ઉત્પત્તિ ૩૧:૧-૫૫

  • યાકૂબ છૂપી રીતે કનાન જવા નીકળે છે (૧-૧૮)

  • લાબાન યાકૂબ પાસે પહોંચે છે (૧૯-૩૫)

  • લાબાન સાથે યાકૂબનો કરાર (૩૬-૫૫)

૩૧  સમય જતાં, યાકૂબે લાબાનના દીકરાઓને આમ કહેતા સાંભળ્યા: “યાકૂબે આપણા પિતાનું બધું લઈ લીધું છે. આપણા પિતાની મિલકતથી તે ધનવાન થયો છે.”+ ૨  લાબાનનું મોઢું જોઈને યાકૂબને ખ્યાલ આવી ગયો કે, તે બદલાઈ ગયો છે અને તેનું વર્તન હવે પહેલાં જેવું રહ્યું નથી.+ ૩  એટલે યહોવાએ યાકૂબને કહ્યું: “તારા પિતાના દેશમાં, તારાં સગાઓ પાસે પાછો જા.+ હું હંમેશાં તારી સાથે રહીશ.” ૪  પછી યાકૂબે સંદેશો મોકલીને રાહેલ અને લેઆહને બહાર બોલાવી, જ્યાં તે પોતાનાં ટોળાં ચરાવતો હતો. ૫  તેણે તેઓને કહ્યું: “મેં જોયું છે કે તમારા પિતાનું વર્તન મારા પ્રત્યે પહેલાં જેવું રહ્યું નથી.+ પણ મારા પિતાના ઈશ્વર હંમેશાં મારી સાથે રહ્યા છે.+ ૬  તમે સારી રીતે જાણો છો કે મેં પૂરા ખંતથી તમારા પિતાની ચાકરી કરી છે.+ ૭  તમારા પિતાએ મને છેતરવાની કોશિશ કરી અને દસ વખત મારું વેતન બદલી નાખ્યું. પણ ઈશ્વરે મારું નુકસાન થવા દીધું નથી. ૮  જ્યારે તમારા પિતા કહેતા, ‘ટપકાંવાળાં ઘેટાં-બકરાં તારું વેતન થશે,’ ત્યારે બધાં બચ્ચાં ટપકાંવાળાં થતાં. પણ જ્યારે તે કહેતા, ‘ચટાપટાવાળાં ઘેટાં-બકરાં તારું વેતન થશે,’ ત્યારે બધાં બચ્ચાં ચટાપટાવાળાં થતાં.+ ૯  ઈશ્વરે જ તમારા પિતાનાં ઘેટાં-બકરાં લઈને મને આપ્યાં. ૧૦  એકવાર ઘેટાં-બકરાંનો સંવનનનો સમય હતો ત્યારે, મેં સપનામાં જોયું કે બકરીઓ સાથે સંવનન કરતા બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને છાંટવાળા હતા.+ ૧૧  સાચા ઈશ્વરના દૂતે મને સપનામાં કહ્યું: ‘યાકૂબ!’ મેં કહ્યું: ‘હા પ્રભુ.’ ૧૨  તેમણે કહ્યું: ‘તારી નજર ઊંચી કરીને જો. બકરીઓ સાથે સંવનન કરતા બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને છાંટવાળા છે. લાબાન તારી સાથે જે કરે છે, એ બધું મેં જોયું છે.+ ૧૩  હું બેથેલનો સાચો ઈશ્વર છું,+ જ્યાં તેં સ્તંભ પર તેલ રેડ્યું હતું* અને માનતા લીધી હતી.+ હવે ઊઠ અને આ દેશ છોડીને તારા વતનમાં પાછો જા.’”+ ૧૪  એ સાંભળીને રાહેલ અને લેઆહે કહ્યું: “અમારા પિતાના ઘરમાં અમારા માટે કોઈ વારસો રહ્યો નથી! ૧૫  તે અમને પરદેશી જ ગણે છે. તેમણે તો અમને વેચી દીધી છે અને બદલામાં મળેલા પૈસા પણ વાપરી રહ્યા છે!+ ૧૬  ઈશ્વરે અમારા પિતા પાસેથી લઈ લીધેલી માલ-મિલકત અમારી અને અમારાં બાળકોની છે.+ તેથી ઈશ્વરે તમને જે કહ્યું છે એ પ્રમાણે કરો.”+ ૧૭  પછી યાકૂબે ત્યાંથી નીકળવા તૈયારી કરી. તેણે પોતાનાં બાળકોને અને પત્નીઓને ઊંટ પર બેસાડ્યાં.+ ૧૮  તેણે પાદ્દાનારામમાં જે માલ-મિલકત અને ઢોરઢાંક મેળવ્યાં હતાં,+ એ સર્વ લઈને તે કનાન દેશમાં પોતાના પિતા ઇસહાકને ઘેર જવા નીકળ્યો.+ ૧૯  એ સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાતરવા ગયો હતો. એવામાં રાહેલે પોતાના પિતાના+ કુળદેવતાની મૂર્તિઓ*+ ચોરી લીધી. ૨૦  યાકૂબે ચાલાકી વાપરી અને અરામી લાબાનને કશું જણાવ્યા વગર ત્યાંથી નાસી ગયો. ૨૧  પોતાની પાસે જે હતું એ બધું લઈને તે નાસી ગયો. તેણે યુફ્રેટિસ નદી પાર કરી.+ પછી તેણે ગિલયાદના પહાડી વિસ્તાર+ તરફ મુસાફરી કરી. ૨૨  લાબાનને ત્રીજે દિવસે ખબર પડી કે યાકૂબ નાસી ગયો છે. ૨૩  એટલે લાબાને પોતાના માણસો* સાથે તેનો પીછો કર્યો. સાત દિવસ મુસાફરી કર્યા પછી તે ગિલયાદના એ પહાડી વિસ્તારમાં આવી પહોંચ્યો, જ્યાં યાકૂબ હતો. ૨૪  પછી રાતે ઈશ્વરે અરામી લાબાનને+ સપનામાં+ કહ્યું: “સાવચેત રહેજે. ગુસ્સે થઈને યાકૂબને જેમતેમ બોલી ન જતો.”*+ ૨૫  યાકૂબે પોતાનો તંબુ પહાડી વિસ્તારમાં નાખ્યો હતો. લાબાન ત્યાં પહોંચ્યો ત્યારે તેણે પણ પોતાના માણસો સાથે ગિલયાદના પહાડી વિસ્તારમાં પોતાનો તંબુ નાખ્યો. ૨૬  પછી લાબાને યાકૂબને કહ્યું: “તેં આ શું કર્યું? તેં કેમ મને છેતર્યો? જેમ તલવારના જોરે ગુલામોને ઉઠાવી લાવવામાં આવે છે, તેમ તું મારી દીકરીઓને કેમ ઉઠાવી લાવ્યો? ૨૭  તું કેમ છાનોમાનો નાસી ગયો? તેં કેમ મારાથી બધું છુપાવ્યું અને મને દગો કર્યો? જો તેં મને કહ્યું હોત, તો મેં તને વાજતે ગાજતે વિદાય આપી હોત. ગીતો ગાઈને, ખંજરી અને વીણા વગાડીને ખુશી ખુશી વળાવ્યા હોત. ૨૮  પણ તેં મને મારાં પૌત્ર-પૌત્રીઓને* અને મારી દીકરીઓને ચુંબન કરીને વિદાય પણ ન કરવા દીધા! તેં કેવી મૂર્ખાઈ કરી! ૨૯  તને નુકસાન પહોંચાડવું મારા હાથમાં છે. પણ ગઈ કાલે રાતે તારા પિતાના ઈશ્વરે મને સપનામાં કહ્યું: ‘સાવચેત રહેજે. ગુસ્સે થઈને યાકૂબને જેમતેમ બોલી ન જતો.’+ ૩૦  મને ખબર છે કે તું તારા પિતાના ઘરે જવા આતુર છે. એટલે તું મને કંઈ કહ્યા વગર નીકળી ગયો. પણ જતાં જતાં તેં કેમ મારા દેવોની મૂર્તિઓ ચોરી લીધી?”+ ૩૧  યાકૂબે લાબાનને કહ્યું: “હું ડરતો હતો, એટલે છાનોમાનો નીકળી ગયો. મને થયું, ‘તમે તમારી દીકરીઓને બળજબરી કરીને મારી પાસેથી લઈ લેશો.’ ૩૨  રહી વાત તમારી મૂર્તિઓની તો, જેની પાસેથી એ મળે એ માર્યો જાય. મારી પાસે જે બધું છે એની આપણા માણસો સામે તપાસ કરો અને જે તમારું હોય એ લઈ જાઓ.” પણ યાકૂબ જાણતો ન હતો કે રાહેલે એ મૂર્તિઓ ચોરી છે. ૩૩  પછી લાબાને યાકૂબના તંબુમાં, લેઆહના તંબુમાં અને બે દાસીઓના+ તંબુમાં તપાસ કરી, પણ તેને કશું મળ્યું નહિ. તે લેઆહના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો. ૩૪  એ દરમિયાન, રાહેલે મૂર્તિઓ લઈને ઊંટના જીનમાં* મૂકી દીધી અને જીન પર બેસી ગઈ. લાબાન આખો તંબુ ફેંદી વળ્યો, પણ તેને કંઈ મળ્યું નહિ. ૩૫  પછી રાહેલે પિતાને કહ્યું: “મારા પિતા, ગુસ્સે ન થતા. હું તમારી સામે ઊઠી શકતી નથી, કેમ કે મને માસિક સ્રાવ થાય છે.”*+ આમ લાબાને તંબુનો ખૂણે ખૂણો તપાસ્યો, પણ તેને મૂર્તિઓ મળી નહિ.+ ૩૬  એટલે યાકૂબ ખૂબ ગુસ્સે ભરાયો અને તેણે લાબાનને કહ્યું: “મારી ભૂલ શી છે? મેં એવું તે કયું પાપ કર્યું કે તમે હાથ ધોઈને મારી પાછળ પડ્યા છો? ૩૭  તમે મારા બધા સામાનની તપાસ કરી, શું એમાંથી તમારા ઘરનું કશું મળ્યું? જો કંઈ મળ્યું હોય, તો એને મારા અને તમારા માણસોની સામે મૂકો. પછી તેઓને આપણા બંનેનો ન્યાય કરવા દો. ૩૮  આ ૨૦ વર્ષો દરમિયાન હું તમારી સાથે હતો. તમારી ઘેટીઓ અને બકરીઓને ક્યારેય મરેલું બચ્ચું થયું નથી.+ મેં તમારા ટોળામાંથી એક ઘેટો પણ લઈને ખાધો નથી. ૩૯  જો કોઈ જંગલી પ્રાણી ટોળામાંથી એકને પણ ફાડી ખાતું, તો એને હું તમારી પાસે ન લાવતો.+ એનું નુકસાન હું પોતે ભોગવતો. કોઈ ઢોર રાતે કે દિવસે ચોરાતું તો, તમે મારી પાસે એનું વળતર માંગતા. ૪૦  દિવસે કાળઝાળ ગરમીથી હું ત્રાસી જતો. રાતે ઠંડીથી હું થીજી જતો. મારી રાતોની ઊંઘ હરામ થઈ જતી.+ ૪૧  એ હાલતમાં મેં તમારા ઘરમાં ૨૦ વર્ષ વિતાવ્યાં. ૧૪ વર્ષ તમારી બે દીકરીઓ માટે અને ૬ વર્ષ તમારાં ટોળાં માટે મેં તમારી ચાકરી કરી. દસ વખત તમે મારું વેતન બદલ્યું.+ ૪૨  જો ઇબ્રાહિમના ઈશ્વર અને મારા પિતા ઇસહાકના ઈશ્વર*+ મારી સાથે ન હોત, તો તમે મને ખાલી હાથે પાછો મોકલ્યો હોત. ઈશ્વરે મારી પીડા અને મારી મહેનત જોઈ છે. એટલે જ, તેમણે ગઈ કાલે રાતે તમને ચેતવ્યા.”+ ૪૩  લાબાને યાકૂબને કહ્યું: “આ દીકરીઓ મારી દીકરીઓ છે. આ બાળકો મારાં બાળકો છે અને આ ટોળું મારું ટોળું છે. જે કંઈ તું જુએ છે એ બધું મારું અને મારી દીકરીઓનું છે. તો પછી, હું તેઓને અને તેઓનાં બાળકોને શું કામ નુકસાન પહોંચાડું? ૪૪  ચાલ, આપણે બંને એક કરાર કરીએ અને એ કરાર આપણી વચ્ચે સાક્ષી તરીકે રહેશે.” ૪૫  યાકૂબે એક પથ્થર લીધો અને એને સ્તંભ તરીકે ઊભો કર્યો.+ ૪૬  યાકૂબે માણસોને કહ્યું: “પથ્થરો ઉઠાવો.” એટલે તેઓએ પથ્થરો લાવીને સ્તંભ આગળ એનો ઢગલો કર્યો. તેઓ બધાએ પથ્થરના ઢગલા પાસે ખાધું. ૪૭  લાબાને એ જગ્યાનું નામ યગાર-સાહદૂથા* પાડ્યું, પણ યાકૂબે એનું નામ ગાલએદ* પાડ્યું. ૪૮  પછી લાબાને કહ્યું: “આ પથ્થરનો ઢગલો આજે મારી અને તારી વચ્ચે સાક્ષી છે.” એટલે તેણે એ જગ્યાનું નામ ગાલએદ+ પાડ્યું. ૪૯  પછી લાબાને કહ્યું: “આપણે એકબીજાથી દૂર હોઈએ ત્યારે યહોવા તારા પર અને મારા પર નજર રાખે.” એટલે એ પથ્થરના ઢગલાનું નામ ચોકીબુરજ* પડ્યું. ૫૦  લાબાને એ પણ કહ્યું: “જો તું મારી દીકરીઓને ત્રાસ આપે કે બીજી પત્નીઓ કરે, તો યાદ રાખજે, ભલે કોઈ માણસ જુએ કે ન જુએ પણ ઈશ્વર બધું જુએ છે, જે આપણા વચ્ચે સાક્ષી છે.” ૫૧  પછી લાબાને યાકૂબને કહ્યું: “આ પથ્થરનો ઢગલો જો, આ સ્તંભ જો, જે મેં તારી અને મારી વચ્ચે ઊભો કર્યો છે. ૫૨  આ પથ્થરનો ઢગલો અને આ સ્તંભ સાક્ષી છે+ કે, તને નુકસાન પહોંચાડવા હું આ પથ્થરના ઢગલાને ઓળંગીશ નહિ. એવી જ રીતે, તું પણ મને નુકસાન પહોંચાડવા એને ઓળંગીશ નહિ. ૫૩  ઇબ્રાહિમના ઈશ્વર,+ નાહોરના ઈશ્વર અને તેઓના પિતાના ઈશ્વર આપણો ન્યાય કરે.” યાકૂબ એ વાતે સહમત થયો, પછી તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરના* સમ ખાધા.+ ૫૪  એ પછી યાકૂબે પહાડ પર બલિદાન ચઢાવ્યું અને બધા માણસોને જમવા બોલાવ્યા. તેઓએ ખાધું અને પહાડ પર રાત વિતાવી. ૫૫  લાબાન સવારે વહેલો ઊઠ્યો. તેણે પોતાનાં પૌત્ર-પૌત્રીઓને*+ અને દીકરીઓને ચુંબન કર્યું અને તેઓને આશીર્વાદ આપ્યા.+ પછી તે ત્યાંથી નીકળ્યો અને પોતાના ઘરે પાછો ફર્યો.+

ફૂટનોટ

મૂળ, “અભિષિક્ત કર્યો હતો.” શબ્દસૂચિમાં “અભિષેક” જુઓ.
અથવા, “સગાઓ.”
મૂળ, “તું સારું બોલતાં બોલતાં કંઈ ખરાબ બોલી ન બેસે એનું ધ્યાન રાખજે.”
મૂળ, “દીકરાઓને.”
દેખીતું છે, આ પ્રકારના જીનમાં સામાન મૂકવાની જગ્યા હોય છે.
મૂળ, “સ્ત્રીની રીત પ્રમાણે થયું છે.”
અથવા, “મારા પિતા ઇસહાક જેમનો ડર રાખતા હતા એ ઈશ્વર.”
અરામિક શબ્દ, જેનો અર્થ થાય, “સાક્ષીનો ઢગલો.”
હિબ્રૂ શબ્દ, જેનો અર્થ થાય, “સાક્ષીનો ઢગલો.”
હિબ્રૂ, મિસ્પાહ.
અથવા, “પોતાના પિતા ઇસહાક જેમનો ડર રાખતા હતા એ ઈશ્વરના.”
મૂળ, “દીકરાઓને.”