૨ કોરીંથીઓ ૮:૧-૨૪

  • યહુદિયાના ખ્રિસ્તીઓ માટે દાન ભેગું કરવું (૧-૧૫)

  • તિતસને કોરીંથ મોકલવામાં આવ્યો (૧૬-૨૪)

 હવે ભાઈઓ, મકદોનિયાનાં મંડળો પર ઈશ્વરે વરસાવેલી અપાર કૃપા વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ. ૨  તેઓએ આકરી કસોટી દરમિયાન દુઃખ-તકલીફો સહન કર્યાં; ઘણા ગરીબ હોવા છતાં, તેઓએ બેહદ આનંદથી અને ભરપૂર* ઉદારતાથી બતાવી આપ્યું કે તેઓ ધનવાન છે. ૩  તેઓએ પોતાની શક્તિ પ્રમાણે એ કર્યું; હા, હું સાક્ષી પૂરું છું કે તેઓએ તો પોતાની શક્તિ કરતાં વધારે આપ્યું. ૪  તેઓએ પોતે પહેલ કરીને અમને ખૂબ કાલાવાલા કર્યા કે દાન આપવાની તક તેઓને મળે, જેથી પવિત્ર જનો માટેની રાહત સેવામાં તેઓ ભાગ લઈ શકે. ૫  અને અમે આશા રાખી હતી એનાથી તેઓએ ઘણું વધારે કર્યું; ઈશ્વરની ઇચ્છાથી તેઓએ પહેલા પૂરા દિલથી પ્રભુની સેવા કરી અને પછી અમારી સેવા કરી. ૬  એટલે, અમે તિતસને ઉત્તેજન આપ્યું કે તેણે તમારી પાસેથી દાન ભેગું કરવાનું જે કામ શરૂ કર્યું હતું, એ પૂરું પણ કરે. ૭  તમે બધી વાતે ધગશ બતાવો છો: શ્રદ્ધામાં, ઉપદેશમાં, જ્ઞાનમાં, ઉત્સાહમાં અને તમારા માટે અમને જેવો પ્રેમ છે એવો પ્રેમ બતાવવામાં; એવી જ ધગશ તમે દાન આપવામાં પણ બતાવજો. ૮  આ હું તમને આજ્ઞા તરીકે નથી કહેતો, પણ બીજા લોકોના ઉત્સાહની તમને જાણ થાય અને તમારો પ્રેમ કેટલો સાચો છે એ પરખાય, એના માટે કહું છું. ૯  તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા જાણો છો કે ભલે તે ધનવાન હતા, તોપણ તે તમારા માટે ગરીબ બન્યા, જેથી તેમની ગરીબીને લીધે તમે ધનવાન બની શકો. ૧૦  એ વિશે હું મારો મત જણાવું છું: આ કામ પૂરું કરવું તમારા ભલા માટે છે, કેમ કે તમે એક વર્ષ પહેલાં એ શરૂ કર્યું હતું અને એને પૂરું કરવાની ઝંખના પણ રાખી હતી. ૧૧  એટલે, હવે જે ધગશથી તમે એ કામ શરૂ કર્યું હતું, એ જ ધગશથી તમારી શક્તિ પ્રમાણે એ કામ પૂરું પણ કરો. ૧૨  કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે નથી એ પ્રમાણે નહિ, પણ જે છે એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે. ૧૩  એવું નથી કે હું બીજાઓનું જીવન સહેલું અને તમારું જીવન અઘરું બનાવવા માંગું છું. ૧૪  પણ હું ચાહું છું કે બધે સમાનતા હોય. અત્યારે તમારી પાસે જે વધારે છે, એનાથી તેઓની ખોટ પૂરી થાય અને તેઓની પાસે જે વધારે છે, એનાથી તમારી ખોટ પણ પૂરી થાય. આમ, બધે સમાનતા જળવાય રહે. ૧૫  જેમ લખેલું છે: “જેની પાસે વધારે હતું, તેની પાસે ઘણું વધારે ન હતું અને જેની પાસે ઓછું હતું, તેની પાસે બહુ ઓછું ન હતું.” ૧૬  હવે, ઈશ્વરનો આભાર કે તેમણે તિતસના દિલમાં એવી જ લાગણી જગાડી છે, જેવી અમને તમારા માટે છે. ૧૭  તેણે અમારી વાત માની એટલું જ નહિ, પણ તેને ઘણી ધગશ હોવાથી પોતાની મરજીથી તમારી પાસે આવી રહ્યો છે. ૧૮  અમે તેની સાથે એક ભાઈને પણ મોકલીએ છીએ. ખુશખબર માટે એ ભાઈએ કરેલાં કામોને લીધે બધાં મંડળો તેના વખાણ કરે છે. ૧૯  એટલું જ નહિ, મંડળોએ તેને પણ અમારી સાથે મુસાફરી કરીને દાન વહેંચવા પસંદ કર્યો છે, જેથી અમારી આ સેવાથી પ્રભુને મહિમા મળે અને બીજાઓને મદદ કરવા અમે તૈયાર છીએ એમ સાબિત થાય. ૨૦  અમને સોંપાયેલા ઉદાર દાનની અમે જે રીતે દેખરેખ રાખીએ છીએ, એના વિશે કોઈ માણસ અમારો વાંક ન કાઢે, એનું અમે ધ્યાન રાખીએ છીએ. ૨૧  કેમ કે અમે ‘ફક્ત યહોવાની* નજરમાં જ નહિ, માણસની નજરમાં પણ દરેક વાતમાં ઇમાનદાર રહીએ, એનું ધ્યાન રાખીએ છીએ.’ ૨૨  વધુમાં, અમે તેઓની સાથે બીજા એક ભાઈને મોકલીએ છીએ, જેની અમે વારંવાર પરખ કરી છે અને તે ઘણી વાતોમાં મહેનતુ સાબિત થયો છે. પણ તમારામાં તેને પૂરો ભરોસો હોવાથી, હવે તે વધારે મહેનતુ બન્યો છે. ૨૩  જો તિતસ વિશે કોઈ પૂછે તો કહેજો કે તે મારો સાથી* છે અને તમારા લાભને માટે મારી સાથે કામ કરે છે; અથવા જો અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે, તો કહેજો કે તેઓ મંડળોના પ્રેરિતો છે અને ખ્રિસ્તનું ગૌરવ છે. ૨૪  તેથી, તેઓને તમારા પ્રેમનો પુરાવો આપો અને મંડળોને બતાવો કે અમે તમારા વિશે કેમ બડાઈ કરીએ છીએ.

ફૂટનોટ

અથવા, “પુષ્કળ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “ભાગીદાર.”