફૂલાઈ ન જાઓ અને એકબીજા સાથે ભેદભાવથી ન વર્તો.
૭ એવું તો શું છે કે તમે પોતાને બીજાઓથી ચઢિયાતા ગણો છો? તમારી પાસે એવું શું છે, જે તમને ઈશ્વર પાસેથી મળ્યું નથી? જો તમે ઈશ્વર પાસેથી એ મેળવ્યું હોય, તો તમે પોતાની તાકાતના જોરે મેળવ્યું છે એવી બડાઈ કેમ મારો છો?
૮ શું તમે સંતોષી થઈ ગયા છો? શું તમે ધનવાન થઈ ગયા છો? શું તમે અમારા વગર રાજાઓ બની ગયા છો? હું તો ખરેખર ચાહું છું કે તમે રાજાઓ તરીકે રાજ કરવાનું શરૂ કરી દીધું હોય, જેથી અમે પણ તમારી સાથે રાજાઓ તરીકે રાજ કરીએ.
૯ મને એવું લાગે છે કે અમને પ્રેરિતોને જાહેર પ્રદર્શન માટે ઈશ્વરે છેલ્લા રાખ્યા છે, કેમ કે અમે મોતની સજા પામેલા માણસો જેવા છીએ; દુનિયા, દૂતો અને મનુષ્યોની નજરમાં અમે તમાશારૂપ* બન્યા છીએ.
૧૦ ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ ગણાઈએ છીએ, પણ તમે ખ્રિસ્તને લીધે પોતાને સમજદાર ગણો છો; અમે કમજોર છીએ, પણ તમે બળવાન છો; તમને માન આપવામાં આવે છે, પણ અમારું અપમાન થાય છે.
૧૧ છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા-તરસ્યા, ચીંથરેહાલ,* માર ખાધેલા* અને ઘરબાર વગરના છીએ.
૧૨ તેમ જ, અમારા પોતાના હાથે સખત મજૂરી કરીએ છીએ. અમારું અપમાન થાય ત્યારે, આશીર્વાદ આપીએ છીએ; સતાવણી થાય ત્યારે ધીરજથી સહન કરીએ છીએ;
૧૩ અમારી નિંદા થાય ત્યારે નમ્રતાથી જવાબ આપીએ છીએ;* હમણાં સુધી અમે જાણે દુનિયાના કચરા જેવા અને બધી વસ્તુઓના મેલ જેવા છીએ.
૧૪ તમને શરમમાં નાખવા નહિ, પણ મારાં વહાલાં બાળકો ગણીને શિખામણ આપવા હું તમને આ બધું લખું છું.
૧૫ ભલે ખ્રિસ્તમાં તમારા ૧૦,૦૦૦ શિક્ષકો* હોય, તોપણ એક વાત ચોક્કસ છે કે તમારા ઘણા પિતાઓ નથી; કેમ કે ખુશખબર દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા બન્યો છું.
૧૬ એટલે, હું તમને અરજ કરું છું કે મારા પગલે ચાલનાર બનો.
૧૭ એ માટે હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કારણ કે તે પ્રભુમાં મારો વહાલો અને વિશ્વાસુ દીકરો છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો* પ્રમાણે ચાલુ છું એના વિશે તે તમને યાદ અપાવશે. હું દરેક મંડળમાં એ સિદ્ધાંતો શીખવું છું.
૧૮ હું જાણે તમારી પાસે આવવાનો ન હોઉં, એમ અમુક લોકો ઘમંડથી ફૂલાઈ ગયા છે.
૧૯ પરંતુ, યહોવાની* ઇચ્છા હશે તો, હું જલદી જ તમારી પાસે આવીશ અને જેઓ ઘમંડથી ફૂલાઈ ગયા છે, તેઓ શું કહી શકે છે એ નહિ, પણ તેઓ શું કરી શકે છે એ જોઈશ.
૨૦ કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ ઈશ્વરની શક્તિમાં રહેલું છે.
૨૧ તમે શું ચાહો છો? હું સોટી સાથે આવું કે પછી પ્રેમ અને કોમળ લાગણી સાથે આવું?
ફૂટનોટ
^ અથવા, “ખ્રિસ્તના હાથ નીચે કામ કરતા સેવકો.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “નાટ્યગૃહમાં તમાશારૂપ.”
^ મૂળ અર્થ, “નગ્ન હોવું.”
^ અથવા, “ખરાબ વહેવાર થયો હોય એવા.”
^ મૂળ અર્થ, “અમે આજીજી કરીએ છીએ.”
^ અથવા, “સંભાળ રાખનાર; વાલી.”
^ મૂળ અર્થ, “મારા માર્ગો.”
^ શબ્દસૂચિ જુઓ.