આમોસ ૭:૧-૧૭

  • ઇઝરાયેલનો અંત પાસે છે એ બતાવતાં દર્શનો (૧-૯)

  • આમોસને કહેવામાં આવ્યું કે તે ભવિષ્યવાણી ન કરે (૧૦-૧૭)

 વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે રાજાને હિસ્સો આપવા ઘાસની કાપણી થઈ ચૂકી હતી. એ પછી શિયાળાનો પાક* ઊગવાનો શરૂ જ થયો હતો, એવામાં ઈશ્વરે તીડોનું ઝુંડ મોકલ્યું. ૨  એ તીડો દેશની વનસ્પતિ ખાઈ ગયા પછી મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, તમારા લોકોને માફ કરો.+ યાકૂબ કઈ રીતે બચી શકશે?* તે કમજોર છે!”+ ૩  એટલે પોતે જે નક્કી કર્યું હતું એના પર યહોવાએ ફરી વિચાર કર્યો.*+ યહોવાએ કહ્યું: “હવે એવું નહિ થાય.” ૪  વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે વિશ્વના માલિક યહોવાએ અગ્‍નિ દ્વારા દેશને સજા કરવાનો હુકમ આપ્યો. અગ્‍નિએ મહાસાગરોનું પાણી સૂકવી નાખ્યું અને જમીનનો અમુક ભાગ બાળીને ખાખ કરી દીધો. ૫  મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એવું ના કરો.+ યાકૂબ કઈ રીતે બચી શકશે?* તે કમજોર છે!”+ ૬  એટલે પોતે જે નક્કી કર્યું હતું એના પર યહોવાએ ફરી વિચાર કર્યો.*+ વિશ્વના માલિક યહોવાએ કહ્યું: “એવું પણ નહિ થાય.” ૭  પછી તેમણે મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે યહોવા એક દીવાલ પર ઊભા હતા, જે ઓળંબાથી* સીધી બાંધેલી હતી. તેમના હાથમાં એક ઓળંબો હતો. ૮  યહોવાએ મને પૂછ્યું: “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું: “ઓળંબો.” યહોવાએ કહ્યું: “હું મારા ઇઝરાયેલી લોકોમાં એક ઓળંબો મૂકી રહ્યો છું. હું ક્યારેય તેઓને માફ કરીશ નહિ.+ ૯  ઇસહાકનાં ભક્તિ-સ્થળોને*+ ઉજ્જડ કરી દેવામાં આવશે. ઇઝરાયેલની પવિત્ર જગ્યાઓનો* નાશ કરવામાં આવશે.+ હું યરોબઆમના ઘર વિરુદ્ધ તલવાર લઈને આવીશ.”+ ૧૦  બેથેલના યાજક* અમાઝ્યાએ+ ઇઝરાયેલના રાજા યરોબઆમને+ આ સંદેશો મોકલ્યો: “આમોસ ઇઝરાયેલમાં જ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે.+ લોકો હવે તેના શબ્દો સહી શકતા નથી.+ ૧૧  તે કહે છે, ‘યરોબઆમ તલવારે માર્યો જશે અને ઇઝરાયેલના લોકો પોતાના દેશમાંથી ગુલામીમાં જશે.’”+ ૧૨  અમાઝ્યાએ આમોસને કહ્યું: “હે દર્શન જોનાર, જા, યહૂદા દેશમાં નાસી જા. ત્યાં તારી રોટલી કમાઈને ખા અને ત્યાં જ ભવિષ્યવાણી કર.+ ૧૩  પણ હવે તું ફરી કદી બેથેલમાં ભવિષ્યવાણી કરતો નહિ,+ કેમ કે એ રાજાની પવિત્ર જગ્યા+ અને રાજભવન છે.” ૧૪  આમોસે અમાઝ્યાને કહ્યું: “હું પ્રબોધક ન હતો કે પ્રબોધકનો દીકરો પણ ન હતો. હું તો એક ઘેટાંપાળક હતો+ અને અંજીરનાં ઝાડનો* રખેવાળ હતો.* ૧૫  હું ટોળાની રખેવાળી કરતો હતો ત્યારે યહોવાએ મને બોલાવી લીધો. યહોવાએ મને કહ્યું: ‘જા, જઈને મારા ઇઝરાયેલી લોકો આગળ ભવિષ્યવાણી કર.’+ ૧૬  હવે યહોવાનો સંદેશો સાંભળ: ‘તું કહે છે, “ઇઝરાયેલ વિરુદ્ધ ભવિષ્યવાણી કરીશ નહિ.+ ઇસહાકના ઘર વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.”+ ૧૭  એટલે યહોવા કહે છે: “તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે. તારાં દીકરા-દીકરીઓ તલવારે માર્યા જશે. માપવાની દોરીથી તારી મિલકતના ભાગલા પાડવામાં આવશે. તું અશુદ્ધ દેશમાં માર્યો જશે. ઇઝરાયેલના લોકો પોતાના દેશમાંથી જરૂર ગુલામીમાં જશે.”’”+

ફૂટનોટ

એટલે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન.
મૂળ, “ઊભો થઈ શકશે?”
અથવા, “પસ્તાવો કર્યો.”
મૂળ, “ઊભો થઈ શકશે?”
અથવા, “પસ્તાવો કર્યો.”
દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.
મૂળ, “ઉચ્ચ સ્થાનોને.” શબ્દસૂચિ જુઓ.
ગુલર કે ઉમરડા જેવું ઝાડ.
અથવા, “અંજીરને ચીરો મૂકતો હતો.”