૧ કોરીંથીઓ ૬:૧-૨૦
૬ જો તમારામાં કોઈને બીજા સાથે તકરાર હોય, તો પવિત્ર જનો પાસે જવાને બદલે, શ્રદ્ધા ન રાખનારા માણસો પાસે અદાલતમાં જવાની તે કેમ હિંમત કરે છે?
૨ અથવા શું તમે જાણતા નથી કે પવિત્ર જનો દુનિયાનો ન્યાય કરવાના છે? અને જો તમે દુનિયાનો ન્યાય કરવાના હો, તો શું તમે સાવ નાનીસૂની વાતોનો ન્યાય કરી શકતા નથી?
૩ શું તમે જાણતા નથી કે આપણે દૂતોનો ન્યાય કરીશું? તો પછી, આ જીવનની વાતોનો ન્યાય કેમ નહિ?
૪ જો તમારે આ જીવનની વાતો વિશે ન્યાય મેળવવાનો હોય, તો મંડળ જે માણસોને સ્વીકારતું નથી, તેઓને કેમ તમે ન્યાયાધીશ તરીકે પસંદ કરો છો?
૫ હું તમને શરમમાં નાખવા આમ કહું છું. શું તમારી વચ્ચે એવો એક પણ સમજદાર માણસ નથી, જે પોતાના ભાઈઓનો ન્યાય કરી શકે?
૬ એવું કરવાને બદલે, એક ભાઈ બીજા ભાઈની વિરુદ્ધ અદાલતમાં જાય છે અને એ પણ શ્રદ્ધા ન રાખનારાઓ પાસે!
૭ ખરું જોતાં, તમે એકબીજા સામે મુકદ્દમો માંડો છો, એ જ તમારી હાર છે. એના બદલે, કેમ તમે અન્યાય સહેવા તૈયાર નથી? કેમ તમે છેતરપિંડી સહન કરી લેતા નથી?
૮ પરંતુ, તમે તો અન્યાય કરો છો અને છેતરો છો, એ પણ તમારા પોતાના ભાઈઓને!
૯ અથવા શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલનારાઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? છેતરાશો નહિ!* વ્યભિચારી,* મૂર્તિપૂજક, લગ્ન બહાર જાતીય સંબંધ રાખનાર, સજાતીય કામોને આધીન થઈ જનાર,* સજાતીય સંબંધ બાંધનાર,*
૧૦ ચોર, લોભી, દારૂડિયો, અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.
૧૧ જોકે, તમારામાંના અમુક એવા જ હતા. પરંતુ, તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે; તમને પવિત્ર કરવામાં આવ્યા છે; આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક ઠરાવવામાં આવ્યા છે.
૧૨ મને બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ લાભ થાય એવું નથી. મને બધું જ કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.*
૧૩ ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, પણ એ બંનેનો ઈશ્વર નાશ કરશે. શરીર વ્યભિચાર* માટે નથી, પણ પ્રભુ માટે છે અને પ્રભુ શરીર માટે છે.
૧૪ ઈશ્વરે પ્રભુને મરણમાંથી ઉઠાડ્યા અને પોતાના બળથી આપણને પણ ઉઠાડશે.
૧૫ શું તમે જાણતા નથી કે તમારા શરીર તો ખ્રિસ્તના અવયવો છે? તો પછી, શું હું ખ્રિસ્તના અવયવો લઈને વેશ્યા સાથે જોડી દઉં? બિલકુલ નહિ!
૧૬ શું તમને ખબર નથી કે જે કોઈ વેશ્યા સાથે જોડાય છે,* તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે ઈશ્વર કહે છે, “તેઓ બંને એક શરીર થશે.”
૧૭ પણ જે કોઈ પ્રભુ સાથે જોડાય છે, તે તેમની સાથે એક મનનો થાય છે.
૧૮ વ્યભિચારથી* નાસી જાઓ! માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ પોતાના શરીરની બહાર કરે છે, પણ જે કોઈ વ્યભિચાર કરતો રહે છે તે પોતાના જ શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
૧૯ શું તમને ખબર નથી કે તમારું શરીર તો ઈશ્વર પાસેથી તમને મળેલી પવિત્ર શક્તિનું મંદિર છે? તેમ જ, તમારા પર તમારો પોતાનો હક નથી,
૨૦ કેમ કે કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. એટલે, તમારા શરીરથી ઈશ્વરને મહિમા આપતા રહો.
ફૂટનોટ
^ અથવા, “ભટકી જશો નહિ.”
^ શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
^ એટલે કે, સજાતીય સંબંધ માટે રાખવામાં આવેલો પુરુષ.
^ અથવા, “પુરુષો સાથે જાતીય સંબંધો બાંધતા પુરુષો.”
^ અથવા, “ગાળાગાળી કરનાર.”
^ અથવા, “કાબૂ કરવા દઈશ નહિ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “સંબંધ બાંધે છે.”
^ શબ્દસૂચિ જુઓ.