૧ થેસ્સાલોનિકીઓ ૫:૧-૨૮

  • યહોવાનો દિવસ આવી રહ્યો છે (૧-૫)

    • “શાંતિ અને સલામતી છે!” ()

  • જાગતા રહો, સમજી-વિચારીને વર્તો (૬-૧૧)

  • શિખામણ (૧૨-૨૪)

  • છેલ્લી સલામ (૨૫-૨૮)

 ભાઈઓ, હવે કયા સમયે અને કયા દિવસોએ આ બધું થશે, એ વિશે અમારે તમને કંઈ પણ લખવાની જરૂર નથી. ૨  તમે પોતે સારી રીતે જાણો છો કે રાત્રે ચોર આવે છે એવી જ રીતે યહોવાનો* દિવસ આવી રહ્યો છે. ૩  જ્યારે લોકો કહેતા હશે કે, “શાંતિ અને સલામતી છે!” ત્યારે જેમ ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે, તેમ અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે. અને એ વિનાશમાંથી તેઓ કોઈ પણ રીતે બચશે નહિ. ૪  પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે એ દિવસ અચાનક તમારા પર આવી પડે, જેમ ચોર પર અચાનક દિવસનો પ્રકાશ આવી પડે છે. ૫  કેમ કે તમે બધા પ્રકાશના અને દિવસના દીકરાઓ છો. આપણે રાતના કે અંધકારના દીકરાઓ નથી. ૬  તો પછી, બાકીના લોકોની જેમ આપણે ઊંઘતા ન રહીએ, પણ જાગતા રહીએ અને સમજી-વિચારીને વર્તીએ. ૭  જેઓ ઊંઘે છે, તેઓ રાત્રે ઊંઘે છે અને જેઓ દારૂડિયા છે, તેઓ રાત્રે દારૂડિયા બને છે. ૮  પણ, આપણે દિવસના દીકરાઓ હોવાથી સમજી-વિચારીને વર્તીએ, શ્રદ્ધા અને પ્રેમનું બખતર ધારણ કરીએ અને તારણની આશાનો ટોપ પહેરીએ; ૯  કેમ કે ઈશ્વરે આપણને તેમના કોપ માટે નહિ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણ મેળવીએ, એ માટે પસંદ કર્યા છે. ૧૦  ઈસુ આપણા માટે મરણ પામ્યા, જેથી ભલે આપણે જાગતા રહીએ કે ઊંઘી જઈએ,* આપણે તેમની સાથે જીવીએ. ૧૧  તેથી, એકબીજાને ઉત્તેજન* આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો. ૧૨  હવે ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારામાં જેઓ સખત મહેનત કરે છે, પ્રભુમાં તમારી આગેવાની લે છે અને તમને શિખામણ આપે છે, તેઓને માન આપો; ૧૩  તેઓના કામને લીધે તેઓને પ્રેમથી અનેકગણો આદર આપો. એકબીજા સાથે હળીમળીને રહો. ૧૪  ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનારાઓને* ચેતવણી* આપો, નિરાશ થઈ ગયેલાઓને* દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો, બધા સાથે ધીરજથી વર્તો. ૧૫  ધ્યાન રાખો કે કોઈ નુકસાનનો બદલો નુકસાનથી ન વાળે; પરંતુ, હંમેશાં એકબીજાનું અને સર્વ લોકોનું ભલું કરતા રહો. ૧૬  હંમેશાં આનંદ કરતા રહો. ૧૭  સતત પ્રાર્થના કરતા રહો. ૧૮  બધી બાબતો માટે આભાર માનો. ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા માટે ઈશ્વરની એવી ઇચ્છા છે. ૧૯  પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ. ૨૦  ભવિષ્યવાણીઓને તુચ્છ ન ગણો. ૨૧  બધી વસ્તુઓની પરખ કરો; જે સારું છે એને વળગી રહો. ૨૨  દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. ૨૩  શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ રીતે પવિત્ર કરે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રાખવામાં આવે. ૨૪  તમને બોલાવનાર વિશ્વાસુ છે અને તે જરૂર એમ કરશે. ૨૫  ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરતા રહો. ૨૬  બધા ભાઈઓને પવિત્ર ચુંબન આપીને સલામ કહેજો. ૨૭  હું તમને પ્રભુના નામમાં ફરજ પાડું છું કે આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો. ૨૮  આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા તમારા પર રહે.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “મરણમાં ઊંઘી જઈએ.”
અથવા, “દિલાસો.”
અથવા, “આજ્ઞા ન માનનારાને; અશાંતિ ફેલાવનારાને.”
અથવા, “સલાહ.”
અથવા, “નાહિંમત થઈ ગયેલાઓને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.