૨ કોરીંથીઓ ૭:૧-૧૬

  • ગંદકીથી પોતાને શુદ્ધ કરીએ ()

  • કોરીંથીઓ માટે પાઊલનો આનંદ (૨-૪)

  • તિતસ સારો અહેવાલ લાવે છે (૫-૭)

  • ઈશ્વરને પસંદ પડે એવી ઉદાસી અને પસ્તાવો (૮-૧૬)

 તેથી વહાલાઓ, આપણને આ વચનો મળેલાં હોવાથી, ચાલો આપણે તન-મનની* દરેક પ્રકારની ગંદકીથી પોતાને શુદ્ધ કરીએ અને ઈશ્વરનો ડર રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ. ૨  તમારા દિલમાં અમારા માટે જગ્યા કરો. અમે કોઈનું કંઈ બગાડ્યું નથી, અમે કોઈનું મન ભ્રષ્ટ કર્યું નથી, અમે કોઈનો ફાયદો ઉઠાવ્યો નથી. ૩  હું તમારો દોષ કાઢવા એ નથી કહેતો. મેં પહેલાં જણાવ્યું છે તેમ, આપણે જીવીએ કે મરીએ પણ તમે અમારા દિલમાં જ છો. ૪  હું તમારી સાથે છૂટથી વાત કરી શકું છું. તમારા માટે મને બહુ અભિમાન છે. મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને અમારી બધી મુસીબતોમાં હું આનંદથી ભરપૂર છું. ૫  હકીકતમાં, અમે મકદોનિયા આવ્યા ત્યારે, અમને જરાય રાહત મળી નહિ, પણ ડગલે ને પગલે અમારે દુઃખોનો સામનો કરવો પડ્યો. બહાર સખત વિરોધ હતો અને અંદર ઘણો ડર હતો. ૬  પરંતુ, નિરાશ લોકોને દિલાસો આપનાર ઈશ્વરે અમને તિતસની મુલાકાત* દ્વારા દિલાસો આપ્યો; ૭  અને ફક્ત તેની મુલાકાતથી જ નહિ, તમારા કારણે તેને જે દિલાસો મળ્યો એનાથી પણ અમે દિલાસો પામ્યા. તેણે જણાવ્યું કે તમે મને જોવાની ઝંખના રાખો છો; તેમ જ, તમે ઘણો શોક કર્યો છે અને મારા માટે તમને ઘણી ચિંતા છે.* એ જાણીને મને વધારે આનંદ થયો છે. ૮  મેં તમને મારા પત્રથી ઉદાસ કર્યા હોય, તોપણ મને એનો અફસોસ નથી. અરે, જો મને પહેલા અફસોસ થયો પણ હોય (એ જોઈને કે તમે પત્રથી ઉદાસ થઈ ગયા છો, ભલેને એ થોડી વાર માટે જ હોય), ૯  તો હવે મને આનંદ થાય છે; ફક્ત એ માટે નહિ કે તમે ઉદાસ થયા, પણ તમે ઉદાસ થઈને પસ્તાવો કર્યો એ માટે. કેમ કે તમે ઈશ્વરને પસંદ પડે એ રીતે ઉદાસ થયા હતા, જેથી અમારા લીધે તમને કોઈ નુકસાન ન થાય. ૧૦  ઈશ્વરને પસંદ પડે એ રીતે ઉદાસ થવાથી તારણ લાવતો પસ્તાવો ઉત્પન્‍ન થાય છે, જેનાથી કોઈ અફસોસ થતો નથી; પણ દુનિયાની જેમ ઉદાસ થવાથી મરણ આવે છે. ૧૧  જુઓ! ઈશ્વરને પસંદ પડે એ રીતે ઉદાસ થવાથી તમારામાં કેવી ધગશ જાગી! પોતાને નિર્દોષ સાબિત કરવા કેવી હોંશ જાગી! કેવો રોષ, કેવો ડર, દિલની કેવી તમન્‍ના, કેવો ઉત્સાહ! ખોટું સુધારીને ખરું કરવાની કેવી ધગશ! આ કિસ્સામાં, તમે દરેક રીતે પોતાને શુદ્ધ* સાબિત કર્યા છે. ૧૨  ખરું કે મેં તમને લખ્યું, પણ ખોટું કરનાર માટે કે પછી એનો ભોગ બનનાર માટે નહિ; પરંતુ, એ માટે લખ્યું હતું, જેથી અમારા માટેનો તમારો ઉત્સાહ ઈશ્વર આગળ અને તમારી વચ્ચે દેખાઈ આવે. ૧૩  એ વાતથી અમને દિલાસો મળ્યો છે. અને દિલાસાની સાથે સાથે અમને તિતસની ખુશીને લીધે વધારે આનંદ પણ થયો છે, કારણ કે તમે બધાએ તેને ઘણી તાજગી આપી છે. ૧૪  મેં તિતસ આગળ તમારા વિશે બડાઈ કરી હોય તો, મારે શરમાવું પડ્યું નથી; પણ, અમે તમને કહેલી બધી વાતો જેટલી સાચી છે, એટલી જ અમે તેની આગળ કરેલી બડાઈ પણ સાચી સાબિત થઈ છે. ૧૫  તેમ જ, તમે બધા જે રીતે આજ્ઞાંકિત રહ્યા અને તેનો આદરથી આવકાર કર્યો, એ યાદ કરીને તમારા માટેનો તેનો પ્રેમ ઘણો વધી ગયો છે. ૧૬  મને આનંદ થાય છે કે હું દરેક રીતે તમારામાં ભરોસો રાખી શકું છું.*

ફૂટનોટ

શબ્દસૂચિમાં “નેફમા” જુઓ.
મૂળ અર્થ, “હાજરી.”
મૂળ અર્થ, “તમારો ઉત્સાહ.”
અથવા, “પવિત્ર; નિર્દોષ.”
અથવા કદાચ, “તમારા લીધે મને હિંમત મળે.”