ઉત્પત્તિ ૨૪:૧-૬૭

  • ઇસહાક માટે પત્ની શોધવામાં આવે છે (૧-૫૮)

  • રિબકા ઇસહાકને મળવા જાય છે (૫૯-૬૭)

૨૪  હવે ઇબ્રાહિમ બહુ ઘરડો થયો હતો, તેની ઉંમર ઢળી ચૂકી હતી. યહોવાએ તેને બધી રીતે આશીર્વાદ આપ્યો હતો.+ ૨  ઇબ્રાહિમના ઘરમાં એક ચાકર હતો. તે ઉંમરમાં સૌથી મોટો હતો અને બધો કારભાર સંભાળતો હતો.+ ઇબ્રાહિમે તેને કહ્યું: “મારી જાંઘ નીચે તારો હાથ મૂક* ૩  અને આકાશ તથા પૃથ્વીના ઈશ્વર યહોવા આગળ સમ ખા કે, તું મારા દીકરાને કનાની સ્ત્રી સાથે નહિ પરણાવે, જેઓના દેશમાં હું રહું છું.+ ૪  એને બદલે, તું મારા દેશમાં મારાં સગાં-વહાલાં પાસે જા+ અને ત્યાંથી મારા દીકરા ઇસહાક માટે પત્ની લઈ આવ.” ૫  ચાકરે તેને કહ્યું: “જો એ સ્ત્રી મારી સાથે અહીં આવવા રાજી ન હોય, તો શું હું તમારા દીકરાને ત્યાં લઈ જાઉં?”+ ૬  ઇબ્રાહિમે કહ્યું: “ના, મારા દીકરાને ત્યાં લઈ જતો નહિ.+ ૭  સ્વર્ગના ઈશ્વર યહોવા મને મારા પિતાના ઘરમાંથી અને મારાં સગાં-વહાલાંના દેશમાંથી બહાર લઈ આવ્યા છે.+ તેમણે મારી સાથે વાત કરીને આ સમ ખાધા છે:+ ‘તારા વંશજને+ હું આ દેશ આપવાનો છું.’+ તે તને માર્ગદર્શન આપવા પોતાનો દૂત મોકલશે+ અને તને મારા દેશમાંથી મારા દીકરા માટે પત્ની જરૂર મળશે.+ ૮  જો તે સ્ત્રી અહીં આવવા રાજી ન હોય, તો તું મારા સમથી મુક્ત થશે. પણ તું મારા દીકરાને ત્યાં લઈ જતો નહિ.” ૯  ત્યારે ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂકીને સમ ખાધા કે તે એવું જ કરશે.+ ૧૦  ચાકરે પોતાના માલિક પાસેથી અનેક કીમતી ચીજવસ્તુઓ લીધી અને માલિકના દસ ઊંટો લઈને ત્યાંથી વિદાય લીધી. પછી નાહોર શહેર જવા તેણે મેસોપોટેમિયાનો રસ્તો પકડ્યો. ૧૧  છેવટે તે શહેર નજીક આવી પહોંચ્યો. તેણે ઊંટોને કૂવા નજીક બેસાડ્યાં. એ સાંજનો સમય હતો અને સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પાસે આવતી હતી. ૧૨  તેણે કહ્યું: “હે યહોવા, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરીને આજે મને સફળતા અપાવજો અને આમ મારા માલિકને અતૂટ પ્રેમ બતાવજો. ૧૩  હું અહીં કૂવા પાસે ઊભો છું અને આ શહેરની દીકરીઓ પાણી ભરવા આવી રહી છે. ૧૪  એમાંથી એક સ્ત્રીને હું કહીશ, ‘કુંજો ઉતારીને મને પાણી આપ.’ જો એ સ્ત્રી કહે, ‘લો, પાણી પીઓ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ,’ તો મને ખબર પડશે કે એ સ્ત્રીને તમે તમારા સેવક ઇસહાક માટે પસંદ કરી છે. એમ મને ખાતરી કરાવો કે તમે મારા માલિકને અતૂટ પ્રેમ બતાવ્યો છે.” ૧૫  હજુ તો તે મનમાં બોલી રહ્યો હતો એટલામાં રિબકા પોતાના ખભા પર કુંજો લઈને ત્યાં આવી. રિબકા બથુએલની દીકરી હતી.+ બથુએલ મિલ્કાહ+ અને નાહોરનો+ દીકરો હતો. નાહોર ઇબ્રાહિમનો ભાઈ હતો. ૧૬  રિબકા ખૂબ જ સુંદર અને કુંવારી હતી. તેણે કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે ગઈ અને પોતાના કુંજામાં પાણી ભરીને પાછી આવી. ૧૭  ચાકર તરત જ તેને મળવા દોડી ગયો અને તેને કહ્યું: “તારા કુંજામાંથી મને થોડું પાણી પા.” ૧૮  રિબકાએ કહ્યું: “લો મારા માલિક, પાણી પીઓ.” તેણે તરત જ ખભા પરથી કુંજો ઉતારીને તેને પાણી પિવડાવ્યું. ૧૯  તે પાણી પી રહ્યો ત્યારે રિબકાએ કહ્યું: “તમારાં ઊંટો પી રહે ત્યાં સુધી હું તેઓને પણ પાઈશ.” ૨૦  તેણે ઉતાવળે કુંજો હવાડામાં ખાલી કર્યો. અને બધાં ઊંટો પી રહ્યાં ત્યાં સુધી તે વારંવાર કૂવાએ દોડી જઈને પાણી ભરી લાવી. ૨૧  એ બધો સમય તે ચાકર આશ્ચર્યથી તેને જોતો રહ્યો. તે વિચારતો રહ્યો કે, યહોવાએ તેની મુસાફરી સફળ કરી છે કે નહિ. ૨૨  ઊંટો પાણી પી રહ્યાં પછી, ચાકરે અડધા શેકેલ* વજનની સોનાની એક નથણી અને દસ શેકેલ* વજનની સોનાની બે બંગડીઓ તેને આપી. ૨૩  તેણે રિબકાને પૂછ્યું: “તું કોની દીકરી છે? શું તારા પિતાના ઘરમાં રાત રોકાવા માટે જગ્યા છે?” ૨૪  તેણે કહ્યું: “હું બથુએલની દીકરી છું.+ તે મિલ્કાહ અને નાહોરના દીકરા છે.”+ ૨૫  તેણે એ પણ કહ્યું: “અમારા ઘરે રાત રોકાવાની જગ્યા છે અને ઊંટો માટે ઘાસચારો પણ છે.” ૨૬  ત્યારે તે ચાકરે યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું ૨૭  અને કહ્યું: “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તમે મારા માલિક સાથે અતૂટ પ્રેમ અને વફાદારીથી વર્તવાનું છોડ્યું નથી. યહોવા મને મારા માલિકના ભાઈઓના ઘર સુધી લઈ આવ્યા છે.” ૨૮  તે યુવાન સ્ત્રી દોડીને ગઈ અને તેણે પોતાની મા તથા બીજા કુટુંબીજનોને એ વિશે જણાવ્યું. ૨૯  હવે રિબકાને લાબાન નામે એક ભાઈ હતો.+ લાબાન એ ચાકરને મળવા કૂવા પાસે દોડી ગયો. ૩૦  તે ચાકર હજી પોતાનાં ઊંટો સાથે કૂવા પાસે ઊભો હતો. લાબાન તેને મળવા દોડીને ગયો, કેમ કે તેણે પોતાની બહેન રિબકા પાસે નથણી અને તેના હાથમાં બંગડીઓ જોઈ હતી. તેણે રિબકાના મોંએ આ શબ્દો પણ સાંભળ્યા હતા, “એ માણસે મને આમ આમ કહ્યું.” ૩૧  લાબાને એ ચાકરને કહ્યું: “હે યહોવાના સેવક, તમારા પર તેમનો આશીર્વાદ છે. તમે કેમ બહાર ઊભા છો? મારા ઘરે ચાલો, મેં તમારા માટે રહેવાની વ્યવસ્થા કરી છે. તમારા ઊંટો માટે પણ જગ્યા તૈયાર કરી છે.” ૩૨  પછી તે લાબાનની સાથે ઘરમાં ગયો. તેણે* ઊંટો પરથી સામાન ઉતાર્યો અને તેઓને ઘાસચારો આપ્યો. ચાકર અને તેની સાથે આવેલા માણસોને પગ ધોવા પાણી આપ્યું. ૩૩  ચાકરની આગળ ખાવાનું પીરસવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું: “પહેલા મને મારી વાત કહેવા દો, પછી જ હું ખાઈશ.” લાબાને કહ્યું: “હા, જણાવો.” ૩૪  તેણે કહ્યું: “હું ઇબ્રાહિમનો ચાકર છું.+ ૩૫  યહોવાએ મારા માલિકને ખૂબ આશીર્વાદ આપ્યો છે. તેમને પુષ્કળ ઘેટાં, ઢોરઢાંક, ઊંટો, ગધેડાં, સોનું-ચાંદી અને દાસ-દાસીઓ આપીને ખૂબ ધનવાન કર્યા છે.+ ૩૬  એટલું જ નહિ, મારા માલિકની પત્ની સારાહે ઘડપણમાં એક દીકરાને જન્મ આપ્યો છે+ અને મારા માલિક તેને વારસામાં બધું આપવાના છે.+ ૩૭  મારા માલિકે મને સમ ખવડાવીને કહ્યું છે: ‘તું મારા દીકરાને કનાની સ્ત્રી સાથે ન પરણાવતો, જેઓના દેશમાં હું રહું છું.+ ૩૮  એને બદલે, તું મારા પિતાના ઘરે, મારા કુટુંબ પાસે જા+ અને ત્યાંથી મારા દીકરા માટે પત્ની લઈ આવ.’+ ૩૯  પણ મેં મારા માલિકને પૂછ્યું: ‘જો એ સ્ત્રી મારી સાથે અહીં આવવા રાજી ન હોય તો?’+ ૪૦  તેમણે મને કહ્યું: ‘જે યહોવાને હું ભજું છું,+ તે પોતાનો દૂત તારી સાથે મોકલશે+ અને તારી મુસાફરી ચોક્કસ સફળ કરશે. તું મારા કુટુંબમાંથી, મારા પિતાના ઘરમાંથી મારા દીકરા માટે પત્ની લઈ આવ.+ ૪૧  જો તું મારા કુટુંબ પાસે જાય અને તેઓ એ સ્ત્રી તને ન આપે, તો તું સમથી મુક્ત થશે.’+ ૪૨  “આજે હું કૂવા પાસે આવ્યો ત્યારે મેં કહ્યું: ‘હે યહોવા, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જો તમે મારી મુસાફરી સફળ કરવાના હો, ૪૩  તો આવું થવા દો. હું અહીં કૂવા પાસે ઊભો છું. જે સ્ત્રી+ પાણી ભરવા આવે તેને હું કહીશ, “તારા કુંજામાંથી મને થોડું પાણી પા.” ૪૪  જો તે મને કહે, “તમે પાણી પીઓ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ,” તો મને ખબર પડશે કે, યહોવાએ મારા માલિકના દીકરા માટે એ સ્ત્રીને પસંદ કરી છે.’+ ૪૫  “હજુ તો હું મારા મનમાં બોલી રહ્યો હતો એટલામાં, રિબકા પોતાના ખભા પર કુંજો લઈને ત્યાં આવી અને કૂવા પાસે જઈને પાણી ભરવા લાગી. મેં તેને કહ્યું: ‘કૃપા કરીને મને થોડું પાણી પા.’+ ૪૬  તેણે તરત જ ખભા પરથી કુંજો ઉતારીને કહ્યું: ‘લો, પાણી પીઓ+ અને હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ પછી મેં પાણી પીધું અને તેણે મારાં ઊંટોને પણ પિવડાવ્યું. ૪૭  મેં તેને પૂછ્યું: ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું: ‘હું બથુએલની દીકરી છું. તે મિલ્કાહ અને નાહોરના દીકરા છે.’ તેથી મેં તેના નાકમાં નથણી અને હાથમાં બંગડીઓ પહેરાવી.+ ૪૮  પછી મેં યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી.+ કેમ કે તે મને સાચા માર્ગે લઈ આવ્યા, જેથી હું મારા માલિકના દીકરા માટે તેમના ભાઈની દીકરી પસંદ કરી શકું. ૪૯  જો તમે મારા માલિકને અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવા માંગતા હો, તો મને કહો. જો એમ ન હોય તોપણ મને કહો, જેથી મારે આગળ શું કરવું એની મને ખબર પડે.”*+ ૫૦  લાબાન અને બથુએલે કહ્યું: “આ વાત યહોવા પાસેથી છે, તો હા કે ના પાડનાર અમે કોણ?* ૫૧  આ રહી રિબકા, તેને તમારી સાથે લઈ જાઓ. જેમ યહોવાએ કહ્યું છે તેમ તે તમારા માલિકના દીકરાની પત્ની બને.” ૫૨  ઇબ્રાહિમના ચાકરે એ સાંભળ્યું ત્યારે, તેણે યહોવા આગળ જમીન સુધી માથું નમાવીને તેમનો આભાર માન્યો. ૫૩  તે ચાકરે રિબકાને સોના-ચાંદીની વસ્તુઓ અને કપડાં આપ્યાં. તેના ભાઈને અને તેની માને પણ કીમતી ચીજવસ્તુઓ આપી. ૫૪  પછી ચાકર અને તેની સાથેના માણસોએ ખાધું-પીધું અને ત્યાં રાત વિતાવી. ચાકરે સવારે ઊઠીને કહ્યું: “મને મારા માલિક પાસે પાછો જવા દો.” ૫૫  રિબકાનાં ભાઈએ અને માએ કહ્યું: “અમારી દીકરીને અમારી સાથે દસેક દિવસ રહેવા દો. પછી તે ભલે જતી.” ૫૬  પણ ચાકરે કહ્યું: “જુઓ, યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો, જેથી હું મારા માલિક પાસે જાઉં.” ૫૭  તેઓએ કહ્યું: “ચાલો, રિબકાને જ બોલાવીને પૂછીએ.” ૫૮  તેઓએ રિબકાને બોલાવીને પૂછ્યું: “શું તું આમની સાથે જઈશ?” તેણે કહ્યું: “હા, હું જઈશ.” ૫૯  તેઓએ પોતાની બહેન રિબકા,+ તેની દાઈ,*+ ઇબ્રાહિમના ચાકર અને તેના માણસોને વિદાય આપી. ૬૦  તેઓએ રિબકાને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “અમારી બહેન, તારા વંશજની સંખ્યા લાખો ને લાખો થાઓ.* તારો વંશજ પોતાના દુશ્મનોનાં શહેરો* કબજે કરે.”+ ૬૧  પછી રિબકા અને તેની દાસીઓ જઈને ઊંટ પર બેઠી અને તે ચાકરની પાછળ ગઈ. રિબકાને લઈને ચાકરે ત્યાંથી વિદાય લીધી. ૬૨  હવે ઇસહાક નેગેબ દેશમાં રહેતો હતો.+ બેર-લાહાય-રોઈથી પાછા ફરતી વખતે+ ૬૩  તે મનન કરવા+ મેદાની વિસ્તારમાં ગયો. એ સાંજનો વખત હતો. તેણે નજર ઉઠાવીને જોયું તો ઊંટો આવી રહ્યાં હતાં. ૬૪  રિબકાએ ઇસહાકને જોયો ત્યારે, તે તરત ઊંટ પરથી ઊતરી ગઈ. ૬૫  તેણે ચાકરને પૂછ્યું: “આપણને મળવા જે માણસ આવે છે તે કોણ છે?” ચાકરે તેને કહ્યું: “તે મારા માલિક છે.” ત્યારે તેણે ઓઢણીથી પોતાનું માથું ઢાંક્યું. ૬૬  ચાકરે ઇસહાકને જે કંઈ બન્યું હતું એ બધું જણાવ્યું. ૬૭  પછી ઇસહાક રિબકાને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો+ અને તેની સાથે લગ્‍ન કર્યું. ઇસહાક તેના પ્રેમમાં પડ્યો+ અને પોતાની માના મરણથી થયેલા દુઃખમાં તેને દિલાસો મળ્યો.+

ફૂટનોટ

દેખીતું છે, પ્રાચીન સમયમાં સમ ખાવાની એ એક રીત હતી.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અહીં કદાચ લાબાનની વાત થાય છે.
મૂળ, “જમણી કે ડાબી તરફ જવું એની મને ખબર પડે.”
અથવા, “અમે તમને કંઈ ભલું કે ભૂંડું કહી શકતા નથી.”
એટલે કે, તેની દાઈ જે હવે તેની દાસી હતી.
અથવા, “તું લાખો ને લાખોની મા થજે.”
મૂળ, “દરવાજાઓ.”