અયૂબ ૩૫:૧-૧૬
૩૫ અલીહૂએ આગળ કહ્યું:
૨ “શું તમને એટલો બધો ભરોસો છે કે તમે જ ખરા છો?
શું એટલે જ તમે કહો છો, ‘હું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છું’?+
૩ તમે કહો છો, ‘હું નેક રહું એનાથી કોઈને* શું ફરક પડે છે?
પાપ ન કરવાથી મને શો ફાયદો થયો છે?’+
૪ હું તમને જવાબ આપીશ,હા, તમારા સાથીઓને+ પણ જવાબ આપીશ.
૫ તમારી નજર ઊંચી કરીને આકાશ તરફ જુઓ,ઊંચાં ઊંચાં વાદળોને જુઓ!+
૬ જો તમે પાપ કરો, તો એનાથી ઈશ્વરનું શું બગાડો છો?+
જો તમારા અપરાધ વધી જાય, તો એનાથી તમે ઈશ્વરને શું નુકસાન કરો છો?+
૭ જો તમે નેક હો, તો તમે ઈશ્વરને શું આપો છો?
અને તે તમારી પાસેથી શું મેળવે છે?+
૮ તમારી દુષ્ટતાથી તમારા જેવા માણસને જ નુકસાન થાય છે,અને તમારી નેકીથી લોકોને જ ફાયદો થાય છે.
૯ સતાવણી સહેવાને લીધે લોકો તોબા પોકારી ઊઠે છે;શક્તિશાળીના પંજામાંથી છૂટવા તેઓ કરગરે છે.+
૧૦ પણ કોઈ કહેતું નથી, ‘ઈશ્વર ક્યાં છે? મારા મહાન રચનાર ક્યાં છે,+જે રાતે ગીતો ગાવા પ્રેરણા આપે છે?’+
૧૧ તે પૃથ્વીનાં જાનવરો+ કરતાં આપણને વધારે શીખવે છે,+હા, આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે જ્ઞાની બનાવે છે.
૧૨ લોકો તેમને હાંક મારે છે,પણ દુષ્ટોના ઘમંડને+ લીધે તે જવાબ આપતા નથી.+
૧૩ સાચે જ, ઈશ્વર વ્યર્થ પોકાર* સાંભળતા નથી;+સર્વશક્તિમાન એના પર ધ્યાન આપતા નથી.
૧૪ હે અયૂબ, તમે કહો છો કે તમે ઈશ્વરને જોયા નથી!+ તો શું તમને લાગે છે કે તે તમારું સાંભળશે?
તમારો મુકદ્દમો તેમની આગળ છે, એટલે તેમના ચુકાદાની આતુરતાથી રાહ જુઓ.+
૧૫ કેમ કે તેમણે ગુસ્સે ભરાઈને તમને સજા કરી નથી;અરે, તમારાં કડવાં વેણનો હિસાબ પણ રાખ્યો નથી.+
૧૬ એટલે અયૂબ પોતાનું મોં નકામું ખોલે છે;તે સમજ્યા વગર બોલ બોલ કરે છે.”+