૨ કોરીંથીઓ ૧૧:૧-૩૩

  • પાઊલ અને મહાન પ્રેરિતો (૧-૧૫)

  • પ્રેરિત તરીકે પાઊલની તકલીફો (૧૬-૩૩)

૧૧  હું ચાહું કે તમે મારી થોડી મૂર્ખાઈ સહન કરી લો. હકીકતમાં, તમે મને સહન કરી જ રહ્યા છો! ૨  ઈશ્વરની જેમ હું પણ તમારી બહુ કાળજી* રાખું છું, કારણ કે મેં એક માણસ, એટલે કે ખ્રિસ્ત સાથે તમારી સગાઈ કરાવી છે,* જેથી હું તમને એક પવિત્ર* અને કુંવારી કન્યા તરીકે સોંપું. ૩  પરંતુ, મને ડર છે કે જેમ સર્પે પોતાની ચાલાકીથી હવાને લલચાવી, તેમ તમારું મન પણ કોઈક રીતે ભ્રષ્ટ થઈને ખ્રિસ્ત માટેના શુદ્ધ અને ખરા પ્રેમથી દૂર ન થઈ જાય. ૪  કેમ કે કોઈ માણસ આવીને અમે જેમનો પ્રચાર કર્યો હતો, એ સિવાયના બીજા કોઈ ઈસુનો પ્રચાર કરે અથવા તમને જે શક્તિ* મળી હતી, એ સિવાય બીજી કોઈ શક્તિ તમારા મનને અસર કરે અથવા તમે સ્વીકારી હતી, એ સિવાય બીજી કોઈ ખુશખબર જણાવે તો, તમે તેનું તરત જ માની લો છો. ૫  હું માનું છું કે તમારા મહાન પ્રેરિતો કરતાં હું એક પણ વાતમાં ઊતરતો સાબિત થયો નથી. ૬  પરંતુ, જો હું બોલવામાં કુશળ ન હોઉં, તોપણ હું જ્ઞાનમાં તો ચોક્કસ કુશળ છું; ખરું જોતાં, દરેક રીતે અને દરેક વાતમાં અમે તમને એ બતાવી આપ્યું છે. ૭  અથવા, મેં તમારી પાસેથી કંઈ પણ લીધા વગર રાજીખુશીથી ઈશ્વરની ખુશખબર જાહેર કરી અને તમને માન મળે એ માટે પોતાને નમ્ર બનાવ્યો, એમાં મેં શું કોઈ પાપ કર્યું છે? ૮  તમારી સેવા કરવા માટે મેં બીજાં મંડળોની મદદ લીધી,* એમ માનો કે તેઓને લૂંટી લીધા.* ૯  તોપણ, જ્યારે હું તમારી સાથે હતો અને મને જરૂર પડી, ત્યારે હું કોઈના પર બોજ બન્યો નહિ, કેમ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો ભરપૂર રીતે પૂરી પાડી હતી. હા, તમારા પર બોજ ન બનવાનો પ્રયત્ન હું દરેક રીતે કરતો આવ્યો છું અને કરતો રહીશ. ૧૦  જ્યાં સુધી મારામાં ખ્રિસ્તનું સત્ય છે, ત્યાં સુધી હું અખાયાના પ્રદેશોમાં આ વિશે બડાઈ કરવાનું બંધ કરીશ નહિ. ૧૧  શા માટે હું તમારા પર બોજ ન બન્યો? શું હું તમને પ્રેમ કરતો નથી એટલા માટે? ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું. ૧૨  પરંતુ, હું જે કરું છું એ કરતો રહીશ, જેથી જેઓ બડાઈ મારે છે અને કહે છે કે તેઓ અમારી જેમ પ્રેરિતો છે, તેઓને બડાઈ કરવાનું કોઈ કારણ* ન મળે. ૧૩  કેમ કે એવા માણસો તો જૂઠા પ્રેરિતો, કપટી કામો કરનારાઓ અને ખ્રિસ્તના પ્રેરિતો હોવાનો ઢોંગ કરનારા છે. ૧૪  અને એમાં કંઈ નવાઈ નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશનો દૂત હોવાનો ઢોંગ કરે છે. ૧૫  એટલે, એમાં કંઈ મોટી વાત નથી કે તેના સેવકો પણ પોતે સાચા સેવકો હોવાનો ઢોંગ કરે છે. પણ, તેઓનો અંત તેઓનાં કામો પ્રમાણે થશે. ૧૬  હું ફરીથી કહું છું: કોઈ એવું ન વિચારે કે હું મૂર્ખ છું. જો તમે એવું વિચારતા હો, તો મને મૂર્ખ તરીકે સ્વીકારો, જેથી હું પણ થોડી બડાઈ કરી શકું. ૧૭  હું હવે જે કહું છું એ પ્રભુ કહે છે એમ નહિ, પણ એક મૂર્ખ માણસ કહે તેમ, પોતાના પર વધારે પડતો ભરોસો રાખીને બડાઈ કરનાર તરીકે કહું છું. ૧૮  ઘણા લોકો દુનિયાની વાતો વિશે* બડાઈ મારે છે, હું પણ બડાઈ મારીશ. ૧૯  તમે એટલા “સમજદાર” છો કે તમે ખુશીથી મૂર્ખોનું સહન કરો છો! ૨૦  હકીકતમાં, તમને ગુલામ બનાવનારને, તમારી મિલકત પચાવી પાડનારને, તમારી પાસે જે છે એ ઝૂંટવી લેનારને, તમારા પર રોફ જમાવનારને અને તમને તમાચો મારનારને તમે સહન કરી લો છો. ૨૧  મારા માટે એ કહેવું શરમજનક છે, કેમ કે અમુક લોકોને એમ લાગી શકે કે અમે કમજોર રીતે વર્ત્યા છીએ. પણ, જો બીજાઓ બડાઈ મારવાની હિંમત કરતા હોય તો હું પણ એવી હિંમત બતાવીશ, ભલે કોઈ મને મૂર્ખ કહે. ૨૨  શું તેઓ હિબ્રૂ છે? એ તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલી છે? એ તો હું પણ છું. શું તેઓ ઈબ્રાહીમના વંશજ* છે? એ તો હું પણ છું. ૨૩  શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? તો હું એક પાગલની જેમ કહીશ કે, હું તેઓના કરતાં ચઢિયાતો સેવક છું: મેં ખૂબ મહેનત કરી છે, વારંવાર કેદમાં ગયો છું, બેહદ માર ખાધો છે અને ઘણી વાર મરતાં મરતાં બચ્યો છું. ૨૪  યહુદીઓ પાસેથી પાંચ વાર મેં ૩૯ ફટકા ખાધા છે. ૨૫  ત્રણ વાર મેં લાકડીથી માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારાં વહાણ ભાંગી ગયાં, એક આખી રાત અને આખો દિવસ મેં દરિયામાં કાઢ્યા; ૨૬  મેં મારી મુસાફરીઓમાં અનેક વાર આવાં જોખમો સહન કર્યાં છે: નદીઓનાં જોખમો, લુટારાઓનાં જોખમો, મારા પોતાના લોકો તરફથી જોખમો, બીજી પ્રજાઓ તરફથી જોખમો, શહેરનાં જોખમો, ઉજ્જડ પ્રદેશોનાં જોખમો, દરિયાનાં જોખમો, જૂઠા ભાઈઓ તરફથી જોખમો. ૨૭  મેં સખત મહેનત અને કાળી મજૂરી કરી છે, વારંવાર રાતોના ઉજાગરા વેઠ્યા છે, ભૂખ અને તરસ સહન કર્યા છે. ઘણી વાર ખાવા માટે કંઈ ન હતું. ઠંડીમાં અને પૂરતાં કપડાં વગર* દિવસો કાઢ્યા છે. ૨૮  એ વાતો સિવાય બધાં મંડળોની ચિંતા મને દરરોજ કોરી ખાય છે.* ૨૯  કોને કમજોર જોઈને મેં કમજોરી અનુભવી નથી? કોને ઠોકર ખાતો જોઈને મારો જીવ બળ્યો નથી? ૩૦  જો મારે બડાઈ કરવી જ પડે, તો હું એવી વાતોની બડાઈ કરીશ, જેમાં મારી કમજોરી દેખાય આવે. ૩૧  પ્રભુ ઈસુના ઈશ્વર અને પિતા, જેમની હંમેશાં સ્તુતિ થાય છે, તે જાણે છે કે હું જૂઠું બોલતો નથી. ૩૨  દમસ્કમાં, અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા માટે શહેર પર પહેરો ગોઠવ્યો હતો. ૩૩  પરંતુ, શહેરની દીવાલની બારીમાંથી મને ટોપલામાં બેસાડીને ઉતારવામાં આવ્યો. આમ, હું તેના હાથમાંથી છટકી ગયો.

ફૂટનોટ

મૂળ અર્થ, “ઈશ્વરનો ઉત્સાહ.”
અથવા, “લગ્‍નનું વચન આપ્યું છે.”
અથવા, “શુદ્ધ.”
શબ્દસૂચિમાં “નેફમા” જુઓ.
અથવા, “જીવન જરૂરિયાતની વસ્તુઓ લીધી.”
અથવા, “વંચિત રાખ્યા.”
અથવા, “બહાનું.”
એટલે કે, માણસોની નજરે.
મૂળ અર્થ, “સંતાન.”
મૂળ અર્થ, “અને નગ્‍ન હાલતમાં.”
અથવા, “મારા પર દરરોજ દબાણ આવે છે.”