અયૂબ ૪૦:૧-૨૪
૪૦ યહોવાએ અયૂબને આગળ કહ્યું:
૨ “સર્વશક્તિમાનનો વાંક કાઢીને શું કોઈ તેમની સામે લડી શકે?+
જે ઈશ્વરને ઠપકો આપવા માંગે છે, તે જ એનો જવાબ આપે.”+
૩ અયૂબે યહોવાને કહ્યું:
૪ “જુઓ! મારી શી વિસાત?+
હું તમને શો જવાબ આપું?
હું હવે મારા મોં પર હાથ મૂકું છું.+
૫ હું એક વાર, હા, બે વાર બોલ્યો, પણ હવે નહિ બોલું;એક શબ્દ પણ નહિ બોલું.”
૬ પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને કહ્યું:+
૭ “હે માણસ, તારી કમર કસ;હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.+
૮ શું તું મારા ન્યાય પર સવાલ ઉઠાવીશ?*
પોતાને નેક સાબિત કરવા શું તું મને દોષિત ઠરાવીશ?+
૯ શું તારા હાથ સાચા ઈશ્વરના હાથ જેટલા શક્તિશાળી છે?+
શું તું તેમના જેવા અવાજથી ગર્જના કરી શકે છે?+
૧૦ જો કરી શકતો હોય, તો પોતાને ગૌરવ અને સામર્થ્યથી શણગાર;ગરિમા અને વૈભવનાં કપડાં પહેર.
૧૧ તારા ગુસ્સાની જ્વાળાઓ પ્રગટાવ;અભિમાનીઓને જોઈને તેઓને નીચા પાડ.
૧૨ ઘમંડીઓનું ઘમંડ તોડી નાખ,દુષ્ટોને જોતા જ તેઓને કચડી નાખ.
૧૩ તેઓને માટીમાં દાટી દે;તેઓને* ગાઢ અંધકારમાં બાંધી દે,
૧૪ પછી હું પણ કબૂલ કરીશ કે,*તારો જમણો હાથ તને બચાવી શકે છે.
૧૫ હવે દરિયાઈ ઘોડાને* જો. જેમ મેં તને સર્જ્યો, તેમ એને પણ સર્જ્યો છે.
એ બળદની જેમ ઘાસ ખાય છે.
૧૬ જો! એના પગમાં કેટલું બળ છે!
એના પેટના સ્નાયુઓમાં કેટલી તાકાત છે!
૧૭ એની પૂંછડી દેવદારના ઝાડ જેવી કઠણ છે;એના થાપાના સ્નાયુઓ એકબીજા સાથે ગૂંથાયેલા છે.
૧૮ એનાં હાડકાં તાંબાની નળીઓ જેવાં છે;એના પગ લોઢાના સળિયા જેવા છે.
૧૯ કદાવર જાનવરોમાં સૌથી પહેલા એનું સર્જન થયું;ફક્ત એના સર્જનહાર જ એના પર તલવાર ચલાવી શકે છે.
૨૦ પર્વતો એને ખોરાક પીરસે છે,ત્યાં જ બધાં જંગલી જાનવરો રમે છે.
૨૧ એ ઝાડી-ઝાંખરાં નીચે આરામ ફરમાવે છે,નદી-નાળાંના બરુઓ વચ્ચે આશરો લે છે.
૨૨ ઝાડી-ઝાંખરાં એના પર છાયો પાથરે છે,ખીણનાં ઝાડ* એને ઘેરી વળે છે.
૨૩ જો નદી ગાંડીતૂર થાય, તોપણ એ ગભરાતો નથી.
જો યર્દન+ નદીનું પાણી એના પર ચઢી આવે, તોપણ એ નિશ્ચિંત રહે છે.
૨૪ એ જોતો હોય ત્યારે, શું કોઈ એને પકડી શકે?
શું કોઈ ગલથી* એનું નાક વીંધી શકે?
ફૂટનોટ
^ અથવા, “ન્યાયને રદ કરીશ?”
^ મૂળ, “તેઓનાં મોંને.”
^ અથવા, “તારા વખાણ કરીશ.”
^ હિબ્રૂ, બહેમોથ. એટલે કે, હિપોપોટેમસ.
^ અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.
^ મૂળ, “ફાંદાથી.”