આમોસ ૮:૧-૧૪

  • ઉનાળાનાં ફળોથી ભરેલી ટોપલીનું દર્શન (૧-૩)

  • જુલમીઓને ઠપકો (૪-૧૪)

    • ઈશ્વર યહોવાના શબ્દોનો દુકાળ (૧૧)

 વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે એક ટોપલીમાં ઉનાળાનાં ફળ* ભરેલાં હતાં. ૨  તેમણે પૂછ્યું: “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું: “ઉનાળાનાં પાકેલાં ફળોથી ભરેલી ટોપલી.” યહોવાએ મને કહ્યું: “મારા ઇઝરાયેલી લોકોનો અંત આવી પહોંચ્યો છે. હું ક્યારેય તેઓને માફ કરીશ નહિ.+ ૩  વિશ્વના માલિક યહોવા કહે છે, ‘એ દિવસે મંદિરનાં ગીતો વિલાપમાં ફેરવાઈ જશે.+ બધે જ લાશોના ઢગલા હશે+ અને એકદમ સન્‍નાટો છવાઈ જશે.’  ૪  ઓ ગરીબોને કચડી નાખનારાઓ અને દેશના દીન લોકોનો નાશ કરનારાઓ, તમે સાંભળો.+  ૫  તમે કહો છો, ‘ચાંદરાતનો* તહેવાર ક્યારે પૂરો થાય+ ને આપણે અનાજ વેચીએ? સાબ્બાથ*+ ક્યારે પૂરો થાય ને આપણે ધાન્ય વેચીએ? જેથી આપણે એફાહ માપને* નાનું બનાવી શકીએ,શેકેલનું* વજન વધારી શકીએ,ખોટાં ત્રાજવાંથી છેતરી શકીએ,+  ૬  ચાંદી આપીને લાચાર લોકોને ખરીદી શકીએ,ચંપલની જોડ આપીને ગરીબોને વેચાતા લઈ શકીએ+અને અનાજનું ભૂસું વેચી શકીએ.’  ૭  યહોવાએ યાકૂબના ગૌરવના સમ ખાઈને કહ્યું,+‘હું તેઓનાં કામોને કદી ભૂલીશ નહિ.+  ૮  એટલે આખો દેશ* ધ્રૂજી ઊઠશેઅને દેશનો દરેક રહેવાસી વિલાપ કરશે.+ આખો દેશ નાઈલ નદીની જેમ ઊભરાઈ જશેઅને ઇજિપ્તની નાઈલ નદીના ધસમસતા અને ઓસરતા પાણી જેવો થઈ જશે.’+  ૯  વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે,‘એ દિવસે હું ભરબપોરે સૂરજને ડુબાડી દઈશઅને ધોળે દહાડે દેશ પર અંધકાર પાથરી દઈશ.+ ૧૦  તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી દઈશ+અને તમારાં ગીતોને હું વિલાપગીતોમાં* ફેરવી દઈશ. હું બધાની કમરે કંતાન પહેરાવીશ અને બધાનાં માથાં મૂંડાવી નાખીશ. એકનો એક દીકરો મરી ગયો હોય એવો શોક હું ફેલાવીશ. એ દિવસનો અંત એકદમ કડવો હશે.’ ૧૧  વિશ્વના માલિક યહોવા કહે છે,‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,જ્યારે હું દેશ પર દુકાળ મોકલીશ,રોટલીનો કે પાણીનો દુકાળ નહિ,પણ યહોવાના શબ્દો સાંભળવાનો દુકાળ મોકલીશ.+ ૧૨  તેઓ સમુદ્રથી સમુદ્રઅને ઉત્તરથી પૂર્વ* સુધી ભટકશે. યહોવાના શબ્દો સાંભળવા તેઓ અહીંતહીં દોડશે, પણ તેઓને મળશે નહિ. ૧૩  એ દિવસે ખૂબસૂરત યુવતીઓઅને યુવાનો તરસથી બેભાન થઈ જશે, ૧૪  તેઓ સમરૂનના પાપના સમ ખાઈને+ કહે છે,“હે દાન, તારા દેવના સમ”+અને “બેર-શેબાના રસ્તાના સમ!”+ તેઓ પડશે અને કદી પાછા ઊઠશે નહિ.’”+

ફૂટનોટ

ખાસ કરીને “અંજીર” અને કદાચ “ખજૂર.”
અથવા, “પૃથ્વી.”
અથવા, “શોકગીતોમાં.”
અથવા, “સૂર્યોદય.”