૨ કોરીંથીઓ ૧:૧-૨૪

  • સલામ (૧, ૨)

  • બધી કસોટીઓમાં ઈશ્વર પાસેથી દિલાસો (૩-૧૧)

  • પાઊલની મુસાફરીની ગોઠવણમાં ફેરફાર (૧૨-૨૪)

 હું પાઊલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. હું આપણા ભાઈ તિમોથી સાથે કોરીંથમાં ઈશ્વરના મંડળને અને અખાયાના બધા પવિત્ર જનોને આ લખું છું: ૨  ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા અને શાંતિ મળે. ૩  આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાની સ્તુતિ થાઓ, જે દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. ૪  તે આપણી બધી કસોટીઓમાં* આપણને દિલાસો* આપે છે, જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીમાં* હોય. ૫  જેમ ખ્રિસ્ત માટે આપણને ઘણાં દુઃખો સહેવાં પડે છે, તેમ ખ્રિસ્ત દ્વારા આપણને ઘણો દિલાસો પણ મળે છે. ૬  હવે, જો અમે કસોટીઓ* સહન કરીએ છીએ, તો એ તમારા દિલાસા માટે અને ઉદ્ધાર માટે છે; અને જો અમને દિલાસો આપવામાં આવે છે, તો એ તમારા દિલાસા માટે છે, જેથી અમે જે દુઃખો સહન કરીએ છીએ, એવાં દુઃખો સહન કરવાં તમને મદદ મળે. ૭  તમારા માટે અમે જે આશા રાખીએ છીએ, એ અડગ છે, કેમ કે અમે જાણીએ છીએ કે જેમ તમે અમારાં દુઃખો સહેવામાં ભાગીદાર છો, તેમ તમે અમારા દિલાસામાં પણ ભાગીદાર બનશો. ૮  ભાઈઓ, અમે નથી ચાહતા કે આસિયા પ્રાંતમાં અમારા પર જે મુસીબતો આવી, એના વિશે તમે અજાણ રહો. એ મુસીબતો અમે સહી ન શકીએ એટલી ભારે હતી. અરે, અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. ૯  ખરું જોતાં, અમને એવું લાગ્યું કે અમને મોતની સજા થઈ હતી. આ એટલા માટે થયું, જેથી અમે પોતાના પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, જે મરણ પામેલાને જીવતા કરે છે. ૧૦  તેમણે મોતના મોંમાંથી અમને બચાવ્યા છે અને બચાવશે. અમને તેમના પર પૂરો ભરોસો છે કે તે ભાવિમાં પણ અમારો બચાવ કરતા રહેશે. ૧૧  તમે પણ અમારા માટે વિનંતીઓ કરીને મદદ કરી શકો, જેથી ઈશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપીને અમારા પર દયા બતાવે. અને ઈશ્વરની એ દયા માટે ઘણા લોકો તેમનો આભાર માનશે. ૧૨  આ વિશે અમે અભિમાન કરીએ છીએ: અમારા અંતઃકરણો સાક્ષી પૂરે છે કે અમે દુનિયાના લોકો સાથે અને ખાસ તો તમારી સાથે પવિત્રતાથી અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સાફ દિલથી વર્ત્યા છીએ; અમે દુનિયાના ડહાપણથી નહિ, પણ ઈશ્વરની અપાર કૃપાથી વર્ત્યા છીએ. ૧૩  કેમ કે તમે જે સારી રીતે જાણો છો* તથા સમજો છો, એનાથી વધારે કંઈ અમે તમને લખતા નથી. અને હું આશા રાખું છું કે તમે આ વાતો પૂરી રીતે* સમજતા રહેશો. ૧૪  તમે અમુક હદે તો એ સમજો છો કે અમે તમારા માટે અભિમાન કરવાનું કારણ બન્યા છીએ; એ જ રીતે, આપણા પ્રભુ ઈસુના દિવસે તમે પણ અમારા માટે અભિમાન કરવાનું કારણ બનશો. ૧૫  એટલે, આ ભરોસાથી હું પહેલા તમારી પાસે આવવાની આશા રાખતો હતો, જેથી તમને ખુશ થવાનો બીજો મોકો મળે;* ૧૬  કેમ કે મારો ઇરાદો હતો કે મકદોનિયા જતી વખતે તમને મળું અને મકદોનિયાથી પાછા આવતી વખતે પણ તમને મળું. અને પછી, તમે મને યહુદિયા જવા વિદાય કરો. ૧૭  જો મારો ઇરાદો આવો હતો, તો પછી શું હું મારા નિર્ણયમાં ઢચુપચુ હતો? અથવા શું મારો ઇરાદો દુનિયાના લોકો જેવો હતો કે, હું “હા, હા” કહું, પણ પછી “ના, ના” કરું? ૧૮  તમે જેમ ઈશ્વર પર ભરોસો રાખો છો, તેમ અમારી વાતો ખરી છે એવો ભરોસો રાખો. અમે પહેલા “હા” કહીને પછીથી “ના” કહેતા નથી. ૧૯  કેમ કે અમારા દ્વારા, એટલે કે મારા, સિલ્વાનુસ* અને તિમોથી દ્વારા ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત ઈસુનો તમારામાં પ્રચાર થયો હતો. ખ્રિસ્ત ઈસુ “હા” કહીને “ના” કહેતા નથી, પણ તેમની “હા” હંમેશાં “હા” રહે છે. ૨૦  કેમ કે ઈશ્વરનાં વચનો ભલે ગમે તેટલાં હોય, એ ઈસુ દ્વારા “હા” થયાં છે. તેથી, આપણે તેમના દ્વારા ઈશ્વરને “આમેન” પણ કહીએ છીએ, જેથી આપણા દ્વારા ઈશ્વરને મહિમા મળે. ૨૧  પરંતુ, તમે અને અમે ખ્રિસ્તના છીએ એવી ખાતરી આપનાર અને આપણને અભિષિક્ત કરનાર તો ઈશ્વર છે. ૨૨  તેમણે આપણા પર પોતાની મહોર પણ કરી છે અને આવનાર આશીર્વાદોની સાબિતી* મળે, એ માટે આપણા હૃદયમાં પવિત્ર શક્તિ આપી છે. ૨૩  હવે, હું ઈશ્વરને સાક્ષી રાખીને મારા જીવના* સમ ખાઉં છું કે તમારા પર દયા રાખીને હું હજુ કોરીંથ આવ્યો નથી. ૨૪  એવું નથી કે અમે તમારી શ્રદ્ધાના માલિકો બની બેઠા છીએ, પણ અમે તો તમારી ખુશી માટે તમારી સાથે કામ કરનારા છીએ, કેમ કે તમે પોતાની શ્રદ્ધામાં મક્કમ ઊભા છો.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મુસીબતોમાં.”
અથવા, “ઉત્તેજન.”
અથવા, “મુસીબતોમાં.”
અથવા, “મુસીબતો.”
મૂળ અર્થ, “તમે વાંચો છો.”
મૂળ અર્થ, “છેલ્લે સુધી.”
અથવા કદાચ, “જેથી તમને બમણો લાભ થઈ શકે.”
સિલાસ પણ કહેવાતો.
અથવા, “બાનું; બાંયધરીની રકમ (સાટા પેટે આપેલી રકમ); જે આવવાનું છે એની ખાતરી (વચન).”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.