૧ કોરીંથીઓ ૯:૧-૨૭
૯ શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું આપણા પ્રભુ ઈસુને મેં નજરે જોયા નથી? શું તમે પ્રભુને માટે કરેલી મારી મહેનતનું પરિણામ નથી?
૨ ભલે હું બીજાઓ માટે પ્રેરિત ન હોઉં, પણ ચોક્કસ તમારા માટે તો છું! કેમ કે પ્રભુમાં મારું પ્રેરિતપદ સાબિત કરતી મહોર તમે જ છો.
૩ મારો ન્યાય કરનારા આગળ હું મારા બચાવમાં આ કહું છું:
૪ શું અમને ખાવા-પીવાનો હક* નથી?
૫ બીજા પ્રેરિતો, પ્રભુના ભાઈઓ અને કેફાસની* જેમ, શું અમને પણ લગ્ન કરીને પોતાની પત્નીને* સાથે લઈ જવાનો હક નથી?
૬ અથવા શું ફક્ત બાર્નાબાસ અને હું જ એવા છીએ, જેઓએ જીવન જરૂરિયાત માટે કામધંધો કરવો પડે?
૭ એવો કયો સૈનિક છે, જે તેના પોતાના ખર્ચે ફરજ બજાવે? એવો કોણ છે જે દ્રાક્ષાવાડી રોપે અને એનાં ફળ ન ખાય? અથવા એવો કોણ છે જે ઘેટાંબકરાંની રખેવાળી કરે અને એ ટોળાનું થોડું દૂધ ન લે?
૮ શું આ બધું હું મનુષ્યનાં ધોરણો પ્રમાણે કહું છું? શું નિયમશાસ્ત્ર* પણ આ બધું કહેતું નથી?
૯ કેમ કે મુસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે: “અનાજના દાણા છૂટા પાડી રહેલા બળદને મોઢે તારે જાળી ન બાંધવી.” શું બળદોની ચિંતા હોવાને લીધે ઈશ્વર આમ કહે છે?
૧૦ કે પછી ખરેખર આપણા માટે તે એમ કહે છે? હકીકતમાં, એ આપણા માટે લખવામાં આવ્યું હતું, કારણ કે જે માણસ ખેડે છે અને જે માણસ દાણા છૂટા પાડે છે, તે પોતાનો ભાગ મેળવવાની આશાથી એમ કરે છે.
૧૧ જો અમે તમારામાં ઈશ્વરનું શિક્ષણ વાવ્યું હોય, તો તમારી પાસેથી અમારી જરૂરિયાતો લણીએ, એમાં કંઈ ખોટું છે?
૧૨ જો બીજા માણસો તમારા પર આ અધિકારનો* દાવો કરતા હોય, તો શું અમને એથી વધારે અધિકાર નથી? જોકે, અમે આ અધિકારનો ઉપયોગ કર્યો નથી, પણ અમે બધું સહન કરીએ છીએ, જેથી અમે કોઈ પણ રીતે ખ્રિસ્ત વિશેની ખુશખબરને આડે ન આવીએ.
૧૩ શું તમે જાણતા નથી કે પવિત્ર સેવા કરનારા માણસો મંદિરનું ખાય છે અને જેઓ વેદી આગળ નિયમિત સેવા આપે છે, તેઓ વેદી પરથી ભાગ મેળવે છે?
૧૪ એ જ રીતે, પ્રભુએ આજ્ઞા કરી છે કે ખુશખબર જણાવનારા લોકો પણ ખુશખબરથી ગુજરાન ચલાવે.
૧૫ પરંતુ, મેં એ ગોઠવણોમાંની એકનો પણ લાભ લીધો નથી. સાચે જ, હું એટલા માટે નથી લખતો કે એ બધું મારા માટે કરવામાં આવે. મારી બડાઈનો એ હક બીજો કોઈ લઈ જાય, એના કરતાં મરી જવું સારું!
૧૬ હવે, જો હું ખુશખબર જણાવું છું તો એમાં બડાઈ કરવાનું કોઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. ખરેખર, જો હું ખુશખબર ન જણાવું તો મને અફસોસ!
૧૭ જો હું આ રાજીખુશીથી કરું, તો મને ઇનામ મળશે; પણ જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.
૧૮ તો પછી, મારું ઇનામ શું છે? એ જ કે હું કંઈ પણ લીધા વગર* ખુશખબર જણાવું અને ખુશખબર જણાવવાથી મને મળતા અધિકારનો* પૂરો લાભ ન ઉઠાવું.
૧૯ ખરું કે હું બધા લોકોથી સ્વતંત્ર છું, તોપણ બધાનો ગુલામ બન્યો છું, જેથી બની શકે એટલા લોકોને હું જીતી લઉં.
૨૦ યહુદીઓ માટે હું યહુદીઓ જેવો બન્યો, જેથી યહુદીઓને જીતી શકું; ભલે હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, પણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી તેઓને જીતી શકું.
૨૧ જેઓ પાસે નિયમશાસ્ત્ર નથી તેઓ માટે હું નિયમશાસ્ત્ર ન હોય એવા માણસ જેવો બન્યો, જેથી હું નિયમશાસ્ત્ર વગરના લોકોને જીતી શકું; જોકે, હું ઈશ્વરના નિયમો વગરનો નથી, તોપણ ખ્રિસ્તના નિયમોને આધીન છું.
૨૨ કમજોર લોકો માટે હું કમજોર બન્યો, જેથી હું કમજોર લોકોને જીતી શકું. હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો છું, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું.
૨૩ આ બધું જ હું ખુશખબર માટે કરું છું, જેથી બીજાઓને એ જણાવી શકું.
૨૪ શું તમને ખબર નથી કે હરીફાઈમાં ભાગ લેનારા બધા દોડે છે, પણ ફક્ત એકને જ ઇનામ મળે છે? એ રીતે દોડો, જેથી તમે એ ઇનામ જીતો.
૨૫ હવે, હરીફાઈમાં ભાગ લેનાર દરેક માણસ* બધામાં સંયમ રાખે છે. તેઓ નાશ પામનાર મુગટ મેળવવા માટે એમ કરે છે, પણ આપણે તો નાશ ન પામનાર મુગટ માટે એમ કરીએ છીએ.
૨૬ તેથી, હું કોઈ ધ્યેય વગર દોડતો નથી; હું એ રીતે મુક્કા મારતો નથી કે જાણે હવામાં મારતો હોઉં;
૨૭ પણ, હું મારા શરીરને મુક્કા મારું છું* અને એને ગુલામ બનાવું છું, જેથી એવું ન થાય કે બીજાઓને પ્રચાર કર્યા પછી, કોઈ કારણને લીધે મને જ અયોગ્ય ગણવામાં આવે.*
ફૂટનોટ
^ મૂળ અર્થ, “અધિકાર.”
^ અથવા, “શ્રદ્ધા રાખનારી પત્નીને.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “હકનો.”
^ અથવા, “કિંમત લીધા વગર.”
^ અથવા, “હકનો.”
^ અથવા, “દરેક ખેલાડી.”
^ અથવા, “શિક્ષા કરું છું; કડક શિસ્ત આપું છું.”
^ અથવા, “નાપસંદ કરવામાં આવે.”