અયૂબ ૧૧:૧-૨૦
૧૧ સોફાર+ નાઅમાથીએ અયૂબને જવાબ આપ્યો:
૨ “શું તારો બડબડાટ સાંભળીને કોઈ ચૂપ રહેશે?
શું તારા બહુ બોલવાથી તું સાચો સાબિત થઈ જશે?*
૩ શું તારા બકવાસથી લોકોનાં મોં બંધ થઈ જશે?
શું તું મજાક ઉડાવતો+ રહીશ અને તને કોઈ ઠપકો નહિ આપે?
૪ તું કહે છે, ‘હું જે કહું છું, એ જ ખરું છે,+ઈશ્વરની નજરમાં હું શુદ્ધ છું.’+
૫ કાશ! ઈશ્વર તારી સાથે વાત કરે,અને તારી આગળ પોતાનું મોં ઉઘાડે!+
૬ સાંભળ, ડહાપણનાં તો ઘણાં પાસાં છે.
ઈશ્વર જ્યારે પોતાના ડહાપણનું રહસ્ય તારી આગળ છતું કરશે,ત્યારે તને ખ્યાલ આવશે કે, તે તારી કેટલીય ભૂલોનો હિસાબ રાખતા નથી.
૭ શું તું ઈશ્વર વિશેની ઊંડી વાતો શોધી શકે?
શું તું સર્વશક્તિમાન વિશે બધું જ જાણી શકે?*
૮ ઈશ્વરનું ડહાપણ આકાશ કરતાં પણ ઊંચું છે. શું તું ત્યાં પહોંચી શકે?
એ પાતાળ* કરતાં પણ ઊંડું છે. શું તું ત્યાં ઊતરી શકે?
૯ એ પૃથ્વી કરતાં પણ વિશાળ છે,સમુદ્ર કરતાં પણ પહોળું છે.
૧૦ જો ઈશ્વર કોઈને પકડીને અદાલતમાં લઈ આવે,તો તેમને કોણ રોકી શકે?
૧૧ માણસોનું કપટ તેમના ધ્યાન બહાર જતું નથી,તે કંઈ ખોટું થતાં જુએ ત્યારે, પોતાની આંખો મીંચતા નથી.
૧૨ જો જંગલી ગધેડો માણસને જન્મ આપે,તો જ અક્કલ વગરનો માણસ સમજદાર બને.
૧૩ જો તું ઈશ્વર આગળ હાથ ફેલાવેઅને પોતાના મનમાં ગાંઠ વાળે કે,
૧૪ તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરશે,અને તારા તંબુમાંથી દુષ્ટતા હટાવશે,
૧૫ તો જ તું નિર્દોષ ઠરશે અને તારું માથું ઊંચું કરી શકશેઅને નીડરપણે દૃઢ ઊભો રહી શકશે.
૧૬ એ વખતે તું તારી તકલીફો ભૂલી જશે;વહી ગયેલા પાણીની જેમ એ તારી યાદમાંથી નીકળી જશે.
૧૭ તારું જીવન ભરબપોર કરતાંય વધારે તેજસ્વી થશે.
અરે, એનો અંધકાર પણ પ્રભાતના પ્રકાશની જેમ ચમકશે.
૧૮ સોનેરી આશાને લીધે તું નિશ્ચિંત બની જશે,ચારે બાજુ સલામતી જોઈને તું નિરાંતે ઊંઘી જશે.
૧૯ તું શાંતિથી સૂઈ જશે અને તને કોઈ ડરાવશે નહિ,તારી કૃપા મેળવવા ઘણા લોકો તને શોધતા આવશે.
૨૦ પણ દુષ્ટોની આંખો ધૂંધળી થઈ જશે;નાસી છૂટવા તેઓને કોઈ જગ્યા નહિ મળે,મરણ જ તેઓનો આખરી મુકામ થશે.”+
ફૂટનોટ
^ અથવા, “શું ડંફાસ મારનાર સાચો સાબિત થશે?”
^ અથવા, “સર્વશક્તિમાનનો પાર પામી શકે?”
^ શબ્દસૂચિમાં “કબર” જુઓ.