૨ કોરીંથીઓ ૫:૧-૨૧

  • સ્વર્ગનું ઘર મેળવવું (૧-૧૦)

  • સુલેહ કરાવવાની સેવા (૧૧-૨૧)

    • નવું સર્જન (૧૭)

    • ખ્રિસ્તના રાજદૂતો (૨૦)

 અમે જાણીએ છીએ કે જો પૃથ્વી પરનું અમારું આ મંડપરૂપી ઘર* પાડી નાખવામાં આવે, તો અમને ઈશ્વર પાસેથી સ્વર્ગમાં કાયમ ટકનારી એવી ઇમારત, એવું ઘર મળશે, જે માણસના હાથે બંધાયેલું નથી. ૨  પૃથ્વી પરના આ ઘરમાં અમે ખરેખર નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગનું ઘર* મેળવવા આતુર છીએ, જે કપડાંની જેમ અમને ઢાંકી દેશે. ૩  એટલે, જ્યારે અમે એ પહેરી લઈશું ત્યારે અમે નગ્‍ન દેખાઈશું નહિ. ૪  અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગમાંનું ઘર મેળવવા ચાહીએ છીએ, જેથી હંમેશ માટેનું જીવન નાશવંત જીવનની જગ્યા લે. ૫  હવે, એને માટે અમને તૈયાર કરનાર તો ઈશ્વર છે, જેમણે અમને પવિત્ર શક્તિ આપી છે. આ રીતે, તેમણે ખાતરી* આપી છે કે આવનાર આશીર્વાદો અમને જરૂર આપશે. ૬  તેથી, આપણે હંમેશાં હિંમત રાખીએ છીએ અને જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી આપણે પ્રભુથી દૂર છીએ. ૭  કેમ કે આપણે જે નજરે પડે છે એનાથી નહિ, પણ શ્રદ્ધાથી ચાલીએ છીએ. ૮  આપણે હિંમત રાખીએ છીએ અને એવું ચાહીએ છીએ કે આ શરીરથી દૂર રહીએ અને પ્રભુની સાથે જીવીએ. ૯  તેથી, ભલે આપણે તેમની સાથે જીવીએ કે તેમનાથી દૂર રહીએ, પણ તેમને પસંદ પડીએ એવો ધ્યેય રાખીએ છીએ. ૧૦  કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ* કામો કર્યાં હોય, એનો બદલો દરેકને આપવામાં આવે. ૧૧  તેથી, અમે પ્રભુનો ભય રાખીને લોકોને અમારી વાત માનવા સમજાવીએ છીએ, પણ ઈશ્વર અમારા વિશે સારી રીતે જાણે છે. હું આશા રાખું છું કે તમે* પણ અમારા વિશે સારી રીતે જાણો છો. ૧૨  અમે તમારી આગળ ફરીથી પોતાની ભલામણ કરતા નથી, પણ તમને અમારા વિશે અભિમાન કરવાની તક આપીએ છીએ; એ માટે કે દિલમાં જે છે એના બદલે બહારનો દેખાવ જોઈને જેઓ બડાઈ કરે છે, તેઓને તમે જવાબ આપી શકો. ૧૩  જો અમે પાગલ થયા હોઈએ તો એ ઈશ્વરને માટે છે; જો અમે સમજુ હોઈએ તો એ તમારા માટે છે. ૧૪  ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે, કેમ કે અમે આ નિર્ણય પર આવ્યા છીએ: એક માણસ બધા માટે મરણ પામ્યા, કારણ કે બધા લોકો પહેલેથી મરણ પામી ચૂક્યા હતા; ૧૫  અને બધા માટે તે મરણ પામ્યા હોવાથી, જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે, પણ જે તેઓ માટે મરણ પામ્યા અને સજીવન થયા તેમના માટે જીવે. ૧૬  એ માટે, હવેથી અમે કોઈને માણસોની નજરે જોતા નથી. ખરું કે એક સમયે ખ્રિસ્તને અમે માણસોની નજરે જોતા હતા, પણ હવેથી અમે તેમને એ રીતે જોતા નથી. ૧૭  તેથી, જો કોઈ ખ્રિસ્ત સાથે એકતામાં હોય, તો તે નવું સર્જન છે; જે જૂનું છે, એ ચાલ્યું ગયું છે; જુઓ! નવું આવ્યું છે. ૧૮  પરંતુ, બધું જ ઈશ્વર પાસેથી છે, જે ખ્રિસ્ત દ્વારા પોતાની સાથે અમારી સુલેહ કરાવે છે અને અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે. ૧૯  એટલે કે, ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પોતાની સાથે દુનિયાની સુલેહ કરાવે છે અને લોકોના ગુનાઓનો તે હિસાબ રાખતા નથી; તેમણે સુલેહનો સંદેશો અમને સોંપ્યો છે. ૨૦  આમ, અમે ખ્રિસ્તના રાજદૂતો હોવાથી, ઈશ્વર જાણે અમારા દ્વારા અરજ કરે છે. ખ્રિસ્તના રાજદૂતો તરીકે અમે આજીજી કરીએ છીએ: “ઈશ્વર સાથે સુલેહ કરો.” ૨૧  ખ્રિસ્ત, જેમણે કદી પાપ કર્યું ન હતું, તેમને ઈશ્વરે અમારા માટે પાપનું અર્પણ બનાવ્યા, જેથી તેમના દ્વારા અમે ઈશ્વર આગળ નેક ઠરીએ.

ફૂટનોટ

અહીં ‘ઘર’ કે ‘રહેઠાણ’ પૃથ્વી પરના શરીરને કે સ્વર્ગમાંના શરીરને રજૂ કરે છે.
અથવા, “સ્વર્ગનું રહેઠાણ.”
અથવા, “બાનું; બાંયધરીની રકમ (સાટા પેટે આપેલી રકમ); જે આવવાનું છે એની સાબિતી (વચન).”
એટલે કે, આપણે કેવા છીએ એ ખુલ્લું પાડવામાં આવશે.
અથવા, “દુષ્ટ.”
મૂળ અર્થ, “તમારા અંતઃકરણ.”