૨ થેસ્સાલોનિકીઓ ૧:૧-૧૨
૧ હું પાઊલ, સિલ્વાનુસ* અને તિમોથી સાથે મળીને થેસ્સાલોનિકાના મંડળને લખું છું, જે મંડળ ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત* સાથે એકતામાં છે:
૨ ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને અપાર કૃપા અને શાંતિ મળે.
૩ ભાઈઓ, તમારા માટે હંમેશાં ઈશ્વરનો આભાર માનવાને અમે ફરજ ગણીએ છીએ. એમ કરવું યોગ્ય છે, કેમ કે તમારી શ્રદ્ધા ઝડપથી વધતી જાય છે અને એકબીજા માટે તમારો પ્રેમ વધતો ને વધતો જાય છે.
૪ તમે ધીરજ અને શ્રદ્ધાથી જે બધી સતાવણી અને મુસીબતો* સહન કરી રહ્યા છો, એના લીધે ઈશ્વરનાં મંડળોમાં અમે પોતે તમારા માટે ગર્વ કરીએ છીએ.
૫ આ ઈશ્વરના ખરા ન્યાયની સાબિતી છે, જેના લીધે તમને ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય ગણવામાં આવે છે; અને એ કારણે તમે સહન કરી રહ્યા છો.
૬ એ ધ્યાનમાં લેતાં, ઈશ્વર માટે એ વાજબી ગણાય કે તમારા પર મુસીબતો લાવનારા લોકો પર બદલો વાળે.
૭ પણ, પ્રભુ ઈસુ અગ્નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે, તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે.
૮ એ સમયે, જેઓ ઈશ્વરને જાણતા નથી અને આપણા પ્રભુ ઈસુ વિશેની ખુશખબર માનતા નથી, તેઓ પર તે વેર વાળશે.
૯ એ લોકોને હંમેશ માટેના નાશની સજા કરીને પ્રભુની નજર સામેથી દૂર કરવામાં આવશે અને તેઓ તેમના સામર્થ્યનો મહિમા જોઈ શકશે નહિ.
૧૦ એ સમયે, તે પોતાના પવિત્ર જનો સાથે મહિમાવાન થવા આવશે અને એ દિવસે શ્રદ્ધા મૂકનારાઓ તેમના લીધે નવાઈ પામશે; તમે પણ એમાં ભાગ લેશો, કેમ કે અમે આપેલી સાક્ષીમાં તમે શ્રદ્ધા મૂકી છે.
૧૧ એટલે જ, અમે તમારા માટે હંમેશાં પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વરે તમને જે આમંત્રણ આપ્યું છે એને યોગ્ય તમને ગણે; ઈશ્વરને ગમે છે એ બધાં સારાં કામો પોતાની શક્તિથી તે પૂરાં કરે અને તમારી શ્રદ્ધાનાં કામોને સફળ કરે.
૧૨ આમ, આપણા ઈશ્વરની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા પ્રમાણે, તમારા દ્વારા આપણા પ્રભુ ઈસુના નામનો મહિમા થાય અને તેમના દ્વારા તમારો મહિમા થાય.