ઉત્પત્તિ ૨૮:૧-૨૨

  • ઇસહાક યાકૂબને પાદ્દાનારામ મોકલે છે (૧-૯)

  • યાકૂબને બેથેલમાં સપનું આવે છે (૧૦-૨૨)

    • ઈશ્વરે યાકૂબ સાથે વચન પાકું કર્યું (૧૩-૧૫)

૨૮  ઇસહાકે યાકૂબને બોલાવીને આશીર્વાદ આપ્યો અને આજ્ઞા આપતા કહ્યું: “કનાનની દીકરીઓમાંથી કોઈની સાથે તું પરણીશ નહિ.+ ૨  પણ પાદ્દાનારામમાં તારા નાના* બથુએલને ઘરે જા અને ત્યાં તારા મામા લાબાનની દીકરીઓમાંથી કોઈની સાથે લગ્‍ન કર.+ ૩  સર્વશક્તિમાન ઈશ્વર તને આશીર્વાદ આપશે. તે તારાં બાળકોની સંખ્યા ખૂબ વધારશે અને તારામાંથી ઘણી પ્રજાઓ* આવશે.+ ૪  જે આશીર્વાદ ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યો હતો,+ એ આશીર્વાદ તે તને અને તારા વંશજને પણ આપશે. ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા આ દેશનો તું વારસો મેળવશે, જેમાં તું પરદેશી તરીકે રહે છે.”+ ૫  પછી ઇસહાકે યાકૂબને વિદાય આપી અને યાકૂબ લાબાનના ઘરે પાદ્દાનારામ જવા નીકળ્યો. લાબાન અરામી બથુએલનો દીકરો+ અને રિબકાનો ભાઈ+ હતો. રિબકા તો યાકૂબ અને એસાવની મા હતી. ૬  એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપીને પાદ્દાનારામ મોકલ્યો છે, જેથી ત્યાંની કોઈ સ્ત્રી સાથે પરણે. એસાવને એ પણ જાણ થઈ કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને આવી આજ્ઞા આપી છે: “કનાનની દીકરીઓમાંથી કોઈની સાથે તું પરણીશ નહિ.”+ ૭  એસાવે એ પણ જોયું કે યાકૂબ માબાપનું કહ્યું માનીને પાદ્દાનારામ જવા નીકળ્યો છે.+ ૮  એનાથી એસાવને ખ્યાલ આવ્યો કે તેના પિતા ઇસહાકને કનાનની દીકરીઓ જરાય ગમતી નથી.+ ૯  એટલે એસાવ ઇબ્રાહિમના દીકરા ઇશ્માએલ પાસે ગયો. તેણે ઇશ્માએલની દીકરી માહલાથ સાથે લગ્‍ન કર્યું, જે નબાયોથની બહેન હતી. આમ એસાવે બે પત્નીઓ હોવા છતાં ત્રીજી સાથે લગ્‍ન કર્યું.+ ૧૦  યાકૂબ બેર-શેબાથી નીકળ્યો અને હારાન તરફ આગળ વધ્યો.+ ૧૧  થોડા સમય પછી યાકૂબ એક જગ્યાએ આવી પહોંચ્યો. તેણે ત્યાં રાત રોકાવાનું નક્કી કર્યું, કેમ કે સૂર્ય આથમી ગયો હતો. તેણે એક પથ્થર લીધો અને માથા નીચે મૂકીને સૂઈ ગયો.+ ૧૨  તેને એક સપનું આવ્યું. તેણે પૃથ્વી ઉપર એક સીડી* મૂકેલી જોઈ, એની ટોચ સ્વર્ગ સુધી પહોંચતી હતી. ઈશ્વરના દૂતો એના પર ચઢ-ઊતર કરતા હતા.+ ૧૩  તેણે જોયું તો, સીડીની ટોચ ઉપર યહોવા હતા. તેમણે યાકૂબને કહ્યું: “હું યહોવા છું, તારા દાદા ઇબ્રાહિમનો ઈશ્વર અને તારા પિતા ઇસહાકનો ઈશ્વર.+ તું સૂઈ ગયો છે એ જગ્યા હું તને અને તારા વંશજને આપવાનો છું.+ ૧૪  તારા વંશજની સંખ્યા રેતીના કણ જેટલી થશે.+ તું તારો વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ સુધી, ઉત્તર અને દક્ષિણ સુધી વધારીશ. તારાથી અને તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.*+ ૧૫  હું તારી સાથે છું. તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારું રક્ષણ કરીશ. હું તને આ દેશમાં પાછો લાવીશ.+ જે વચન મેં તને આપ્યું છે, એ પૂરું નહિ કરું ત્યાં સુધી હું તારો સાથ નહિ છોડું.”+ ૧૬  એવામાં યાકૂબ જાગી ગયો અને બોલી ઊઠ્યો: “સાચે જ, યહોવા આ જગ્યાએ છે, પણ મને એની ખબર ન હતી.” ૧૭  તે ડરી ગયો અને કહ્યું: “આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ તો પવિત્ર જગ્યા છે! આ ઈશ્વરનું જ ઘર છે+ અને આ તો સ્વર્ગનો દરવાજો છે!”+ ૧૮  યાકૂબે સવારે વહેલા ઊઠીને માથા નીચે મૂકેલો પથ્થર સ્મારક-સ્તંભ તરીકે ઊભો કર્યો અને એના પર તેલ રેડ્યું.+ ૧૯  તેણે એ જગ્યાનું નામ બેથેલ* પાડ્યું. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.+ ૨૦  પછી યાકૂબે આ માનતા લીધી: “જો ઈશ્વર હંમેશાં મારી સાથે હશે, મુસાફરીમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને રોટલી અને પહેરવાને કપડાં આપશે ૨૧  અને હું મારા પિતાના ઘરે સહીસલામત પાછો જઈશ, તો મને સાચે જ ખબર પડશે કે યહોવા મારા ઈશ્વર છે.* ૨૨  સ્મારક-સ્તંભ તરીકે ઊભો કરેલો આ પથ્થર ઈશ્વરનું ઘર બનશે+ તેમજ તમે મને જે કંઈ આપશો, એ બધાનો દસમો ભાગ હું તમને અચૂક આપીશ.”

ફૂટનોટ

અથવા, “માતાના પિતા.”
અથવા, “ઘણાં કુળો.”
અથવા, “દાદર.”
એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.
અર્થ, “ઈશ્વરનું ઘર.”
અથવા, “યહોવા પોતાને મારા ઈશ્વર સાબિત કરશે.”