૨ કોરીંથીઓ ૧૩:૧-૧૪

  • છેલ્લી ચેતવણીઓ અને સલાહ (૧-૧૪)

    • “તમે શ્રદ્ધાથી જીવો છો, એની પરખ કરતા રહો” ()

    • સુધારો કરો; એક મનના થાઓ (૧૧)

૧૩  આ ત્રીજી વાર હું તમારી પાસે આવવાનો છું. “બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થવી જોઈએ.” ૨  ખરું કે હું હમણાં હાજર નથી, પણ જાણે હું બીજી વાર તમારી સાથે હોઉં એમ મારી વાત સાંભળો; અને જેઓએ અગાઉ પાપ કર્યાં હતાં એ લોકોને અને બાકીના બધાને હું પહેલેથી ચેતવણી આપું છું કે જો હું ફરીથી આવીશ તો તેઓમાંનો કોઈ સજાથી બચશે નહિ. ૩  આ રીતે તમને સાબિતી મળશે કે ખ્રિસ્ત ખરેખર મારા દ્વારા બોલે છે. તે તમારી સાથેના વર્તનમાં કમજોર નથી, પણ શક્તિશાળી છે. ૪  કેમ કે તેમને વધસ્તંભ* પર કમજોર હાલતમાં* મારી નાખવામાં આવ્યા, પણ ઈશ્વરની શક્તિને લીધે તે જીવે છે. ખરું કે, અમે તેમની સાથે કમજોર હાલતમાં છીએ, પરંતુ અમે તેમની સાથે જીવીશું પણ ખરાં; ઈશ્વરની શક્તિને લીધે એ શક્ય થશે, જે શક્તિ તમારામાં પણ છે. ૫  તમે શ્રદ્ધાથી જીવો છો, એની પરખ કરતા રહો; તમે પોતે જે છો એની સાબિતી આપતા રહો. તમે ખ્રિસ્ત સાથે એકતામાં છો, એ શું તમે જાણતા નથી? પણ, જો તમે તેમની કૃપા ગુમાવી હોય તો અલગ વાત છે. ૬  હું સાચે જ આશા રાખું છું કે, અમે નાપસંદ થયા નથી એની તમને ખબર પડશે. ૭  હવે, અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો; એમ કરવાનું કારણ એ નથી કે અમે પસંદ થયેલા દેખાઈએ, પણ એ કારણ છે કે તમે એ જ કરો, જે ખરું છે, ભલેને અમે નાપસંદ થયેલા દેખાઈએ. ૮  કેમ કે અમે સત્ય વિરુદ્ધ કંઈ કરી શકતા નથી, ફક્ત સત્ય માટે જ કરી શકીએ છીએ. ૯  જ્યારે અમે કમજોર હોઈએ, પણ તમે શક્તિશાળી હો, ત્યારે અમે સાચે જ ઘણા ખુશ થઈએ છીએ. અને અમે આ પ્રાર્થના કરીએ છીએ કે તમારામાં સુધારો થતો રહે. ૧૦  હું ત્યાં હાજર નથી ત્યારે આ વાતો લખું છું, જેથી હું હાજર હોઉં ત્યારે, પ્રભુએ મને આપેલો અધિકાર મારે કડકાઈથી વાપરવો ન પડે; એ અધિકાર તોડી પાડવા માટે નથી, પણ દૃઢ કરવા માટે છે. ૧૧  છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો, દિલાસો પામો, એક મનના થાઓ અને શાંતિમાં રહો. પછી, પ્રેમ અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. ૧૨  પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો. ૧૩  બધા પવિત્ર જનો તમને સલામ મોકલે છે. ૧૪  પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા અને ઈશ્વરનો પ્રેમ તમારા બધા સાથે રહો; તેમ જ, તમને મંડળ તરીકે જેનાથી લાભ થાય છે, એ પવિત્ર શક્તિ પણ તમારા બધા સાથે રહો.

ફૂટનોટ

મૂળ અર્થ, “મોંથી.”
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, મનુષ્ય હોવાને લીધે.