૨ કોરીંથીઓ ૧૦:૧-૧૮

  • પાઊલ પોતાના પ્રચારકાર્યનો બચાવ કરે છે (૧-૧૮)

    • અમારાં હથિયારો દુનિયાનાં નથી (૪, ૫)

૧૦  હવે, હું પાઊલ પોતે તમને ખ્રિસ્તની નમ્રતા અને કૃપા દ્વારા વિનંતી કરું છું. તમારામાંના અમુકને લાગે કે હું તમારી સાથે હોઉં ત્યારે કમજોર અને તમારી સાથે ન હોઉં ત્યારે કડક હોઉં છું. ૨  હું આજીજી કરું છું કે તમારી પાસે આવું ત્યારે, મારે એવા લોકો વિરુદ્ધ કડક થઈને પગલાં લેવાં ન પડે, જેઓને લાગે છે કે અમે દુનિયાના વિચારો પ્રમાણે જીવીએ છીએ. ૩  ખરું કે અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુનિયાની જેમ લડાઈ કરતા નથી. ૪  કેમ કે અમારી લડાઈનાં હથિયારો દુનિયાનાં નથી, પણ એ શક્તિશાળી હથિયારો તો ઈશ્વરે આપેલાં છે, જેનાથી કિલ્લાઓ જેવા મજબૂત શિક્ષણને તોડી પાડીએ છીએ. ૫  ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને અમે તોડી પાડીએ છીએ અને અમે દરેક વિચારને કેદ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. ૬  અને આજ્ઞા ન માનનાર દરેકને સજા આપવા અમે તૈયાર છીએ, પણ પહેલા તમે પોતે પૂરેપૂરી રીતે આજ્ઞા પાળો છો એ સાબિત કરો. ૭  તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને એવો ભરોસો હોય કે પોતે ખ્રિસ્તનો શિષ્ય છે, તો તેણે આ હકીકત પર ફરીથી વિચાર કરવો: જેમ તે ખ્રિસ્તનો શિષ્ય છે, તેમ અમે પણ છીએ. ૮  પ્રભુએ તમને તોડી પાડવા નહિ, પણ દૃઢ કરવા અમને અધિકાર આપ્યો છે; એ અધિકાર વિશે જો હું થોડી વધારે પડતી બડાઈ કરું, તોપણ મારે શરમાવું નહિ પડે. ૯  જોકે, મારા પત્રોથી તમને ડરાવવાનો પ્રયત્ન કરું છું, એવું કોઈને લાગે એમ હું નથી ચાહતો. ૧૦  કેમ કે અમુક કહે છે: “તેના પત્રો વજનદાર અને અસરકારક છે, પણ તે હાજર હોય છે ત્યારે તે કમજોર હોય છે અને તેનું બોલવું દમ વગરનું હોય છે.” ૧૧  એવા માણસને જાણ થાય કે અમે તમારી સાથે નથી હોતા ત્યારે પત્રોમાં જે કહીએ છીએ,* એવું જ અમે આવીશું ત્યારે કરીશું* પણ ખરાં. ૧૨  કેમ કે જેઓ પોતાના વખાણ કરે છે, તેઓના જેવા અમે પોતાને ગણવાની કે તેઓની બરાબરી કરવાની હિંમત કરતા નથી. પણ, જ્યારે તેઓ પોતાના માપદંડથી પોતાને માપે છે અને પોતાની સાથે પોતાની સરખામણી કરે છે, ત્યારે તેઓ બતાવી આપે છે કે તેઓ મૂર્ખ છે. ૧૩  જોકે, ઠરાવેલી હદની બહાર જઈને અમે બડાઈ મારીશું નહિ. પણ ઈશ્વરે અમારા માટે જે વિસ્તારની હદ માપી આપી છે,* જેમાં તમે પણ આવી જાઓ છો, એમાં રહીને અમે બડાઈ મારીશું. ૧૪  તમારી પાસે આવ્યા ત્યારે અમે હદ બહાર ગયા ન હતા, કેમ કે ખ્રિસ્ત વિશેની ખુશખબર લઈને તમારા સુધી પહોંચનાર અમે પ્રથમ હતા. ૧૫  અમારા માટે ઠરાવેલી હદ બહાર, એટલે કે કોઈએ કરેલી મહેનત પર અમે બડાઈ મારતા નથી; પણ, અમે આશા રાખીએ છીએ કે જેમ જેમ તમારી શ્રદ્ધા વધતી જાય, તેમ તેમ અમારા વિસ્તારમાં કરેલા કામ પણ વધતા જાય. પછી, અમારું કામ હજુ પણ વધશે ૧૬  અને અમે તમારાથી દૂર બીજા દેશોમાં ખુશખબર જણાવી શકીશું, જેથી બીજા કોઈના વિસ્તારમાં થઈ ચૂકેલા કામ વિશે અમે બડાઈ મારીએ નહિ. ૧૭  “પરંતુ, જે અભિમાન કરે છે, તેણે યહોવા* વિશે અભિમાન કરવું.” ૧૮  કેમ કે જે કોઈ પોતાના વખાણ કરે છે તેને નહિ, પણ જેના વખાણ યહોવા* કરે છે, તેને સ્વીકારવામાં આવે છે.

ફૂટનોટ

મૂળ અર્થ, “અમે શબ્દોમાં જેવા છીએ.”
મૂળ અર્થ, “વર્તનમાં પણ હોઈશું.”
અથવા, “માપીને અમને વહેંચી આપી છે.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.