ઉત્પત્તિ ૧૪:૧-૨૪
૧૪ એ દિવસોમાં શિનઆર+ પર રાજા આમ્રાફેલ, એલ્લાસાર પર રાજા આર્યોખ, એલામ+ પર રાજા કદોરલાઓમેર+ અને ગોઈમ પર રાજા તિદાલ રાજ કરતા હતા.
૨ એ ચાર રાજાઓએ આ પાંચ રાજાઓ સામે યુદ્ધ કર્યું: સદોમના+ રાજા બેરા, ગમોરાહના+ રાજા બિર્શા, આદમાહના રાજા શિનાબ, સબોઇમના+ રાજા શેમેબેર અને બેલાના (સોઆરના) રાજા.
૩ એ રાજાઓની* સેનાઓ સિદ્દીમની ખીણમાં*+ એકઠી થઈ, જે ખારો સમુદ્ર*+ છે.
૪ એ પાંચ રાજાઓ ૧૨ વર્ષ સુધી કદોરલાઓમેરને તાબે રહ્યા, પણ ૧૩મા વર્ષે તેઓએ બળવો કર્યો.
૫ ૧૪મા વર્ષે કદોરલાઓમેર અને તેની સાથેના ત્રણ રાજાઓએ આશ્તરોથ-કારનાઈમમાં રફાઈઓને, હામમાં ઝુઝીઓને અને શાવેહ-કિર્યાથાઈમમાં એમીઓને+ જીતી લીધા.
૬ તેઓએ સેઈર પહાડ+ પર રહેતા હોરીઓને+ એલપારાનમાં હરાવ્યા, જે વેરાન પ્રદેશની સરહદે છે.
૭ પછી એ ચાર રાજાઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ (કાદેશ)+ આવ્યા. તેઓએ અમાલેકીઓનો+ આખો પ્રદેશ જીતી લીધો અને હાસસોન-તામારમાં+ વસતા અમોરીઓને+ પણ હરાવ્યા.
૮ પછી સદોમનો રાજા લડવા નીકળ્યો. તેની સાથે ગમોરાહનો રાજા, આદમાહનો રાજા, સબોઇમનો રાજા અને બેલાનો (સોઆરનો) રાજા પણ હતો. તેઓએ સિદ્દીમની ખીણમાં આ ચાર રાજાઓ સામે લડવા તૈયારી કરી:
૯ એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના+ રાજા આર્યોખ. પછી આ ચાર રાજાઓ અને પેલા પાંચ રાજાઓ વચ્ચે લડાઈ થઈ.
૧૦ સદોમ અને ગમોરાહના રાજાઓ જીવ બચાવવા નાસી છૂટ્યા. ભાગતાં ભાગતાં તેઓ ડામરથી ભરેલા ખાડાઓમાં પડી ગયા, જે સિદ્દીમની ખીણમાં છે. જેઓ બચી ગયા, તેઓ પહાડી પ્રદેશમાં ભાગી ગયા.
૧૧ વિજયી રાજાઓ સદોમ અને ગમોરાહની બધી માલ-મિલકત અને ખોરાક લૂંટીને પોતાને માર્ગે ચાલ્યા ગયા.+
૧૨ ઇબ્રામનો ભત્રીજો લોત જે સદોમમાં+ રહેતો હતો, તેને પણ તેની માલ-મિલકત સાથે લઈને એ રાજાઓ આગળ વધ્યા.
૧૩ ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને એ બધું ઇબ્રામને* જણાવ્યું. એ વખતે ઇબ્રામ મામરે નામના માણસનાં મોટાં મોટાં વૃક્ષો+ પાસે રહેતો હતો.* મામરે અમોરી હતો. એશ્કોલ અને આનેર+ તેના ભાઈઓ હતા. એ ભાઈઓ અને ઇબ્રામ કરારથી બંધાયેલા હતા.
૧૪ ઇબ્રામને જેવી ખબર પડી કે તેના સંબંધી*+ લોતને બંદી બનાવીને લઈ જવામાં આવ્યો છે કે તરત તેને છોડાવવા તે નીકળી પડ્યો. તે પોતાના ઘરમાં જન્મેલા અને યુદ્ધની તાલીમ પામેલા ૩૧૮ દાસોને સાથે લઈને દુશ્મનોને પકડવા દાન+ સુધી ગયો.
૧૫ રાતના સમયે તેણે પોતાના માણસોને ટોળીઓમાં વહેંચી દીધા. તેણે અને તેના દાસોએ દુશ્મનો પર હુમલો કર્યો અને દમસ્કની ઉત્તરે આવેલા હોબાહ સુધી પીછો કરીને તેઓને હરાવ્યા.
૧૬ ઇબ્રામે બધી માલ-મિલકત પાછી મેળવી. તે પોતાના સંબંધી લોતને, તેની માલ-મિલકતને, સ્ત્રીઓને અને બીજા લોકોને પણ છોડાવીને પાછાં લઈ આવ્યો.
૧૭ કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને ઇબ્રામ પાછો આવ્યો. એ સમયે સદોમનો રાજા શાવેહની ખીણમાં, એટલે કે રાજાની ખીણમાં+ ઇબ્રામને મળવા આવ્યો.
૧૮ શાલેમનો રાજા+ મલ્ખીસદેક+ પણ રોટલી અને દ્રાક્ષદારૂ લઈને ઇબ્રામને મળવા આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યાજક* હતો.+
૧૯ મલ્ખીસદેકે ઇબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું:
“આકાશ અને પૃથ્વીના સર્જનહાર,સર્વોચ્ચ ઈશ્વરનો આશીર્વાદ ઇબ્રામ પર રહો.
૨૦ સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ થાઓ,જેમણે તારા દુશ્મનોને તારા હાથમાં સોંપ્યા છે!”
પછી ઇબ્રામે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો.+
૨૧ સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું: “બધી માલ-મિલકત તું રાખ, પણ લોકો મને પાછા આપી દે.”
૨૨ ઇબ્રામે તેને કહ્યું: “હું આકાશ અને પૃથ્વીના સર્જનહાર, સર્વોચ્ચ ઈશ્વર યહોવા આગળ હાથ ઊંચો કરીને સમ ખાઉં છું કે,
૨૩ જે કંઈ તમારું છે એમાંથી હું કશું જ નહિ લઉં. એક દોરો પણ નહિ લઉં,* જેથી તમે એમ ન કહો કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’
૨૪ મારા યુવાન માણસોએ જે ખાધું છે એ સિવાય હું કશું જ નહિ લઉં. પણ મારી સાથે આવેલા આનેર, એશ્કોલ અને મામરેને+ તેઓનો ભાગ લેવા દો.”
ફૂટનોટ
^ એટલે કે, મૃત સરોવર.
^ અથવા, “નીચાણ પ્રદેશમાં.”
^ આ ઉત ૧૪:૧માં બતાવેલા રાજાઓ હોય શકે.
^ મૂળ, “હિબ્રૂ ઇબ્રામને.”
^ અથવા, “તંબુઓમાં રહેતો હતો.”
^ મૂળ, “ભાઈ.”
^ મૂળ, “દોરી નહિ કે જોડાની દોરી પણ નહિ લઉં.”