અયૂબ ૮:૧-૨૨

  • બિલ્દાદનું પહેલું ભાષણ (૧-૨૨)

    • તેણે કહ્યું કે કદાચ અયૂબના દીકરાઓએ પાપ કર્યું હશે ()

    • ‘જો તું પવિત્ર હોઈશ, તો તે તારું રક્ષણ કરશે’ ()

    • તેના કહેવાનો અર્થ હતો કે અયૂબ અધર્મી છે (૧૩)

 બિલ્દાદ+ શૂહીએ+ જવાબમાં કહ્યું:  ૨  “તું ક્યાં સુધી આમ બોલ્યા કરીશ?+ તું તો બકવાસ કરે છે!*  ૩  શું ઈશ્વર કદી ન્યાય ઊંધો વાળે? શું સર્વશક્તિમાન જે ખરું છે, એ જ નહિ કરે?  ૪  બની શકે, તારા દીકરાઓએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે,એટલે તો ઈશ્વરે તેઓને બંડની સજા કરી છે;  ૫  પણ જો તું ઈશ્વર તરફ મીટ માંડીશ,+અને સર્વશક્તિમાન પાસે દયાની ભીખ માંગીશ,  ૬  જો તું પવિત્ર અને પ્રમાણિક* હોઈશ,+તો તે તારા પર ધ્યાન આપશે*અને પહેલાંની જેમ તને તારું સ્થાન પાછું આપશે.  ૭  ભલે તારી શરૂઆત મામૂલી હતી,પણ તારું ભવિષ્ય સોનેરી હશે.+  ૮  અગાઉની પેઢીઓને પૂછ,તેઓને જે જાણવા મળ્યું એના પર ધ્યાન આપ.+  ૯  કેમ કે આપણો જન્મ તો હજી ગઈ કાલે જ થયો છે અને કશું જાણતા નથી,આપણું જીવન ઘડી બે ઘડીનું છે. ૧૦  શું તેઓ તને નહિ શીખવે? પોતાનાં મનની વાત તેઓ તને નહિ જણાવે? ૧૧  શું કાદવ* વગર નેતર વધે? શું પાણી વગર બરુ* ઊગે? ૧૨  હજી તો એમાં કળી ફૂટી હોય અને એને તોડી પણ ન હોય,ત્યાં સુધીમાં તો એ બીજા છોડ પહેલાં સુકાઈ જાય છે. ૧૩  જેઓ ઈશ્વરને ભૂલી જાય છે, તેઓના એવા જ હાલ થાય છે,કેમ કે અધર્મીની* આશા મરી પરવારે છે. ૧૪  તેનો ભરોસો વ્યર્થ છે,કરોળિયાની જાળની* જેમ તરત તૂટી પડે છે. ૧૫  તે એ જાળ* પર ટેકો લેશે, પણ એ તૂટી જશે;તે એને મજબૂતીથી પકડી રાખવા પ્રયત્ન કરશે, પણ એ ટકશે નહિ. ૧૬  સૂર્યપ્રકાશમાં તે લીલાછમ છોડ જેવો છે,એની ડાળીઓ ફૂટીને બાગમાં ફેલાય છે.+ ૧૭  એનાં મૂળિયાં પથ્થરોની આસપાસ વીંટળાય છે;પથ્થરોમાં એ પોતાનું ઘર શોધે છે. ૧૮  પણ જ્યારે એને પોતાની જગ્યાએથી ઉખેડી નાખવામાં આવે છે,ત્યારે એ જગ્યા કહે છે, ‘મેં તને ક્યારેય જોયો નથી.’+ ૧૯  હા, એવી રીતે એનો અંત આવે છે;+પછી એની જગ્યાએ બીજા છોડ ફૂટી નીકળે છે. ૨૦  સાચે જ, પ્રમાણિક* જનને ઈશ્વર ક્યારેય નહિ તરછોડે;તે દુષ્ટ માણસનો હાથ ક્યારેય નહિ પકડે.* ૨૧  પણ તે તારા મોં પર હાસ્ય લાવશે,તારા હોઠ આનંદનો પોકાર કરશે. ૨૨  જેઓ તને ધિક્કારે છે, તેઓનું માથું શરમથી ઝૂકી જશે,દુષ્ટોના તંબુ જમીનદોસ્ત થઈ જશે.”

ફૂટનોટ

અથવા, “તારા શબ્દો વંટોળિયા જેવા છે!”
અથવા, “તારા માટે ઊભા થશે.”
અહીં નદી નજીકના કાદવ-કીચડની વાત થાય છે.
અથવા, “ઈશ્વર-વિરોધીની.”
મૂળ, “ઘરની.”
મૂળ, “ઘર.”
અથવા, “નિર્દોષ.”
અથવા, “સાથ નહિ આપે.”