૧ થેસ્સાલોનિકીઓ ૩:૧-૧૩
૩ જ્યારે અમે* તમારા વગર રહી ન શક્યા, ત્યારે અમે નક્કી કર્યું કે એથેન્સમાં એકલા રોકાઈએ.
૨ અને આપણા ભાઈ અને ખ્રિસ્ત વિશેની ખુશખબરમાં ઈશ્વરના સેવક* તિમોથીને અમે ત્યાં મોકલ્યો, જેથી તમારી શ્રદ્ધા દૃઢ કરવા તે તમને દિલાસો આપે;
૩ અને આમ, આ સતાવણીઓને લીધે કોઈ ડગે નહિ. તમે પોતે જાણો છો કે આવી સતાવણીઓ આપણે ટાળી શકતા નથી.
૪ અમે તમારી પાસે હતા ત્યારે, તમને પહેલેથી કહેતા હતા કે આપણા પર સતાવણીઓ આવશે અને તમે જાણો છો કે એવું જ થયું છે.
૫ એટલે, જ્યારે હું તમારી જુદાઈ વધારે સહન કરી ન શક્યો, ત્યારે તમારી શ્રદ્ધા અડગ છે કે નહિ, એ વિશે જાણવા મેં તિમોથીને મોકલ્યો. કદાચ એવું ન બન્યું હોય કે પરીક્ષણ કરનારે* તમને કોઈ રીતે લલચાવ્યા હોય અને અમારી મહેનત પર પાણી ફરી વળ્યું હોય.
૬ હવે, તિમોથી તમારા ત્યાંથી હમણાં જ પાછો આવ્યો છે. તે તમારી અડગ શ્રદ્ધા અને તમારા પ્રેમ વિશે સારી ખબર લાવ્યો છે કે તમે હંમેશાં અમને પ્રેમથી યાદ કરો છો. વળી, જેમ અમે તમને જોવાની ઝંખના રાખીએ છીએ, તેમ તમે પણ ઝંખના રાખો છો.
૭ તેથી ભાઈઓ, તમારે લીધે અને તમે બતાવેલી શ્રદ્ધાને લીધે અમને અમારી બધી વિપત્તિઓમાં* અને સતાવણીઓમાં દિલાસો મળ્યો છે.
૮ તમે પ્રભુમાં અડગ ઊભા છો, એ જાણીને અમારા જીવનમાં નવી તાજગી આવી છે.*
૯ તમારે લીધે આપણા ઈશ્વર આગળ અમે જે પુષ્કળ આનંદ માણીએ છીએ, એનો અહેસાન અમે ઈશ્વરને કઈ રીતે ચૂકવીએ?
૧૦ અમે રાત-દિવસ પૂરા દિલથી એવી વિનંતીઓ કરીએ છીએ કે અમે તમને મળીએ* અને તમારી શ્રદ્ધામાં જે ખૂટે છે, એ પૂરું પાડીએ.
૧૧ હવે, અમે તમારી પાસે આવી શકીએ, એ માટે ઈશ્વર આપણા પિતા અને આપણા પ્રભુ ઈસુ માર્ગ બતાવે એવી અમને આશા છે.
૧૨ વધુમાં, જેમ અમને તમારા માટે પ્રેમ છે, એમ એકબીજા માટે અને બધા માટે તમારો પ્રેમ વધતો ને વધતો જાય, એવું પ્રભુ કરે;
૧૩ આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ પવિત્ર જનો સાથે હાજર* થશે ત્યારે, ઈશ્વર આપણા પિતા આગળ તે તમારા હૃદયો મજબૂત કરે અને તમને પવિત્ર તેમજ નિર્દોષ કરે.
ફૂટનોટ
^ અથવા, “હું.” પાઊલ કદાચ પોતાનો ઉલ્લેખ કરવા અહીંયા બહુવચન વાપરે છે.
^ અથવા કદાચ, “ઈશ્વરનો સાથી કામદાર.”
^ અથવા, “શેતાને.”
^ મૂળ અર્થ, “જરૂરિયાતોમાં.”
^ મૂળ અર્થ, “અમે જીવીએ છીએ.”
^ મૂળ અર્થ, “તમારું મોં જોઈએ.”
^ શબ્દસૂચિ જુઓ.