૨ કોરીંથીઓ ૯:૧-૧૫

  • આપવા વિશે ઉત્તેજન (૧-૧૫)

    • રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે ()

 હવે, પવિત્ર જનોની સેવા વિશે તમને કંઈ લખવાની મને જરૂર લાગતી નથી, ૨  કેમ કે હું જાણું છું કે તમે મદદ કરવા તૈયાર છો. એના વિશે હું મકદોનિયાના ભાઈઓ આગળ બડાઈ કરું છું કે અખાયામાં રહેનારા તમે એક વર્ષથી મદદ કરવા તૈયાર છો. તમારા ઉત્સાહે મકદોનિયાના મોટા ભાગના ભાઈઓની હોંશ વધારી છે. ૩  પરંતુ, હું ભાઈઓને મોકલું છું, જેથી આ વિશે તમારા માટેની અમારી બડાઈ નકામી ન જાય; અને મેં તેઓને જણાવ્યું હતું કે તમે તૈયાર હશો, એટલે તમે સાચે જ તૈયાર રહેજો. ૪  નહિતર, મકદોનિયાના ભાઈઓ મારી સાથે આવે અને જુએ કે તમે તૈયાર નથી તો, અમારે અને તમારે કેટલું શરમાવું પડે કે અમે તમારામાં આટલો ભરોસો મૂક્યો હતો! ૫  એટલે, મને એ જરૂરી લાગ્યું કે હું ભાઈઓને અમારા પહેલાં તમારી પાસે આવવાનું અને તમે વચન આપેલું ઉદાર દાન અગાઉથી તૈયાર કરી રાખવાનું ઉત્તેજન આપું. આમ, એ જબરદસ્તીથી આપેલા દાન તરીકે નહિ, પણ ઉદારતાથી આપેલા દાન તરીકે તૈયાર હોય. ૬  એટલું ધ્યાનમાં રાખજો કે જે કોઈ કંજૂસાઈથી વાવે છે, તે થોડું લણશે અને જે કોઈ ઉદારતાથી વાવે છે, તે ઘણું લણશે. ૭  દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું; કચવાતા દિલે* નહિ અથવા ફરજને લીધે નહિ, કેમ કે રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. ૮  વધુમાં, ઈશ્વર તમારા પર ભરપૂરપણે પોતાની અપાર કૃપા વરસાવી શકે છે, જેથી તમને જેની જરૂર છે એ તમારી પાસે હંમેશાં પૂરતા પ્રમાણમાં હોય; અને દરેક ભલું કામ કરવા જે જરૂરી છે, એ પણ તમારી પાસે ભરપૂર પ્રમાણમાં હોય. ૯  (જેમ લખેલું છે કે, “તેણે ખુલ્લા દિલથી* વહેંચ્યું છે; તેણે ગરીબોને આપ્યું છે. તેનાં નેક કામો કાયમ રહે છે.” ૧૦  હવે, જે ઈશ્વર વાવનારને અઢળક બી અને ખાવા માટે લોકોને પુષ્કળ રોટલી પૂરાં પાડે છે, તે વાવવા માટે તમને બી પૂરાં પાડશે અને પુષ્કળ પ્રમાણમાં આપશે અને તમારાં નેક કામોનું ફળ વધારશે.) ૧૧  ઈશ્વર તમને દરેક રીતે આશીર્વાદ આપે છે, જેથી તમે દરેક રીતે ઉદારતાથી આપી શકો અને અમારા કાર્ય દ્વારા ઈશ્વરનો આભાર માનવામાં આવે. ૧૨  કારણ કે આ સેવાકાર્ય* પવિત્ર જનોની જરૂરિયાતો સારી રીતે પૂરી કરે છે, એટલું જ નહિ, એના લીધે લોકો ઈશ્વરનો ઘણો આભાર પણ માને છે. ૧૩  આ રાહત સેવા જે પુરાવો આપે છે એનાથી તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે, કારણ કે તમે બધાને જણાવો છો તેમ, તમે ખ્રિસ્ત વિશેની ખુશખબરને આધીન રહો છો; અને તમે તેઓ માટે અને બધા માટે દાન આપવામાં ઉદાર છો. ૧૪  અને તમારા પર ઈશ્વરની અપાર કૃપાને લીધે, તેઓ તમારા માટે વિનંતી કરે છે અને લાગણી બતાવે છે. ૧૫  વર્ણન ન થઈ શકે એવું દાન આપવા માટે ઈશ્વરનો આભાર!

ફૂટનોટ

અથવા, “આનાકાનીથી.”
અથવા, “ઉદારતાથી.”
અથવા, “જનસેવા.”